કેરેબિયન દેશ હૈતીમાં ૫.૯ની તીવ્રતાનો ભૂકંપઃ ૧૨ના મોત, અનેક ઘાયલ
હૈતીના ભૂકંપનું કેન્દ્ર બિંદુ પોર્ટ દ પેક્સ શહેરની ઉત્તર પશ્ચિમે ૧૯ કિલોમીટર દૂર જમીનથી ૧૧.૭ કિલોમીટર નીચે નોંધાયું
હૈતીમાં ૨૦૧૦ના શક્તિશાળી ભૂકંપમાં બે લાખના મોત અને ત્રણ લાખને ઈજા થઈ હતી, જેના કારણે લોકોમાં ગભરાટ
(પીટીઆઈ)
હૈતી, તા.7 ઓક્ટોબર, 2018 રવિવાર
કેરેબિયન ટાપુ પ્રદેશમાં આવેલા
નાનકડા દેશ હૈતીમાં ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ૧૨ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે અનેક ઘાયલ
થયા હતા. આ દુર્ઘટનાનો મૃત્યુઆંક હજુ પણ
ઊંચે જઇ શકે છે. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાનુસાર, આ ભૂકંપનું
કેન્દ્રબિંદુ હૈતીની ઉત્તર પશ્ચિમે ૧૯ કિલોમીટર દૂર આવેલા પોર્ટ દ પેક્સમાં જમીનથી
૧૧.૭ કિલોમીટર નીચે નોંધાયું હતું.
આ શક્તિશાળી ભૂકંપના આંચકા હૈતીના અનેક
વિસ્તારોમાં નોંધાયા હતા,
જેમાં સંખ્યાબંધ ઇમારતોને ભારે નુકસાન થયું હતું. આ દરમિયાન કેટલીક ઇમારતો
ધરાશયી થઇ ગઈ હતી. આ ઇમારતોના કાટમાળ નીચે કેટલાક લોકો હજુયે ફસાયેલા હોવાના
અહેવાલ છે.
હૈતી સરકારના પ્રવક્તા જેક્સન
એલિક્સે જણાવ્યું હતું કે,
રવિવારે સાંજે ૮ઃ૧૦ વાગ્યે આવેલા આ ભૂકંપની સૌથી વધુ અસર હૈતીના નોર્દ ઓસ્ટ
ડિપાર્ટમેન્ટની રાજધાની પોર્ટ દ પેક્સમાં નોંધાઈ છે. કુલ મૃત્યુઆંક ૧૨ નોંધાયો છે, જેમાંથી સાત મૃતક
નોર્દ ક્વેસ્ટના છે. આ ઉપરાંત ભૂકંપના કેન્દ્રબિંદુથી દક્ષિણ પશ્ચિમે ૫૦ કિલોમીટર
દૂર આવેલા ગ્રોસ મોર્નમાં પાંચ વ્યક્તિના મૃત્યુ થયા હતા.
આ ભૂકંપ પછી હૈતીમાં લોકોમાં ભારે
ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી કારણ કે,
૨૦૧૦માં પણ હૈતીમાં એક શક્તિશાળી ભૂંકપ આવ્યો હતો, જેમાં બે લાખ
લોકોના મૃત્યુ થયા હતા અને ત્રણ લાખથી વધુ લોકો ઘાયલ થયા હતા. હૈતીના પ્રમુખ
જોવેનલ મોસે એક ટ્વિટમાં લોકોને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી
કે, હૈતીના
ભૂકંપગ્રસ્ત શહેરોમાં સ્થાનિક તંત્રે ઝડપથી બચાવ કામગીરી શરૃ કરી છે. હૈતીના
વડાપ્રધાન જિન હેનરી સેન્ટે પણ તાત્કાલિક એક બેઠક બોલાવીને ડિઝાસ્ટર રિસ્પોન્સ
ટીમોને વિવિધ વિસ્તારોમાં મોકલાના આદેશ કર્યા હતા.
હાલ નોર્દ ઓસ્ટ ડિપાર્ટમેન્ટમાં અનેક
વિસ્તારોમાં ખુલ્લામાં હોસ્પિટલો ઊભી કરીને ઇજાગ્રસ્તોની સારવાર શરૃ કરાઈ છે.
નોર્દ ઓસ્ટ હૈતીના સૌથી ગરીબ વિસ્તારો પૈકીનો એક છે. ત્યાં સુધી પહોંચવાના
રસ્તાઓનો પણ હજુ સુધી વિકાસ થયો નથી. ૨૦૧૦માં આવેલા ભૂકંપમાં ત્યાં દોઢ લાખ લોકો
ઘરવિહોણા થઇ ગયા હતા.