પી.ઓ.કે.માં નારાજ લોકોના નારા : અમે તમારૂં મોત છીએ રમખાણો વ્યાપક થતાં સેનાના ગોળીબારથી 12નાં મૃત્યુ
- પીઓકેના લોકો સામે ચાલીને ભારત સાથે જોડાશે : રાજનાથ
- પીઓકે ફરતી નાકાબંધીથી અનાજ, લોટ જેવી મૂળભૂત જીવન-જરૂરી ચીજોની તીવ્ર અછત : ઇન્ટરનેટ, ટેલિફોન સેવા અને વીજળી પણ ઠપ્પ કરાઈ
નવી દિલ્હી : પાકિસ્તાનની મુશ્કેલીઓનો અંત ઠેલાતો નથી ત્યાં અનાજ, લોટ, કઠોળ વગેરેની તીવ્ર અછત છે. તેવામાં તેના કબ્જા નીચેનાં કાશ્મીર (પીઓકે)માં પણ અનાજ, કઠોળ, લોટ વગેરેની તીવ્ર અછત ઊભી થઇ છે. તેનું સૌથી મહત્ત્વનું કારણ તો પીઓકે ફરતી પાકિસ્તાની સેનાએ કરેલી નાકાબંધી છે. આથી જીવ ઉપર આવી ગયેલાં પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીરમાં લોકોએ વ્યાપક રમખાણો શરૂ કરી દીધા છે. રસ્તા જામ કર્યા છે. કેટલાયે સરકારી વાહનોને આગ ચાંપી છે. સેનાની સામે જ નારા લગાવતા યુવાનોએ કહ્યું છે કે તમે શું અમોને મારતા હતા અમે જ તમારૃં મોત છીએ. બીજી તરફ આ રમખાણો પીઓકેનાં મુખ્ય શહેર મુઝફરાબાદથી અન્ય શહેરોમાં અને હવે તો ગામે ગામ પ્રસરતાં જાય છે.
પાકિસ્તાન સરકારે ત્યાં ઇન્ટરનેટ સેવા તેમજ ટેલીફોન સેવા પણ બંધ કરી છે. ત્યાં મોબાઈલ ફોન બહુ થોડા છે છતાં તે મોબાઈલ ફોન ટાવર્સ વિદ્યુત પ્રવાહ વિના નિષ્ક્રીય બનાવી દેવાયા છે.
આ રમખાણો કોટલી કસ્બામા તો હાથ બહાર ગયાં છે. અહીં વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ છે. મોટાભાગના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ પોલીસ વાન અને બુલ્ડોઝર્સને આગ ચાંપી છે.
સેહસામા લોકોએ રાજ્યની સંપત્તિને નિશાન બનાવી છે. અજા પૂલ નગરમાં લોકોએ જ નાકાબંધી કરી દીધી છે. ત્યાં વાહન વ્યવહાર ઠપ્પ છે. સેહસા, અર્જાપુલ અને કોટલી કસ્બામાં સજ્જડ બંધ રખાયો છે.
પાકિસ્તાન સરકારની સૌથી મોટી ચિંતા તો તે છે કે આ રમખાણો ગામડાંઓમાં પણ પ્રસરતાં જાય છે. તેટલું જ નહીં પરંતુ રમખાણકારો જુદા જુદા વિસ્તારોમાંથી પાકિસ્તાનનાં કબ્જા નીચેનાં કાશ્મીરનાં પાટનગર મુઝફરાબાદ પહોંચી રહ્યા છે. તે બધાને દબાવવા સરકારે જબરજસ્ત સેના મોકલી છે. અગાઉ જણાવ્યું તેમ સેનાના ગોળીબારમાં જ ૧૨ લોકો શહીદ થયા છે.
આ વિરોધ માત્ર નથી રહ્યો તે વિદ્રોહમાં પરિણમ્યો છે. વિદ્રોહ વિપ્લવમાં પલટાઈ રહ્યો છે. તે માત્ર હવે પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીર પૂરતો જ મર્યાદિત નથી રહ્યો તે ધીમે ધીમે આંતર રાષ્ટ્રીય રૂપ લઇ રહ્યો છે. આ પીઓકે સ્થિત કાશ્મીરીઓએ લંડનમાં પાકિસ્તાન હાઈકમિશનનાં બિલ્ડીંગની સામે જ તંબુઓ તાણી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તેઓ કહે છે કે છેલ્લા છન્નુ કલાકથી ત્યાં ઇન્ટરનેટ અને કોલિંગ સેવા બંધ છે. તે ફરી શરૂ ન થાય ત્યાં સુધી અમારા ઉપવાસ ચાલુ રહેશે.
પીઓકેમાં કેટલાંયે શહેરોમાં સંયુક્ત આવામી એકશન કમીટીની આગેવાની નીચે છેલ્લા પાંચ દિવસથી લોકો સડકો ઉપર બેઠા છે તેઓ નારા લગાવે છે. હક્મનારો દેખલો હમ તુમ્હારી મૌત હૈ, ઇન્કીલાબ આયેગા આમ અનેક સ્થળોએ રસ્તાજામ છે. સરકારે ઇન્ટરનેટ સેવા અને મોબાઈલ સેવા પણ બંધ કરી દીધી છે, જેથી આંદોલન પ્રસરે નહીં.
નિરીક્ષકો કહે છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પીઓકેમાં પાંચ પાંચ સ્થળોએ આતંકી મથકોનો નાશ કર્યા પછી ત્યાંની જનતા પાકિસ્તાનની સરકારની નિર્બળતા જાણી લીધી છે. પછીથી સહજ રીતે જ લોકોનો સામનાનો જુસ્સો વધ્યો છે.
પાકિસ્તાને પરંપરા પ્રમાણે આ તોફાનો માટે ભારત ઉપર આક્ષેપો કર્યા છે. પરંતુ ભારતમા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે અમારે કશું કરવાનું નથી. પીઓકેના લોકો જ સામે ચાલીને ભારત સાથે ભળી જવા આગળ આવશે.