Get The App

ચીનને પોર્ટ ભાડે આપી પસ્તાઈ રહ્યો છે આ દેશ, હવે પાછું માગવાની તૈયારી, શું જિનપિંગ માનશે?

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
ચીનને પોર્ટ ભાડે આપી પસ્તાઈ રહ્યો છે આ દેશ, હવે પાછું માગવાની તૈયારી, શું જિનપિંગ માનશે? 1 - image


Darwin Port Issue: ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડાર્વિન પોર્ટને લઈને વિવાદ વધુ ઘેરાઈ રહ્યો છે. તણાવપૂર્ણ સબંધો વચ્ચો એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ આગામી અઠવાડિયે પોતાના બીજા સત્તાવાર પ્રવાસ પર ચીન જશે. અલ્બેનીઝ ડાર્વિન પોર્ટ પર ચીનની માલિકીને લઈને તાજેતરમાં વાંધો ઉઠાવતા રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે, ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાતમાં તેઓ પોર્ટ પર ચીનની માલિકીના મુદ્દા પર વાત કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અલ્બેનીઝ ડાર્વિન પોર્ટ પરથી ચીનની માલિકી હટાવવાની વાત કરે તો તેનાથી વાતચીત તણાવપૂર્ણ બની શકે છે. 

પનામા નહેરમાં ચીનની માલિકી વાળા પોર્ટ પર અમેરિકાની કાર્યવાહીને કારણે ચીન ભવિષ્યમાં રોકાણને લઈને પહેલા જ હાઈ એલર્ટ પર છે અને જો અલ્બેનીઝ નિયંત્રણ હટાવવાની વાત કરે તો તણાવ વધી શકે છે.

બીજી તરફ એક સૂત્રએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા ડાર્વિન પોર્ટને લઈને ચીન સાથે તણાવપૂર્ણ સબંધ નથી ઈચ્છતું અને સારા સબંધો જાળવી રાખવા માટે જ  અલ્બેનીઝ 15 જુલાઈ આસપાસ ચીન જઈ રહ્યા છે. 

અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, વડાપ્રધાન અલ્બેનીઝ ચાઈના ઈન્ટરનેશનલ સપ્લાય ચેઈન એક્સ્પોમાં હિસ્સો લેશે. આ એક્સ્પો 2023થી દર વર્ષે ચીનની રાજધાની બેઈજિંગમાં આયોજિત થનારો કાર્યક્રમ છે. આ વર્ષનું આયોજન 16 જુલાઈથી 20 જુલાઈ સુધી ચાલશે.

ચૂંટણી કેમ્પેઈનમાં અલ્બેનીઝે પોર્ટ પાછો લેવાની વાત કહી હતી

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન બીજી વખત ચૂંટાયા તે પહેલા પોતાના ચૂંટણી કેમ્પેઈન દરમિયાન કહ્યું હતું કે, અમારી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર ડાર્વિન પોર્ટને તેના ચીની માલિકો પાસેથી પાછું ખરીદવા માટે કામ કરશે.

તેમના આ નિવેદન બાદ કેનબેરામાં ચીનના રાજદૂત શિયાઓ કિયાને એક નિવેદનમાં અલ્બેનીઝની ટિપ્પણીને 'શંકાસ્પદ' ગણાવતા કહ્યું કે, 'ચીની કંપની લેન્ડબ્રિજ ગ્રુપ જેને 2015માં પોર્ટ 99 વર્ષના લીઝ પર આપવામાં આવ્યો હતો તેને અણધાર્યા ભૂ-રાજકીય ફેરફારો માટે સજા ન આપવી જોઈએ.

ઓસ્ટ્રેલિયાએ ચીનની સરકારી કંપની લેન્ડબ્રિજ ગ્રુપને 2015માં 99 વર્ષના લીઝ પર પોર્ટ આપ્યો હતો. ડાર્વિન પોર્ટ અંગે ચીન-ઓસ્ટ્રેલિયાના આ કરારને લઈને ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી રોકાણ અંગે ચર્ચા ગરમાયી હતી અને ઘણા લોકો ચીનને પોર્ટ લીઝ પર આપવાનો વિરોધ કરવા લાગ્યા. 

ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જ મહત્ત્તવપૂર્ણ છે ડાર્વિન પોર્ટ

આ પોર્ટ ઓસ્ટ્રેલિયા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયાની સૈન્ય અને વેપાર પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ છે. અહીં ઓસ્ટ્રેલિયાના એક મહત્વપૂર્ણ સાથી અમેરિકન મરીન કોર્પ્સ પણ હાજર રહે છે. આવી સ્થિતિમાં ચીનને ડાર્વિન પોર્ટ ભાડે આપવાનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.

મેલબોર્ન સ્થિત કન્સલ્ટન્સી ફર્મ જીઓપોલિટિકલ સ્ટ્રેટેજીના સહ-સ્થાપક અને મુખ્ય વ્યૂહરચનાકાર માઈકલ ફેલરે કહ્યું કે, વડાપ્રધાન અલ્બેનીઝ પોતાના ચીન પ્રવાસ દરમિયાન કમ સે કમ એટલું ચોક્કસ સુનિશ્ચિત કરવા માંગશે કે ચીન-ઓસ્ટ્રેલિયાના દ્વિપક્ષીય અને આર્થિક સંબંધો  ડાર્વિન પોર્ટ પર ચીનના રોકાણથી ઓછામાં ઓછા પ્રભાવિત થાય.

ન્યૂ સાઉથ વેલ્સ યૂનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર ઝોઉ વેઈહુઆને કહ્યું કે, 'રાષ્ટ્રીય સુરક્ષા ચીન-ઓસ્ટ્રેલિયાના દ્વિપક્ષીય સબંધોમાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. પરંતુ તેના માટે ઓસ્ટ્રેલિયાએ પુરાવા આપવા પડશે કે તેની સુરક્ષા ચિંતાઓ વાજબી છે, અમે માત્ર શંકા અથવા રાજકીય દાવાઓના આધારે પોર્ટ પાછો નથી ઈચ્છતા.' ચીન કોઈ ઠોસ પુરાવા વિના પોર્ટ પરથી પોતાનું નિયંત્રણ છોડવા માટે તૈયાર પણ નહીં થશે. 

વિશ્વના 129 પોર્ટમાં ચીને રોકાણ કરી રાખ્યું છે

અમેરિકામાં સ્થિત કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ થિંક ટેન્કના ડેટાબેઝ પરથી જાણી શકાય છે કે, એન્ટાર્કટિકા સિવાય દરેક મહાદ્વીપમાં ઓછામાં ઓછા એક પોર્ટ પર ચીની સંસ્થાઓ અને તેમની હાજરી છે.

ઓસ્ટ્રેલિયા-ચીન બિઝનેસ કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેવિડ ઓલ્સને કહ્યું કે, 'બંને દેશો વચ્ચે સતત મતભેદો હોવા છતાં, અલ્બેનીઝની આગામી પ્રવાસ સંકેત આપે છે કે, બંને દેશો સંબંધો સુધારવાનો ઈરાદો ધરાવે છે. ઓસ્ટ્રેલિયન કંપનીઓ એ ચીની કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરવા માગે છે જે સ્વચ્છ ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મોટા પાયે પ્રોજેક્ટ શરૂ કરવા અને એડવાન્સ મેન્યૂફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં શક્તિ લાવી શકે છે.'

તેમણે કહ્યું કે, RCEP (Regional Comprehensive Economic Partnership trade agreement]) હેઠળ પ્રાદેશિક સપ્લાય ચેઈનને આકાર આપવા માટે સાથે મળીને કામ કરવામાં પણ રુચિ વધી રહી છે, ખાસ કરીને ગ્રીન આયર્ન જેવા ક્ષેત્રોમાં.

ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ઊર્જા કંપનીઓએ હજુ સુધી બેઈજિંગ એક્સ્પોમાં પોતાની હાજરીની જાહેર રૂપે પુષ્ટિ નથી કરી. એક સૂત્રએ જણાવ્યું કે, બ્રિટિશ-ઓસ્ટ્રેલિયન ખાણકામ દિગ્ગજ રિયો ટિન્ટોની ત્યાં આવવાની યોજના છે પરંતુ કંપનીએ તેની સાથે સબંધિત કોઈ સવાલનો જવાબ નથી આપ્યો. 

ઓસ્ટ્રેલિયાના વિદેશ બાબતો અને વેપાર વિભાગના જણાવ્યા 2024માં ચીન ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો દ્વિપક્ષીય વેપાર ભાગીદાર હતો, તેમની વચ્ચે 204.24 અબજ ડોલરનો વેપાર થયો હતો. ઓસ્ટ્રેલિયા દ્વારા નિકાસ કરાયેલા તમામ શિપમેન્ટનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો ચીનમાં ગયો હતો. 

Tags :