આજીવન યુનિફોર્મમાં, ધરપકડથી મુક્તિ.. પાકિસ્તાને આસિમ મુનીરને દેશના પ્રથમ CDF બનાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asim Munir: પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારીએ ગુરૂવારે ફીલ્ડ માર્શલ આસિમ મુનીરને દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ ફોર્સેઝ (CDF) નિયુક્ત કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. તેમને આ પદ પાંચ વર્ષના કાર્યકાળ માટે આપવામાં આવ્યું છે. આ મંજૂરી વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા મોકલવામાં આવેલી ભલામણ પર આપી હતી, જેમાં પાક. પ્રમુખને આર્મી ચીફ અને સીડીએફ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ H-1B અને H-4 વિઝા માટે નિયમ વધુ આકરા બનાવાયા, સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ થશે
નવા બંધારણીય સુધારા હેઠળ બનાવવામાં આવ્યું નવું પદ
ગત મહિને, પાકિસ્તાનની સંસદે 27મો બંધારણીય સુધારો પસાર કર્યો હતો, જેનાથી CDF પદની રચના થઈ હતી. આ પદનો હેતુ દેશના સંરક્ષણ માળખામાં કમાન્ડની એકતા સુનિશ્ચિત કરવાનો અને ગંભીર પરિસ્થિતિઓમાં ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત બનાવવાનો છે. CDFનું પદ હવે જોઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ કમિટી (CJCSC)ના અધ્યક્ષ પદનું સ્થાન લેશે, જે હવે નાબૂદ કરવામાં આવ્યું છે.
પાક. પ્રમુખે શુભકામના પાઠવી
પ્રમુખ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ઝરદારીએ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને તેમની નવી નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રમુખ ઝરદારીએ એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુને 19 માર્ચ, 2026 ના રોજ તેમનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ થયા પછી બે વર્ષનો કાર્યકાળના વિસ્તારની મંજૂરી આપી છે.
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં પરિવારના હત્યારાને 13 વર્ષના કિશોરે જાહેરમાં મોતની સજા આપી બદલો લીધો!
મુનીરનો કાર્યકાળ અને નિયુક્તિ પ્રક્રિયા
વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદન અનુસાર, વડાપ્રધાને અગાઉ આસિમ મુનીરને આર્મી સ્ટાફ અને સીડીએફ બંને ચીફ તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જે બાદમાં પ્રમુખને મોકલવામાં આવ્યો હતો. આસિમ મુનીરને નવેમ્બર, 2022માં સીઓએએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે સમયે તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હતો. જોકે, 2024માં આ કાર્યકાળ પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવ્યો હતો.
સરકારી સૂચના જાહેર કરવાથી નવા સીડીએફની નિમણૂકમાં વિલંબ થયો હોવાની અટકળો પર વિરામ લાગી ગયો. આ નિમણૂક 27 નવેમ્બરથી પેન્ડિંગ હતી, જ્યારે અગાઉના CJCSC, જનરલ સાહિર શમશાદ મિર્ઝા નિવૃત્ત થયા હતા.
ઐતિહાસિક પ્રમોશન અને વિવાદ
મુનીરને થોડા મહિના પહેલા ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી, પાકિસ્તાનના ઈતિહાસમાં આટલી મોટી બઢતી બીજી વખત મળી છે. અગાઉ, આ હોદ્દો જનરલ અયુબ ખાન પાસે હતો, જેમણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પાકિસ્તાને પોતાનું અપમાન છુપાવવા માટે અયુબ ખાનનું સન્માન કર્યું હતું. ગત મહિને સંસદ દ્વારા પસાર કરાયેલા નવા કાયદા અનુસાર, મુનીર આજીવન યુનિફોર્મમાં રહેશે અને ધરપકડથી સંપૂર્ણ મુક્તિ મેળવશે. આ જોગવાઈની વિપક્ષ, ખાસ કરીને જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પક્ષ તરફથી આકરી ટીકા થઈ છે. તેમની દલીલ છે કે આટલી વ્યાપક સત્તાઓ અને રક્ષણ આપવાથી લોકશાહી માળખાને નુકસાન થાય છે.








