પીઓકેમાં જનઆંદોલન પરાકાષ્ટાએ સૈન્ય વડા મુનીરને 'અસીમ' સત્તા અપાશે

બંગાળ-નેપાળની જેમ પીઓકેમાં યુવાનો સરકાર સામે મેદાનમાં
બંધારણીય સુધારાથી પાકિસ્તાનમાં અસિમ મુનીર અને સૈન્યની સત્તા વધી જશે, લોકતાંત્રિક સંતુલન પર ગંભીર અસર થશે
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પીઓકેમાં હિંસક અશાંતિ પછી ફરી એક વખત વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. આ વખતે શિક્ષણમાં સુધારા અંગે જનરેશન ઝેડ (જેન-ઝી)એ આ દેખાવોનું નેતૃત્વ કર્યું છે. વિદ્યાર્થીઓનું આંદોલન એટલું પ્રભાવશાળી છે કે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરના નિર્દેશો પર પીઓકેમાં વ્યાપક સ્તર પર સૈન્ય અને અર્ધસૈનિક દળોની અનેક ટૂકડીઓ તૈનાત કરાઈ છે.
પીઓકેના વિદ્યાર્થીઓએ સતત વધતી ફી અને ખોટી મૂલ્યાંકન પ્રક્રિયા વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો શરૂ કર્યા હતા. આ આંદોલન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. પરંતુ એક અજ્ઞાાત બંદૂકધારીએ વિદ્યાર્થીઓના એક જૂથ પર ગોળીબાર કરતા અને એક વિદ્યાર્થી ઘાયલ થતા વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા અને શાંતિપૂર્ણ આંદોલન હિંસક બની ગયું હતું, જેને પગલે પીઓકેમાં ભારે અરાજક્તા ફેલાઈ ગઈ છે.
શિક્ષણમાં સુધારા અને ખોટી મૂલ્યાંકન પ્રક્રિયાના વિરોધમાં શરૂ થયેલા દેખાવો હવે શાહબાઝ સરકાર વિરુદ્ધ આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું છે. યુવાનોના આંદોલનને સ્થાનિક લોકોનું પણ સમર્થન મળ્યું છે. તેમનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર ઈરાદાપૂર્વક પીઓકેના લોકોના અધિકારો આંચકી રહી છે.
વિદ્યાર્થીઓ દ્વારા ચલાવાઈ રહેલા શાંતપૂર્ણ દેખાવો પર એક અજ્ઞાાત બંદૂકધારીએ ગાળીબાર કરતા એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ગોળીબારના વિરોધમાં વિદ્યાર્થીઓએ તોડફોડ શરૂ કરી દીધી હતી. તેમણે ટાયરો સળગાવ્યા, આગજની અને તોડફોડ કરી તથા પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. વિદ્યાર્થીઓના આંદોલનના પગલે પાકિસ્તાની સરકારે યુનિવર્સિટીઓમાં રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પીઓકેમાં વિદ્યાર્થીઓના હિંસક આંદોલન વચ્ચે પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર ફિલ્ડ માર્શલ અસિમ મુનીરને અમર્યાદિત સત્તા સોંપવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ શુક્રવારે સંસદમાં ૨૭મો બંધારણીય સુધારો રજૂ કરશે. આ સુધારાના માધ્યમથી ફિલ્ડ માર્શલ અસિમ મુનીરની તાકાત વધી જશે. આ પગલાંથી પાકિસ્તાની સૈન્યને અપાર સત્તા મળતા સેના જ શક્તિશાળી શાસક બની જશે અને ચૂંટાયેલી સરકાર હાંસિયામાં ધકેલાઈ જશે.
બિલાવલ ભુટ્ટો ઝરદારીની એક ટ્વીટે આ બંધારણીય ફેરફારની અટકળોને વેગ આપ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના પ્રમુખ બિલાવલે કહ્યું કે, સરકારે ૨૭મા બંધારણીય સુધારાના સમર્થન માટે તેમનો સંપર્ક કર્યો છે. આ સુધારા હેઠળ સૈન્ય પ્રમુખની નિમણૂક અને સશસ્ત્ર દળોની કમાન સંબંધિત નિયંત્રણ ફિલ્ડ માર્શલ અસિમ મુનીરના હાથમાં આવી જશે. આ સુધારા મારફત ફિલ્ડ માર્શલ અથવા કમાન્ડર-ઈન-ચીફને આર્મી, નેવી, એરફોર્સ તથા આઈએસઆઈના પ્રમુખોની નિમણૂકના અધિકાર મળી જશે. ફિલ્ડ માર્શલને કાયદાકીય અથવા રાજકીય પડકારોથી છૂટ મળી જશે.

