- પાકિસ્તાન સરકાર આર્થિક તંગી અનુભવી રહ્યું છે તેવામાં બે વર્ષમાં 5 હજાર તબીબો, 11 હજાર ઈજનેરો અને 13 હજાર સી.એ.એ દેશ છોડી દીધો છે
નવીદિલ્હી : પાકિસ્તાન અસામાન્ય આર્થિક ભીંસ ભોગવી રહ્યું છે. નોકરી-ધંધા તૂટતા જાય છે. બીજી તરફ નવા ઉદ્યોગો આવવાની કોઈ સંભાવના દેખાતી નથી. દેશનું સમગ્ર અર્થતંત્ર લગભગ વિદેશો સાઉદી અરબ અને ચીન તથા આઈએમએફની લોન ઉપર તો ટકી રહ્યું છે. ભાવો આસમાને જતા જાય છે. આ પરિસ્થિતિ છેલ્લાં બે વર્ષથી ચાલે છે. પરિણામે છેલ્લાં બે વર્ષમાં હજ્જારો ડૉક્ટરો, એન્જિનીયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સ દેશ છોડી રહ્યાં છે. આથી ફરી તેની આર્થિક હાલત નબળી થવા સંભવ છે. કારણ કે તેઓ તો સોસાયટીનાં બેકબોન છે.
પાકિસ્તાનની બ્યુરો ઓફ એમીગ્રેશન એન્ડ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટના રિપોર્ટ પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં પાકિસ્તાનમાંથી ૫ હજાર તબીબો, ૧૧ હજાર ઇજનેરો અને ૧૩ હજાર એકાઉન્ટન્ટસ દેશ છોડી જતા રહ્યાં છે.
પહેલી જ દ્રષ્ટિએ આ આંકડા ડરાવનારા લાગે છે. તેવામાં સેના પ્રમુખ અસીમ મુનીરે તેને બ્રેઈન ડ્રેઈન નહીં પરંતુ બ્રેઈન ગેઈન તરીકે જણાવતું. આ કઈ રીતે કહી શકાય ? તેવા પ્રશ્નનો તેઓ જવાબ આપી શકતા નથી.
આ પરિસ્થિતિમાં પાકિસ્તાનના પૂર્વ સેનેટર મુસ્તફા નવાઝ શેવરે શહબાઝ સરકાર ઉપર જ સીધું નિશાન તાક્યું છે. તેમણે આ આંકડા સોશ્યલ મિડીયા ઉપર શેર કરતાં લખ્યું કે, ''રાજનીતિ સુધારશો તો જ ઈકોનોમી સુધરશે'' આ સાથે તેઓએ વધુમાં કહ્યું કે પાકિસ્તાન દુનિયાનું ચોથું સૌથી મોટું ફ્રી-લાસિંગ હબ છે. પરંતુ ઇન્ટરનેટ બંધ થવાને લીધે તેને ૧.૬૨ અબજ ડોલરનું નુકસાન વેઠવું પડયું છે. સાથે ૨૩.૭ લાખ લોકોની નોકરીઓ ઉપર ખતરો ઝળુંબી રહ્યો છે.
રિપોર્ટ પ્રમાણે ૨૦૨૪માં ૭ લાખ ૨૭ હજાર ૩૮૧ પાકિસ્તાનીઓએ વિદેશમાં જોબ માટે અરજી કરી. ૨૦૨૫ના નવેમ્બર સુધીમાં ૬ લાખ ૮ હજાર ૨૦૬ લોકો જોબ માટે રજીસ્ટર થયા છે.
પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા ડૉક્ટરો, ઇજનેરો, સી.એ. દેશ છોડી રહ્યાં છે તે છે ૨૦૧૧થી ૨૦૨૪ વચ્ચે આ પ્રવાહ શરૂ થયો જે હજી પણ ચાલે છે.


