Get The App

નાસામાં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
નાસામાં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત 1 - image

- ત્રણ સ્પેસ સ્ટેશન મિશનમાં 608 દિવસ અવકાશમાં વીતાવવાનો વિક્રમ

- અવકાશમાંથી જ્યારે તમે પૃથ્વીને જુઓ ત્યારે દલીલો કરતાં માણસો હાસ્યાસ્પદ લાગે છેઃ સુનિતા વિલિયમ્સ 

કેપ કેનેવરલ : ૬૦ વર્ષના સુનિતા વિલિયમ્સ નાસામાં ૨૭ વર્ષની જ્વલંત કારકિર્દી બાદ ૨૭ ડિસેમ્બર ૨૦૨૫થી અમલમાં આવે એ રીતે નિવૃત્ત થયા હોવાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન-એનએએસએ-નાસા-એ મંગળવારે કરી હતી. હાલ ભારતનો પ્રવાસ કરી રહેલાં સુનિતા વિલિયમ્સને નાસાના નવા વહીવટદાર જેર્ડ ઇસાકમેને નિવૃત્ત જીવન માટે મુબારકબાદી આપી હતી. નવી દિલ્હીમાં અમેરિકન સેન્ટરમાં એક ઇન્ટર એક્ટિવ કાર્યક્રમ આઇઝ ઓન ધ સ્ટાર્સ,ફીટ ઓન ધ ગ્રાઉન્ડમાં ભાગ લેતાં સુનિતા વિલિયમ્સની ઓળખ નિવૃત્ત નાસા અવકાશયાત્રી અને નિવૃત્ત યુએસ નેવી કેપ્ટન તરીકે આપવામાં આવી હતી.

દિલ્હીમાં અમેરિકન સેન્ટરમાં યોજાયેલાં કાર્યક્રમમાં સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે સ્પેસ ટ્રાવેલ એ ટીમ સ્પોર્ટનું ઉત્તમ ઉદાહરણ છે. આપણો એક ગ્રહ પૃથ્વી અને આપણે તેના નિવાસીઓ છીએ. તેથી બધાં દેશોએ સાથે મળી કામ કરવું જરૂરી છે. સ્પેસ ટ્રાવેલ કરવાથી મારો જીવન પ્રત્યે જોવાનો અભિગમ બદલાઇ ગયો છે. જ્યારે તમે સ્પેસમાંથી એક ગ્રહ પૃથ્વી પર નજર કરો ત્યારે તમને વિવિધ મુદ્દાઓ પર દલીલો કરતાં માણસો હાસ્યાસ્પદ લાગવા માંડે છે. 

બોઇંગના સ્ટાર લાઇનર  અવકાશયાનમાં  શરૂઆતમાં આઠ દિવસની ટેસ્ટ ફલાઇટ કેવી રીતે નવ મહિના લાંબી યાત્રા બની રહી તેના અનુભવો વર્ણવતાં સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે સ્પેસ ટ્રાવેલ તો ટીમ સ્પોર્ટનું ઉત્તમ ઉદાહરણ છે. સુનિતાએ જણાવ્યું હતું કે જ્યારે તમે સ્પેસમાં જાવ ત્યારે તમે પોતાના હોમને શોધતાં હો છો. મારા પિતા ભારતમાંથી અને મારી માતા સ્લોવેનિયામાંથી આવી હોઇ હું આ સ્થળોને હોમ ગણું છું. સુનિતાએ જણાવ્યું હતું કે હોમની આ શોધ આખરે તો પૃથ્વીની એકતામાં પરિણમે છે. આપણો ગ્રહ જીવંત છે. કેટલાંક લોકો એમ માને છે કે પૃથ્વી પર તો માત્ર ખડકો જ છે. પણ પૃથ્વી ફરે છે. હું તેના પર બદલાતી મોસમો, લીલને કારણે મહાસાગરના બદલાતાં રંગો અને ઉત્તરમાં બરફને જામતો જોઇ શકતી હતી. આ સુંદર પૃથ્વીને સ્પેસમાંથી જોવાથી જીવન પ્રત્યેે જોવાની તમારી દૃષ્ટિ બદલાઇ જાય છે. તમને એવું લાગે છે કે આપણે બધાં એક છીએ અને આપણે સાથે મળી  કામ કરવું જોઇએ. અને તમને એવું લાગે છે કે કોઇએ શા માટે કોઇ બાબતે દલીલો કરવી જોઇએ. હું પણ પરણેલી છું અને મારા પતિ સાથે દલીલો કરૂ છું. આમ, મને દલીલો કરવી એટલે શું તે મને સમજાય છે પણ અવકાશમાંથી પૃથ્વી પર નજર કરો તો આ દલીલો હાસ્યાસ્પદ લાગે છે. 

જ્યારે શ્રોતાઓમાંથી એક જણે પૂછયું કે તમને શાનો ડર લાગે છે ત્યારે સુનિતાએ જણાવ્યુંહતું  કે હજી મને ઘણી બાબતોનો ડર લાગે છે. દાખલા તરીકે હું જ્યાં રહું છું ત્યાં રીંછ આવે છે. મને તેમને જગાડતાં ડર લાગે છે. આમ, તમારે બ્રહ્માંડમાં અને પૃથ્વી પર તમારું સ્થાન સમજી તમારી આજુબાજુના પ્રાણીઓ ભણી આદરભર્યું વર્તન કરવું જોઇએ. 

નિવૃત્ત યુએસ નેવી કેપ્ટન તરીકે સુનિતા વિલિયમ્સે હેલિકોપ્ટર અને વિમાનચાલક તરીકે ૪૦ વિવિધ પ્રકારના વિમાનોમાં ૪૦૦૦ ફલાઇટ અવર્સનો અનુભવ મેળવેલો છે. સુનિતાએ નવ સ્પેસ વોક ૬૨ કલાક અને છ મિનિટમાં પુરી કરી એક મહિલા દ્વારા સૌથી લાંબી સ્પેસવોક કરવાનો રેકોર્ડ કર્યો છે.