World

નાઇજીરિયામાં ખ્રિસ્તીઓ પર હુમલા, ટ્રમ્પે આપી સૈન્ય કાર્યવાહીની ધમકી

By GS TEAM
3 Nov 20251 min read
નાઇજીરિયામાં ખ્રિસ્તીઓ પર હુમલા, ટ્રમ્પે આપી સૈન્ય કાર્યવાહીની ધમકી

ન્યૂયોર્ક,૩ નવેમ્બર,૨૦૨૫,સોમવાર 

બોકો હરામ જેવા ખતરનાક કટ્ટરવાદી આતંકી સંગઠન માટે બદનામ થયેલા આફ્રિકી દેશ નાઇજીરિયામાં ખ્રિસ્તીઓ પર વધતા જતા હુમલાને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાલ આંખ બતાવી છે.ટ્રમ્પે ચેતવણી આપી છે કે મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓની હત્યા થઇ રહી છે ત્યારે અમેરિકા સાંખી લેશે નહી. ટ્રમ્પે ગત શનિવારે સોશિયલ મીડિયામાં એક મેસેજમાં કહયું હતું કે જો નાઇજીરિયા સરકાર હત્યાઓને રોકશે નહી તો અમેરિકા તરફથી નાઇજીરિયાને મળતી તમામ સહાય અટકાવી દેવામાં આવશે. અમેરિકા અત્યાચારોને અંજામ આપનારા ઇસ્લામિક આતંકવાદીઓના સફાયા માટે નાઇજીરિયા પર કાર્યવાહી કરી શકે છે.  

હું મારા યુધ્ધ મંત્રાલયને સંભવિત સૈન્ય કાર્યવાગી માટે તૈયાર રહેવાનો આદેશ આપી રહયો હોવાની ટ્રમ્પે ચીમકી આપી હતી. ટ્રમ્પ ઉપરાંત અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી યુધ્ધ મંત્રાલય સૈન્ય કાર્યવાહીની તૈયારી કરી થઇ રહી હોવાની સ્પષ્ટતા કરી હતી. નાઇજીરિયામાં ઇસાઇ ધર્મના લોકોના અસ્તિત્વને ખતરો હોવાનું અમેરિકા માની રહયું છે. જો કે નાઇજીરિયા સરકારે કોઇ પણ પ્રકારના ધાર્મિક ઉત્પીજનનો વિરોધ કરતી હોવાનું નિવેદન આપ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ખ્રિસ્તી સમુદાયના લોકોના અધિકારોના રક્ષણ માટે કાર્યવાહી કરવા ટ્રમ્પ લીલીઝંડી આપી શકે છે. જો આમ થાય તો આફ્રિકામાં અશાંતિનો વધુ એક પલિતો ચંપાશે.