અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈનું મોત, ઈરાની મીડિયાએ કરી પુષ્ટિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayatollah Khamenei died : મધ્ય પૂર્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક વળાંક આવ્યો છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલા બાદ હવે ઈરાની મીડિયા 'પ્રેસ ટીવી'એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ આ હુમલામાં માર્યા ગયા છે. ઈરાની સેના IRGC તરફથી પણ ખામેનેઈના નિધનની પુષ્ટિ કરી દેવામાં આવી છે.
ટ્રમ્પની 'ટ્રુથ સોશિયલ' પર મોટી જાહેરાત
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ ઓપરેશનની સફળતાની જાહેરાત કરતા જણાવ્યું કે, "ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંથી એક હવે નથી રહ્યો." ટ્રમ્પે દાવો કર્યો કે ઈઝરાયલ સાથેના અત્યંત સચોટ અને આધુનિક ગુપ્તચર ઓપરેશનને કારણે ખામેનેઈ અને તેમની સાથેના અન્ય નેતાઓ બચી શક્યા નથી. ટ્રમ્પે આને ઈરાની જનતા માટે સ્વતંત્રતાની સૌથી મોટી તક ગણાવી છે.
ઈરાનમાં 40 દિવસનો શોક
ઈરાની ન્યૂઝ ચેનલ 'પ્રેસ ટીવી' (Press TV) એ પુષ્ટિ કરી છે કે સંયુક્ત હવાઈ હુમલામાં સર્વોચ્ચ નેતા ખામેનેઈ અને તેમના પરિવારના કેટલાક સભ્યોના મોત થયા છે. આ જાહેરાત બાદ ઈરાનમાં 40 દિવસના જાહેર શોકની જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યા હતા કે ખામેનેઈનું આખું ઠેકાણું જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે અને તેમનો મૃતદેહ નષ્ટ થયેલા મહેલમાંથી મળી આવ્યો છે.
ઈરાની સેનામાં નાસભાગ અને શરણાગતિનો પ્રસ્તાવ
ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની ક્રાંતિકારી ગાર્ડ્સ (IRGC), સેના અને પોલીસ હવે લડવા માંગતી નથી અને અમેરિકા પાસે માફી (Immunity) માંગી રહી છે. ટ્રમ્પે સૈનિકોને સંદેશ આપતા કહ્યું કે, "અત્યારે શરણાગતિ સ્વીકારશો તો માફી મળી શકે છે, પણ પછી માત્ર મોત જ મળશે." તેમણે આશા વ્યક્ત કરી કે ઈરાની સૈનિકો દેશભક્તો સાથે મળીને દેશને ફરીથી બેઠો કરવામાં મદદ કરશે.
હુમલાઓ ચાલુ રહેશે
પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે વ્યુહાત્મક સ્થળો પર બોમ્બમારો આખું અઠવાડિયું અથવા જરૂર પડે ત્યાં સુધી ચાલુ રહેશે. માત્ર ખામેનેઈનું મોત પૂરતું નથી, પરંતુ ઈરાનની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.









