ઉત્તર ધુ્રવ પ્રદેશનો શિયાળો ગરમ થઇ રહ્યો છે : બરફ ઘટયો, ખુલ્લી જમીન, ફૂલો, વરસાદના પુરાવા મળ્યા

- બ્રિટનની ક્વિન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના વિજ્ઞાનીઓનું સંશોધન
- ૨૦૨૫ના ફેબુ્રઆરીમાં સ્વાલબાર્ડ ટાપુ અને તેની નજીકના વિસ્તારનું સરેરાશ તાપમાન માઇનસ ૪૦ ડિગ્રી બદલે માઇનસ ૩.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
લંડન-મુંબઈ: પૃથ્વીના ઉત્તર ધુ્રવના અને દક્ષિણ ધુ્રવના પ્રદેશમાં ભારે ચિંતાજનક કહી શકાય તેવા ફેરફાર થઇ રહ્યા છે. વિશ્વના નિષ્ણાત હવામાનશાસ્ત્રીઓને અને પર્યાવરણશાસ્ત્રીઓને પૃથ્વીના ઉત્તર ધુ્રવના પ્રદેશ(જેને આર્કટિક રિજન કહેવાય છે)માં બરફના વિશાળ જથ્થાને બદલે ખુલ્લી -સપાટ જમીન, વિવિધ પ્રકારનાં ફૂલ, બરફનાં પીગળી રહેલાં સરોવર જોવા મળ્યાં છે.
ઉપરાંત, આ જ પ્રદેશમાં વરસાદ પણ વરસતો હોવાના અને સરેરાશ તાપમાનમાં પણ વધારો થયો હોવાના પુરાવા મળ્યા છે. આ સંશોધન બ્રિટનની ક્વિન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના વિજ્ઞાનીઓએ કર્યું છે. આ સંશોધનપત્ર આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રસિદ્ધ થયું છે.
ક્વિન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના એનવાર્યર્ન સાયન્સ વિભાગના રીડર ડો. જેમ્સ બ્રેડલી અને તેમની ટીમે એવી માહિતી આપી છે કે અમે ૨૦૨૫ના ફેબુ્રઆરીના અતિ ઠંડાગાર શિયાળામાં આર્કટિક ઓશનના સ્વાલબાર્ડ ટાપુ સ્વલબાર્ડ ટાપુ ઉત્તર ધુ્રવના મહાસાગરમાંનો એક ટાપુ છે, જે નોર્વે નજીક છે) અને તેની નજીકના પ્રદેશની મુલાકાત લીધી હતી. અમારો હેતુ શિયાળામાં ઉત્તર ધુ્રવના મહાસાગરના આ ટાપુ અને તેની નજીકના વિસ્તારમાં બરફનું પ્રમાણ કેટલું રહે છે તેનું સચોટ સંશોધન કરવાનો છે.
અમારા ગહન સંશોધન અને અભ્યાસ દરમિયાન સ્વાલબાર્ડ ટાપુ અને તેની નજીકના વિસ્તારમાં ખુલ્લી -સપાટ જમીન, વિવિધ પ્રકારનાં ફૂલ, બરફનાં પીગળી ગયલાં સરોવર જોવા મળ્યાં છે.ઉપરાંત, આ જ વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો હોવાનું અને સરેરાશ તાપમાનમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.
ખરેખર તો શિયાળામાં આર્કટિક પ્રદેશમાં બરફનું પ્રમાણ ભરપૂર વધવું જોઇએ. બરફના જાડા--ઉંડા થર વધવા જોઇએ. વાતાવરણ અત્યંત ટાઢુંબોળ હોવું જોઇએ. સરેરાશ તાપમાન માઇનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ હોવું જોઇએ. જોકે ૨૦૨૫ના ફેબુ્રઆરીમાં આર્કટિક મહાસાગરના સ્વાલબાર્ડ ટાપુ અને તેની નજીકના વિસ્તારનું સરેરાશ તાપમાન માઇનસ ૩.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
સંશોધનપત્રમાં તો એવી ચિંતાજનક વિગતો પણ છે કે શિયાળામાં સ્વાલબાર્ડ અને તેની નજીકના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.વળી, આ પ્રમાણ ગ્લોબલ વોર્મિંગની સરખામણીએ છ -- સાત ગણું વધુ છે. આમ પૃથ્વીના વિરાટ ગોળાના સૌથી ઉપરના બિંદુ એટલે કે ઉત્તર ધુ્રવના પ્રદેશમાં અને તેના આર્કટિક ઓશનના સ્વાલબાર્ડ ટાપુમાં બહુ ઝડપભેર પરિવર્તન થઇ રહ્યું છે.









