- હજી સુધીમાં 646થી વધુનાં મોત થઈ ચૂકયા છે
- ડિસેમ્બર અંતથી લોકો મોંઘવારી, બેકારી અને સતત વધતા જતા ભાવ સામે રણે ચઢયા : તે આંદોલને હવે રાજકીય રૂપ લીધું
નવી દિલ્હી : ડિસેમ્બર ૨૦૨૫ના અંતથી ઈરાનમાં ચાલી રહેલા રમખાણો બંધ થવાનું નામ લેતા નથી. દેશના નાના-મોટા શહેરોમાં મોંઘવારી, બેકારી અને સતત વધતા જતા ભાવ સામે જનતા ઝનૂની બની રણે ચઢી છે. હવે, તે રમખાણોએ રાજકીય રૂપ લઈ લીધું છે. જનતા મુલ્લાઓના શાસનની સામે રણે ચઢયા છે. તે તોફાનો અને દેખાવો વિખેરી નાખવા ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈએ તેના મળતીયાને, દેખાવકારો સામે વળતા દેખાવો કરવા અને ખામેનેઈનાં નેતૃત્વ નીચેની સરકારને પુષ્ટિ આપવા કેટલાકને એવા મોંઘવારી વિરૂધ્ધના દેખાવકારોની સામે ઉતાર્યા છે. સહજ છે કે બંને વચ્ચે રીતસરની ખુલ્લેઆમ મારામારી ચાલે છે.
હવે ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ કરાવનાર આયાતોલ્લાહનું મયુરાસન હચમચી રહ્યુ છે.
વાસ્તવમાં રમખાણકારો ઇસ્લામિક ક્રાંતિ વિરૂધ્ધ ધર્મ નિરપેક્ષ રાજ્યની ખ્વાહીશ રાખે છે. પરંતુ, હજી સુધી તે પ્રતિક્રાંતિ કરનારાઓ વિવિધ જૂથોમાં વહેંચાઈ ગયા છે. તેમને એક છત્ર નીચે વાળી અનિરૂદ્ધ ક્રાંતિ કરાવે, તેવો કોઈ નેતા હજી તેમને મળ્યો નથી.
દરમિયાન યુરોપ અને અમેરિકામાં વસતા નોન-રેસીડેન્ટ- ઈરાનીયન્સ (એનઆરઆઇઝ) પણ પ્રતિ ક્રાંતિકારીઓને સમર્થન આપે છે. દેશના તમામ શહેરોમાં અગન જ્વાળા ફેલાઈ રહી છે.
મુખ્ય મુદ્દો ભૂખનો છે. રશિયામાં જેમ ભૂખ્યાજનોના જઠરકાગ્નિને નેતૃત્વ આપવા કોમરેડ બેનીન પહોંચી ગયા હતા, તેવો કોઈ સમર્થ નેતા ઈરાનના ક્રાંતિવીરોને નેતૃત્વ આપે તેવો કોઇ નેતા દેખાતો નથી. નક્કર વાસ્તવિકતા તે છે કે દેશમાં અંધાધુંધી અને અરાજકતા ફેલાઈ રહ્યા છે. પરિસ્થિતિ ઉપર કોઈનો કાબુ નથી, કોઈ નેતૃત્વ નથી.
સૌથી મોટી તકલીફ તો તે છે કે આ વિપક્ષોને એક જૂથ કરી ત્યાં નવી સરકાર રચાવી શકે તેવો કોઈ નેતા નથી તેમ વિશ્લેષકોનું સ્પષ્ટ કહેવું છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૫ના અંતથી શરૂ થયેલા આ રમખાણોમાં હજી સુધીમાં ૬૪૬ થી વધુ લોકોના જાન ગયા છે. સરકારી દમન અને નજરબંધીના ડરથી કોઈ કેન્દ્રીય નેતા આગળ આવતો નથી. ઈરાન શિયા પંથી છે. આ આંદોલનમાં સુન્ની પંથી, લઘુમતિઓ (કુર્દ અને બલુચ) પ્રદર્શનોમાં અગ્રીમ ભાગ ભજવે છે. તેઓમાં એક જૂથનો અભાવ છે. સોશ્યલ મીડીયા દ્વારા પરસ્પર સાથે વિવિધ જૂથો સંપર્કમાં રહે છે.
ઈરાનના છેલ્લા શાહરઝા શાહ પહેલવાન પુત્ર રેઝાશાહ પહેલવી બીજા અત્યારે અમેરિકામાં દેશવટો ભોગવે છે. દેખાવકારો પૈકી ઘણા તેઓ પાછા સત્તારૂઢ થાય તેમ ઇચ્છે છે, તો કેટલાક રીપબ્લિક જ ઇચ્છે છે.
કેટલાક અગ્રણીઓ ઇંગ્લેન્ડ જેવું ક્રાઉન્ડ રીપબ્લિક ઇચ્છે છે. મરીયમ રઝવી અને પીપલ્સ મુજાહીદી જેવા ડાબેરીઓ ઈરાન-ઇરાક યુદ્ધમાં ઈરાકના મંતવ્યને ટેકો આપતા તેમની છબી ખરાબ થઈ ગઈ છે. આ તબક્કે તો ડાબેરીઓ પાશ્ચાદ ભૂમિકામાં ફેંકાઈ ગયા છે. રેઝા શાહ પહેલવીના પુત્રે સૌને શાંતિ રાખવાનું કહ્યું છે. દૂરની સંભાવના તે પણ છે કે રમખાણકારો મુલ્લાઓની સરકાર ફગાવી કદાચ નિર્વાસિત ક્રાઉન પ્રિન્સને બોલાવી ફરી સિંહાસને બેસાડે. તે બને ત્યારે પરંતુ અત્યારે તો ભારતના નૂરજહાં આ મૂળ દેશમાં લગભગ, અરાજકતા, અંધાધૂંધી પ્રસરી રહ્યાં છે. તેવામાં અમેરિકા અને ઇઝરાયલનાં સંયુક્ત આક્રમણનો પણ ભય તોળાઈ રહ્યો છે. ખામેનેઇને કદાચ માર્ગ મળતો નથી. ભૂખે મરતા લોકોનો જઠરાગ્નિ શમતો નથી. કદાચ ત્યાં કોઈ કોઈનું રહ્યું નથી. અમેરિકાએ તેના નાગરિકોને તત્કાળ ઈરાન છોડી દેવા જણાવ્યું છે.


