World

તેલના ભાવ સતત વધતા જાય છે, તેવામાં ઈરાને દુબઈ પાસે વિશાળ તેલ-ટેન્કરને નિશાન બનાવ્યું

By GS TEAM
31 Mar 20262 mins read
તેલના ભાવ સતત વધતા જાય છે, તેવામાં ઈરાને દુબઈ પાસે વિશાળ તેલ-ટેન્કરને નિશાન બનાવ્યું

- બ્રેન્ટ-ક્રૂડની કિંમત બેરલ દીઠ 116.50 ડોલર પહોંચી છે

- ઈરાન-ઈઝરાયેલ યુધ્ધને લીધે તેલની કિંમતમાં ઊછાળો આવ્યો છે, તે પૈકી સૌથી ખરાબ અસર તો અખાતી દેશો પર થઈ રહી છે

નવી દિલ્હી : હોર્મુઝ સ્ટ્રેઇટસ ટ્રમ્પ માટે ગળામાં હડ્ડી બની રહે છે. નથી ગળી શકાતી કે નથી ઓકી શકાતી. આ અમેરિકા-ઈઝરાયલ વિરૂધ્ધ ઇરાનનાં યુધ્ધને લીધે કેટલાએ તેલ વાહક જહાજો હોર્મુઝ સ્ટ્રેઇટસમાં ફસાઈ રહ્યાં છે. તેવામાં પ્રમુખ ટ્રમ્પે ખાર્ગ ટાપુ પર કબજો જમાવી દેવાની ધમકી આપી છે. દુનિયા તે સમજી શકતી નથી કે ટ્રમ્પ કરવા શું માંગે છે ?

આ યુદ્ધ ૧ મહિના ઉપર પહોંચી ગયું છે. હજી સુધીમાં ટ્રમ્પે કોણ જાણે કેટલીએ ધમકીઓ આપી દીધી છે. ઈરાને તેને ગણકાર્યા સિવાય જ અમેરિકાના મિત્ર અને સાથી તેવા અખાતી દેશો ઉપર ડ્રોન અને મિસાઇલ્સથી હુમલા ચાલુ રાખ્યા છે. સોમવારે સાંજે દુબઈનાં બંદરગાહ પર લાંગરી રહેલા તેલ ભરેલા ટેન્કર ઉપર મિસાઇલ વહેતું મુકતા તેમાંથી બહાર પડી રહેલા તેલમાં પણ આગ લાગી છે.

હુમલાથી આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં અચાનક ઉછાળો આવ્યો છે. તેનું કારણ તે છે કે, હવે દુનિયાના દેશોને ખાતરી થઈ ગઈ છે કે, આ યુદ્ધનો નજીકમાં અંત આવવાની આશા રાખવી જ વ્યર્થ છે. તેથી ૩૧ માર્ચ ૨૦૨૬ના દિવસે (આજે) બેરલ દીઠ બ્રેન્ટ ક્રૂડની કિંમત ૧૧૬.૫૦ ડોલર પહોંચી ગઈ છે. ૨૦૨૨ પછી નોંધાયેલો આ સૌથી ઊંચો દર છે. જોકે, આ હુમલાથી ટેન્કરના બ્રીજ ને કોઈ નુકસાન નથી થયું. તેના ચાલક દળના તમામ ચોવીસે ચોવીસ સભ્યો સલામત છે. તેઓને ટેન્કરમાંથી ઉતારી 'બે' (ધક્કા) ઉપર લઈ જવાયા છે.