Get The App

પુતિને મોદીની પ્રશંસા કરતા જે કહ્યું તે જાણીને કોઈપણ ભારતીય ગદ્-કદ્ થઈ જાય તેમ છે

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
પુતિને મોદીની પ્રશંસા કરતા જે કહ્યું તે જાણીને કોઈપણ ભારતીય ગદ્-કદ્ થઈ જાય તેમ છે 1 - image


- પુતિને કહ્યું : આપે આપનું સમગ્ર જીવન જ દેશની સેવા માટે સમર્પિત કર્યું છે : આપ ભારત માટે અસામાન્ય કાર્ય કરી રહ્યા છો

નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ પછી રશિયાની મુલાકાતે આવ્યા છે. પોતાના ત્રીજા કાર્યકાળમાં મોદીની આ સૌથી પહેલી વિદેશ-યાત્રા છે. વિશ્વનું ભાવિ જ્યારે ત્રાજવે તોળાઈ રહ્યું છે ત્યારે મોદીની આ મુલાકાત અત્યંત મહત્વની બની રહે તેમ છે.

મોદી મોસ્કોનાં વિમાન ગૃહે ઉતર્યા ત્યારે તેઓનું 'રેડ-કાર્પેટ'થી સ્વાગત કરાયું તે પછી તેઓને ગાર્ડ ઓફ ઑનર પણ અપાયું.

પ્રમુખ પુતિને પોતાના અંગત નિવાસસ્થાને મોદીને ચા ઉપર આમંત્ર્યા હતા. ત્યારે મોદીએ પુતિનને ભેટી, તેઓની સાથે હાથ પણ મેળવ્યા.

પોતાના અંગત નિવાસસ્થાને ચા-નાસ્તા માટે આવેલા મોદીની પુતિને ભારોભાર પ્રશંસા કરી. તેઓએ કહ્યું : ''આપે આપનું સમગ્ર જીવન જ દેશની સેવા માટે સમર્પિત કર્યું છે. આપ ભારત માટે અસામાન્ય કાર્ય કરી રહ્યા છો.'' આ સાથે પુતિને મોદીને તેઓના ત્રીજા કાર્યકાળ માટે વધાઈ આપી અને કહ્યું તેઓને મોસ્કોમાં જોઈ હું ઘણો જ ખુશ થયો છું.

આના ઉત્તરમાં વડાપ્રધાને કહ્યું : ''ભારતીય જનતાએ રાષ્ટ્ર સંબંધી મારી નીતિઓમાં વિશ્વાસ દર્શાવ્યા છે, તે માટે હું તમામ ભારતીઓનો આભારી છું. આશરે ૬૫ કરોડ લોકોએ મતદાન કર્યું : આશરે ૬૦ વર્ષ પછી. કોઈપણ સરકાર ત્રીજાવાર ચુંટાઈને આવી છે. પરંતુ કોઈ મિત્રને ઘરે મળવા માટે જવું તે ઘણું જ સુખદ છે. આપે મને આપના ઘરે બોલાવ્યો તે માટે હું આપનો આભારી છું.

વડાપ્રધાને વધુમાં કહ્યું મારી રશિયાની યાત્રા (વિશ્વના) એક 'વિશેષ' સમયે થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આજે મંગળવારે અમેરિકામાં ''નાટો''ના સભ્ય દેશોની મિટીંગ થઈ રહી છે. 'નાટો' દેશો યુક્રેન યુદ્ધ અંગે પોતાની રણનીતિ ઘડવાના છે. તેવે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત અને તેઓની પુતિન સાથેની પશ્ચિમના દેશોની આંખમાં કણાંની જેમ ખટકે તે સહજ છે.

આ પુર્વે નરેન્દ્ર મોદી શાંધાઈ-કોઓપરેટિવ-ઓર્ગેનાઈઝેશન (એસ.સી.ઓ.)ની પરિષદમાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે ચીનના પ્રમુખ શી-જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન વચ્ચે સઘન મંત્રણાઓ થઈ હતી.

ભારત તે ઈચ્છતું નથી કે તેના સૌથી જુના મિત્ર રશિયા, ચીનની નજીક જાય. જાણકારોની વાત માનીએ તો કહી શકાય કે પી.એમ. મોદીની રશિયાની આ મુલાકાત ઘણી મહત્વની બની રહી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના ત્રીજા કાર્ય-કાળના પ્રારંભ પછી લગભગ તુર્તજ રશિયા, વિદેશ-યાત્રા માટે પસંદ કર્યું હતું. આ પુર્વે ૨૦૧૪માં તેઓએ પોતાની પહેલી વિદેશયાત્રા માટે ભૂટાન પસંદ કર્યું હતું. તો ૨૦૧૯માં માલદીપ પહેલી વિદેશયાત્રા માટે પસંદ કર્યું.

ભારત અને રશિયાની ૨૨મી દ્વિપક્ષીય શિખર મંત્રણા દરમિયાન વડાપ્રધાને સત્તાવાર કાર્યક્રમોમાં તો ભાગ લીધો જ હતો પરંતુ તે પછી પ્રવાસી ભારતીઓને પણ સંબોધન કર્યું હતું. ૨૦૨૧માં દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ત્યારે પુતિન ભારત આવ્યા હતા. જે યાદ રહે.

મોસ્કોથી વડાપ્રધાન ઓસ્ટ્રિયા જવાના છે. ૪૦ વર્ષ પછી ભારતના કોઈપણ વડાપ્રધાને લીધેલી ઓસ્ટ્રિયાની આ પહેલી મુલાકાત હશે.


Google NewsGoogle News