રશિયા-યુક્રેન યુદ્ધમાં વધુ એક દેશે ઝંપલાવ્યું, રશિયાના ડ્રોન તોડી પાડ્યા, F-16 કર્યા તહેનાત
Russia Ukrain War Updates : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શાંતિ મંત્રણા વચ્ચે વધારે પડકારજનક બનતું જઈ રહ્યું છે ત્યારે વધુ એક દેશે આ યુદ્ધમાં ઝંપલાવ્યું હોય તેવું પ્રતીત થાય છે. મધ્ય યુરોપિયન દેશ પોલેન્ડે પોતાના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી આવેલા અનેક રશિયન ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે.
પોલેન્ડે ફાઇટર જેટ તહેનાત કર્યા
બુધવારે સવારે પોલેન્ડે નાટો દેશો સાથે મળીને તેના F-16 ફાઇટર પ્લેનને સરહદે તહેનાત કર્યા અને રાજધાની વોર્સોમાં તેના મુખ્ય એરપોર્ટ સહિત કુલ ચાર એરપોર્ટ પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દીધા હતા. યુક્રેનના પશ્ચિમમાં સ્થિત આ દેશે આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનિયન એરફોર્સે પોલેન્ડને ચેતવણી આપી હતી કે રશિયન ડ્રોન હવે યુક્રેનની સરહદ પાર કરીને પોલેન્ડમાં પ્રવેશ કરશે.
વારંવાર એરસ્પેસનું ઉલ્લંઘન કરાયાનો આરોપ
આ માહિતી બાદ પોલેન્ડની એરફોર્સે ઉતાવળમાં તેના ફાઇટર પ્લેન તહેનાત કર્યા. પોલેન્ડની એરફોર્સે કહ્યું છે કે અમારા હવાઈ ક્ષેત્રનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. ત્યારપછી આ પગલું લેવામાં આવ્યું છે. પોલેન્ડની આ કાર્યવાહી બાદથી ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. પોલેન્ડના ઓપરેશનલ કમાન્ડે કહ્યું કે, "પોલિશ અને નાટો સાથીઓના ફાઇટર પ્લેન અમારા હવાઈ ક્ષેત્રમાં ઉડી રહ્યા છે, જ્યારે ગ્રાઉન્ડ એર ડિફેન્સ અને રડાર રિકોનિસન્સ સિસ્ટમને હાઈ એલર્ટ મોડ પર રખાઈ છે. અહેવાલ મુજબ, યુક્રેનિયન એરફોર્સે શરૂઆતમાં કહ્યું હતું કે રશિયન ડ્રોન પોલેન્ડના ક્ષેત્રમાં પ્રવેશ્યા છે, જે ઝામોસ્ક શહેર માટે જોખમી સાબિત થઈ શકે છે. યુક્રેનિયન મીડિયાએ પણ અહેવાલ આપ્યો હતો કે એક ડ્રોન પશ્ચિમી પોલેન્ડના શહેર રઝેઝોવ તરફ જઈ રહ્યું હતું.