- 'પાકિસ્તાનને ભેટવા પાછળ અને ભારત ઉપર 50 ટકા જેટલો ભારે ટેરિફ નાખવા પાછળ કોઈ વ્યૂહાત્મક કારણ જ નથી' : માઇકલ રૂબિન
વૉશિંગ્ટન : પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઇકલ રૂબિને અમેરિકાની પાકિસ્તાન નીતિની રીતસર ઝાટકણ જ કાઢી હતી અને કહ્યું હતું કે, 'પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સરર ઑફ ટેરરિઝમ' (ત્રાસવાદને પ્રસરાવનાર રાજ્ય) તરીકે જાહેર કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરને આપવામાં આવેલા 'રેડ કાર્પેટ વેલકમ'ની પણ ઉગ્ર ટીકા કરી હતી, તેને આવો ભવ્ય આવકાર આપવાને બદલે તેમની ધરપકડ જ કરવી જોઈતી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઇને આપેલી મુલાકાતમાં તેઓએ કહ્યું કે, 'ભારત ઉપર ૫૦ ટકા જેટલો ટેરીફ નાખવો તે યોગ્ય જ નથી. ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે માટે જ ભારત ઉપર લાદવામાં આવેલો આટલો ટેરિફ ઘટાડવો જ જોઈએ અને પૂર્વે નાખેલ ભારે ટેરિફ માટે ટ્રમ્પે માફી માગવી જોઈએ. જો કે, ટ્રમ્પ કદી માફી માગવા તૈયાર નહીં થાય.'
માઇકલ રૂબિને કહ્યું હતું કે, 'સૌથી સારો માર્ગ તો તે છે કે આપણે કોઈ વિવાદનો ઉકેલ રાજદ્વારી રીતે જ લાવવો જોઈએ જે ઘણીવાર પર્દા પાછળ પણ ચલાવાતી હોય છે. તો કોઈ તબક્કે બોલીને ક્ષમા માગવી પણ પડે (ભલે લેખિત ન હોય). પ્રમુખ ટ્રમ્પને તે પસંદ નથી પરંતુ વિશ્વની લોકશાહી એક વ્યક્તિના અહંકાર કરતા વધુ મહત્ત્વની છે પછી તે વ્યક્તિ ગમે તેટલી ઊંચે હોય પરંતુ તેણે માફી માગવી જ જોઈએ.'
આ મુલાકાતમાં જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે, પ્રમુખ પુતિને તેમ કહ્યું છેે કે, તેઓ ભારતને વધુ તેલ આપવા તૈયાર છે તે વિષે તમારે શું કહેવાનું છે ? તો તેના જવાબમાં તેમણે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે તો તેઓને ચૂંટી કાઢવામાં આવ્યા છે. જ્યારે અમેરિકા તો દંભી છે તે પોતે જ રશિયા પાસેથી ઘણી ચીજો ખરીદે છે જ્યારે ભારતને ના કહે છે આ ચાલી કેમ શકે ?'


