World

પોર્ટડાર્વિન ચીનને લીઝ ઉપર આપી ઓસ્ટ્રેલિયાના પીએમ હવે પસ્તાઈ રહ્યા છે

By GS TEAM
7 Jul 20252 mins read
પોર્ટડાર્વિન ચીનને લીઝ ઉપર આપી ઓસ્ટ્રેલિયાના પીએમ હવે પસ્તાઈ રહ્યા છે

- મુંઝાયેલા એન્થની આલ્બાનીઝ આગામી સપ્તાહે ચીનની બીજી સત્તાવાર યાત્રાએ જશે : તે પોર્ટ દેશની સલામતીનો મુદ્દો છે

કેનબેરા/બૈજિંગ : ઉત્તર ઓસ્ટ્રેલિયાનું અતિ વ્યૂહાત્મક બંદર પોર્ટ-ડાર્વિન ચીનને ૯૯ વર્ષની લીઝ ઉપર આપ્યા પછી હવે ઓસ્ટ્રેલિયા પસ્તાઈ રહ્યું છે. વડાપ્રધાન એન્થની આલ્બાનીઝ આગામી સપ્તાહે ચીનની બીજી સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ સમક્ષ સૌથી મોટો પડકાર ઉત્તર ઓસ્ટ્રેલિયાનાં ડાર્વિન પોર્ટ અંગે ચીનને સમજાવવાનો છે. કારણ કે તે પોર્ટ દેશની રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન બની રહેવાનો છે. આલ્બાનીઝે તે મુદ્દાને તેઓનો મહત્વનો ચૂંટણી મુદ્દો પણ બનાવ્યો હતો.

તેમની સમક્ષ એક તરફ રાષ્ટ્રીય સલામતીનો પ્રશ્ન છે તો બીજી તરફ તે કરાર રદ કરવા જતાં તેના વ્યાપાર ઉપર પણ અસર થવા સંભવ છે. ચીન તેનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે. ૨૦૨૪માં બંને દેશોનો વ્યાપાર ૩૧૨ બિલિયન 'ઓસ્ટ્રેલિયન ડોલર' હતો. પ્રશ્ન તે છે કે, 'લીઝ' અંગે શી જિનપિંગ, આલ્બાનીઝનાં કહેવા ઉપર ધ્યાન આપશે કે નહીં, અને બંને વચ્ચે વ્યાપારિક તણાવ વધશે કે નહીં ?

આલ્બાનીઝ ૧૫ જુલાઈ આસપાસ બૈજિંગ જશે, ત્યાં તેઓ 'ચાયના-ઈન્ટરનેશનલ-સપ્લાઈ- ચેઇન-એક્સપો'માં ભાગ લેશે. આ એક્સપો ૧૬-૧૭ જુલાઈએ થવાનો છે. આલ્બાનીઝ વ્યાપાર અને નિવેશ વિષે તો ચર્ચા કરશે જ પરંતુ સૌથી મહત્વનો મુદ્દો તો ડાર્વિન પોર્ટનો છે, તે ઘણો સંવેદનશીલ પણ છે.

વાસ્તવમાં ચીનની સરકાર હસ્તકની કંપની 'લેન્ડ-બ્રિજ-ગુ્રપે' ૨૦૧૫માં ૯૯ વર્ષના પટ્ટે પોર્ટ ડાર્વિનના હક્ક મેળવ્યા હતા. આટલા લાંબા સમય સુધી તે પોર્ટ ચીનના હાથમાં રહે તો રાષ્ટ્રીય સંરક્ષણ સામે પડકાર ઊભો થાય તે સહજ છે.

આ કારણથી જ આલ્બાનીઝે તેના ચૂંટણી પ્રચારનો તે મુદ્દો બનાવ્યો હતો અને પોર્ટ પાછું ખરીદવાની વાત કરી હતી. આ બાબતને ચીનના રાજદૂત શિયાઓ કિયાને મુદ્દાને રાજદ્વારી મુદ્દો કહી તે માગણી જ અયોગ્ય ગણાવી હતી.

વાસ્તવમાં પોર્ટ ડાર્વિન રણનીતિની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. અહીંથી સંરક્ષણ, સમુદ્રીય ગતિવિધિઓ અને વ્યાપાર સંચાલિત થઈ શકે છે.

હોંગકોંગ સ્થિત 'સાઉથ-ચાયના મોર્નિંગ-પોસ્ટ'નાં જણાવ્યા પ્રમાણે ન્યૂ સાઉથ વેલ્સના પ્રોફેસર ઝોઉ વેઈહુઆને કહ્યું હતું કે, 'સંરક્ષણનાં નામે પણ લીધેલા નિર્ણયો નક્કર હકીકતો આધારીત હોવા જોઈએ, માત્ર રાજકીય સંદેહો આધારિત નહીં.'

જ્યારે અન્ય રાજનીતિજ્ઞા માઈકલ ફેરરે જણાવ્યું હતું કે, 'આલ્બાનીઝ ઈચ્છે છે કે ચીન તે પોર્ટ માટે ડીસ-ઇન્વેસ્ટમેન્ટ સ્વીકારે છતાં બંને દેશોના આર્થિક સંબંધો પર કોઈ ખાસ અસર ન પડે.'