World

અસીમ મુનીર ભારત સાથે યુદ્ધ કરવા માગે છે ઇમરાનનાં બહેન અલીના ખાને કરેલો જબ્બર ધડાકો

By GS TEAM
3 Dec 20252 mins read
અસીમ મુનીર ભારત સાથે યુદ્ધ કરવા માગે છે ઇમરાનનાં બહેન અલીના ખાને કરેલો જબ્બર ધડાકો

- ઇમરાન ખાનને મળ્યા પછી તેઓએ કહ્યું : ઇમરાન ભારત સાથે અને ભાજપ સાથે પણ સંબંધો સુધારવા માગે છે મુનીર તેથી ઉતરતો મત ધરાવે છે

રાવલપિંડી : પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનાં બેહન અલીના ખાને ઇમરાનને મળ્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં જબ્બર ધડાકો કરતાં કહ્યું હતું કે હકીકતમાં પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર ભારત સાથે યુદ્ધ કરવાના મતના હતા જ્યારે મારો ભાઈ ઇમરાન ખાન ભારત સાથે સંબંધો સુધારવા માગતો તેમજ ભારતના સત્તાધારી પક્ષ ભાજપ સાથે પણ સંબંધો સુધારી ભારતની ટેકનોલોજીનો પણ લાભ લેવા માગતો હતો. તેમ જ વ્યાપાર વાણિજ્ય પણ વધારી પાકિસ્તાનના ઉદ્યોગોને પણ બળવત્તર કરવા માગતો હતો. અત્યારે પણ તે આવો જ મત ધરાવે છે.

આ તબક્કે પત્રકારોએ તેઓને પૂછ્યું કે આપ આ મંતવ્ય ઉપર કઇ રીતે આવ્યાં છો ? ત્યારે અલીના ખાને જણાવ્યું હતું કે અસીમ મુનીર એક કટ્ટરવાદી ઇસ્લામિસ્ટ છે. તેના વિચારો જ તેને ભારત સાથે યુદ્ધ કરવા પ્રેરી રહ્યા છે. વાસ્તવમાં તેઓ ઇસ્લામને અનુસરતા ન હોય તે (કાફરો) બધા સામે યુદ્ધ કરવાના મતના છે. તેથી જ તેઓ ઇમરાનની સામે પડી ગયા છે પરંતુ આવા કટ્ટરવાદી વિચારો આ યુગમાં ટકી શકે જ નહીં, તેથી ખુદ પાકિસ્તાનને જ ન સુધારી શકાય તેટલું મોટું નુકશાન થશે.

ટૂંકમાં ઇમરાન ખાનનું આ મંતવ્યનું પાકિસ્તાન માટે નુકસાનકારક બની રહ્યું છે તેવું મંતવ્ય ધરાવતા પાકિસ્તાનના સત્તાવાળાઓએ એક યા બીજું બહાનું મહદઅંશે ઉભું કરેલું બહાનુ શોધી ઇમરાનખાનને જેલ હવાલે કરી દીધા છે અને ગમે તેટલી મુસીબતો વચ્ચે પણ આ પૂર્વ ક્રિકેટર હજી સુધી તો નોટઆઉટ રહ્યા છે તે નિર્વિવાદ છે.