આર્મી ડે - ટ્રમ્પના જન્મદિન નિમિત્તે સૈન્ય પરેડ, રૂ.350 કરોડનો ધૂમાડો
કોસ્ટ કટિંગની વાતો વચ્ચે ખર્ચાળ પરેડની મજાક ઊડી
ટ્રમ્પની પરેડમાં 6,000થી વધુ જવાનો, 150થી વધુ બખ્તરબંધ ગાડીઓ, 50 ફાઈટર જેટ જોડાયા
અમેરિકાની સેનાના ૨૫૦મા સ્થાપના દિન નિમિત્તે યોજાયેલી ૧૪ જૂને યોજાયેલી પરેડમાં ૬,૦૦૦થી વધુ સૈનિકો, ૧૫૦થી વધુ બખ્તરબંધ ગાડીઓ અને ૫૦થી વધુ ફાઈટર જેટ જોડાયા હતા. ટ્રમ્પે પરેડમાં નાનું ભાષણ પણ કર્યું હતું. વોશિંગ્ટન ડીસીમાં નેશનલ મોલ પર થયેલી ભવ્ય પરેડમાં સેનાની ટુકડીઓ, ભારે હથિયાર અને ફાઈટર જેટ્સના ફ્લાયઓવર સામેલ હતા. વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતા આર્મીની વિવિધ ટૂકડીઓની ફ્લાયઓવર મર્યાદિત કરી દેવાઈ હતી અને કાર્યક્રમ થોડોક મોડા શરૂ થયો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડી મેલાનિયા સાથે પરેડના સ્ટેજ પર પહોંચ્યા હતા. આ પરેડમાં અમેરિકન સેનાની તાકાત, સાહસ અને સમર્પણ દર્શાવાયા હતા. ટ્રમ્પે પરેડ પછી નાનું અને ઉત્સાહપૂર્વકનું ભાષણ પણ આપ્યું હતું.
ટ્રમ્પના વિરોધીઓનો આક્ષેપ છે કે ટ્રમ્પ સરકાર સેના દિવસના માનમાં ભવ્ય પરેડના આયોજનનો દાવો કરી રહી છે, પરંતુ હકીકતમાં ૧૪ જૂને ટ્રમ્પનો જન્મદિન હોવાથી આ પરેડનું આયોજન કરાયું છે. આ ભવ્ય પરેડ પાછળ ટ્રમ્પ સરકારે અંદેજ રૂ. ૩૫૦ કરોડનો ધૂમાડો કર્યો હોવાનું મનાય છે. અમેરિકામાં સેના પરેડ જેવી કોઈ પરંપરા નથી. અમેરિકામાં ૩૪ વર્ષ પછી આવી સૈન્ય પરેડ યોજાઈ રહી છે. વધુમાં અમેરિકન સૈન્ય પરેડની સોશિયલ મીડિયા પર ભારે મજાક ઉડી હતી. અમેરિકન સૈનિકોની પરેડના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા. સામાન્ય રીતે સૈન્ય પરેડ યોજાય તો શિસ્ત, એક સમાન ચાલ અને સચોટ તાલમેલની આશા રાખવામાં આવે છે, પરંતુ અમેરિકન સૈનિકોની પરેડમાં આ બાબતોનો અભાવ જોવા મળ્યો. જેથી કોઈ યુઝરે લખ્યું કે અમેરિકન સૈનિકોને પગાર નથી મળ્યો. તો કોઈએ લખ્યું, માર્ચ કરી રહેલા સૈનિકો જાણે સવારના દૂધ લેવા જતા હોય તેમ જણાય છે.