એપલે વિસ્તરણ કરવાની જરૂર નથી, ભારત પોતાનું ફોડી લેશે : ટ્રમ્પ
- ટ્રમ્પે દોહામાં બિઝનેસ રાઉન્ડ ટેબલ બેઠકમાં કૂકને સંભળાવ્યું
- વર્ષ 2026 સુધીમાં ભારતમાં 6 કરોડથી વધુ આઈફોનના ઉત્પાદનની યોજનામાં કોઈ ફેરફાર નહીં : સરકારનો દાવો
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ કંપની દ્વારા ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધારવાની યોજના સામે વાંધો ઉઠાવ્યો છે. ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કૂકને કહ્યું કે, તમે ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધારવાની યોજના બનાવી રહ્યા છો, તે બંધ કરો. જોકે, એપલ કંપનીના અધિકારીઓને ટાંકીને ભારતમાં સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ભારતમાં રોકાણની એપલની યોજનામાં કોઈ ઘટાડો નહીં થાય. કંપનીની વર્ષ ૨૦૨૬ સુધીમાં ભારતમાં ૬ કરોડથી વધુ આઈફોનના ઉત્પાદનની યોજના છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દોહામાં એક બિઝનેસ રાઉન્ડ ટેબલ બેઠક સમયે એપલના સીઈઓ ટીમ કૂકને કહ્યું કે, મને ટીમ કૂક સાથે થોડી સમસ્યા હતી. કાલે મેં તેમને કહ્યું કે, ટીમ તમે મારા મિત્ર છો, મેં તમારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો છે. તમે અમેરિકામાં ૫૦૦ અબજ ડોલરનું રોકાણ કરી રહ્યા છો. પરંતુ મેં સાંભળ્યું છે કે તમે ભારતમાં આઈફોનના ઉત્પાદનનું વિસ્તરણ કરી રહ્યા છો. હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન વધારો. તમારે ભારતનો ખ્યાલ રાખવો હોય તો તમે ભારતમાં નિર્માણ કરી શકો છો. કારણ કે ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ વસૂલતા દેશોમાંનો એક છે, તેથી ભારતમાં વસ્તુઓ વેચવી ખૂબ જ મુશ્કેલ છે.
તેમણે ઉમેર્યું કે, મેં ટીમને કહ્યું કે, અમે વર્ષો સુધી ચીનમાં તમે બનાવેલા ઉત્પાદન એકમો જોયા છે. હવે તમારે અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન કરવું જોઈએ. અમને ભારતમાં તમારા નિર્માણમાં કોઈ રસ નથી. ભારત પોતાનું ધ્યાન રાખી શકે તેમ છે. અમે નથી ઈચ્છતા કે તમે ત્યાં ઉત્પાદન કરો. ટ્રમ્પે કહ્યું કે, આ વાતચીત પછી એપલ અમેરિકામાં તેનું ઉત્પાદન વધારશે.
એપલ અમેરિકામાં ચાર વર્ષમાં ૫૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે. જોકે, એપલનું અમેરિકામાં સ્માર્ટફોનનું કોઈ ઉત્પાદન એકમ નથી. જોકે, ટ્રમ્પે ચર્ચાના પરિણામ અથવા ભારતમાં એપલની યોજનાઓ અંગે કોઈપણ ફેરફાર અંગે કશું કહ્યું નહીં.
દરમિયાન ટ્રમ્પના નિવેદન પછી સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય અધિકારીઓએ ટ્રમ્પના નિવેદન પછી કુપર્ટિનો સ્થિત કંપનીના એક્ઝિક્યુટિવ્સ સાથે વાત કરી હતી.
તેમણે ખાતરી આપી કે એપલની ભારતમાં રોકાણ યોજનાઓ યથાવત્ છે અને કંપની ભારતને તેના ઉત્પાદનો માટે એક મહત્વનું ઉત્પાદન સેન્ટર બનાવવાની દિશામાં આગળ વધખે. આઈફોનના વૈશ્વિક ઉત્પાદનના ૧૫ ટકા એટલે કે ચાર કરોડ આઈફોનનું ઉત્પાદન ભારતમાં થાય છે. ફોક્સકોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને પેગાટ્રોન ઈન્ડિયા ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરે છે.
એપલ ચીનમાં મોટાપાયે આઈફોનનું ઉત્પાદન કરતી હતી, પરંતુ કોરોનાકાળ પછી એપલે ચીનથી અંતર જાળવવાનું શરૂ કર્યું. કોરોનાકાળ પછી ટ્રમ્પના શાસનમાં અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરમાં એપલ ફસાઈ છે, જેથી તેણે ચીનને છોડવાનો અને ભારતમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. આ સાથે એપલે ભારતમાં તેનું ઉત્પાદન એકમ ખસેડીને વર્ષ ૨૦૨૬ સુધીમાં છ કરોડ આઈફોનના ઉત્પાદનની યોજના બનાવી છે. હાલ આઈફોનના ઉત્પાદનમાં ચીનનો દબદબો છે. જોકે, ચીન સાથે ટેરિફ વોર વચ્ચે એપલે ભારતમાં ઉત્પાદિત આઈફોનની અમેરિકામાં આયાત કરી હતી.