Get The App

બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો કબજો

Updated: Jun 1st, 2025

GS TEAM

Google News
Google News
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો કબજો 1 - image

બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો કબજો 2 - image

- પાક. સરકાર અને સૈન્ય સામે બલુચિસ્તાનમાં ઉગ્ર દેખાવો

- સોરાબ શહેર પર કબજા માટે ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું, બેન્કો, પોલીસ સ્ટેશન, હાઇવે અમારા નિયંત્રણમાં : બીએલએ, પાક. સૈન્યએ વધુ પાંચ બલુચિસ્તાનીઓની હત્યા કરી

ક્વોટા : પાકિસ્તાનમાં બલુચિસ્તાનની આઝાદી માટે લડી રહેલ બલુચ લિબરેશન આર્મી (બીએલએ)એ સોરાબ શહેર પર કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો છે. બલુચ આર્મીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અમે સોરાબ શહેરમાં બેન્કો, પોલીસ સ્ટેશનો સહિત મુખ્ય સરકારી કચેરીઓ પર કબજો કરી લીધો છે. આ સંપૂર્ણ શહેર હાલ અમારા નિયંત્રણમાં છે. શહેર પર કબજો કરવા માટે અમે ત્રણ કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું.  

બીએલએના પ્રવક્તા ઝીયાંદ બલુચે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે શહેર પર કબજો કરવા માટે ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું, આ દરમિયાન બીએલએના લડાકાઓએ શહેરના તમામ મહત્વના સ્થળો પર કબજો કરી લીધો હતો. સાથે જ શહેર સાથે જોડાયેલા તમામ રોડ પણ અમારા નિયંત્રણમાં છે. આ દરમિયાન લેવી પોલીસ સ્ટેશન, મુખ્ય પોલીસ સ્ટેશન, ડીસી ઓફિસ, ગેસ્ટ હાઉસ અને બેન્ક અમારા કબજામાં આવી ગયા. આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકાર અને સૈન્ય બલુચિસ્તાનના નાગરિકો પર સતત અત્યાચાર કરી રહી છે. બલુચિસ્તાનમાં વધુ પાંચ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. એક સપ્તાહમાં આ હત્યાઓ કરાઇ હતી. જેના માટે બલોચ નેશનલ મૂવમેન્ટ (બીએનએમ) નામના માનવ અધિકાર સંગઠને પાકિસ્તાન સરકાર અને સૈન્યને જવાબદાર ઠેરવ્યું હતું. પાક. સૈન્ય બલુચિસ્તાનમાં હેથ સ્કોડ ચલાવી રહી છે. જેના દ્વારા આ હત્યાઓને અંજામ આપવામાં આવ્યો હતો.

જે પણ લોકો માર્યા ગયા છે તે તમામ મજૂરી કામ સાથે જોડાયેલા સામાન્ય મજૂર છે. જોકે જે પાંચ લોકો માર્યા ગયા છે તેમાંથી એકનો મૃતદેહ ટુકડા કરેલી અવસ્થામાં મળી આવ્યો હતો. ડરમન બલોચને ફ્રન્ટિયર કોર્પ્સ (એફસી) દ્વારા ઉઠાવી લેવાયો હતો અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. એફસી પાક. સરકાર દ્વારા ચલાવાતું અર્ધ સૈન્ય દળ છે. જે બલુચિસ્તાનના નાગરિકોની હવે ખુલ્લેઆમ હત્યા કરવા લાગ્યું છે. તેઓ નાગરિકોનું અપહરણ કરી લે છે અને બાદમાં તેનો મૃતદેહ મળી આવે છે.  તાજેતરના આ હત્યાકાંડને લઇને બલુચિસ્તાનમાં રોષ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને પાકિસ્તાની સૈન્ય અને સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા.