Get The App

અમેરિકામાં ટ્રમ્પ શાસન સામે રોષ : લાખો લોકો રસ્તા પર

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકામાં ટ્રમ્પ શાસન સામે રોષ : લાખો લોકો રસ્તા પર 1 - image


- 'નો-કિંગ' : ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ, સ્વચ્છંદ અને આપખુદ વ્યવહાર સામે 50 રાજ્યોમાં દેખાવો

- લોસ એન્જલસ, પોર્ટલેન્ડમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ, ટોળા વિખેરવા ટીયરગેસના શેલ છોડાયા : વર્જિનિયામાં એક ડ્રાઈવરે દેખાવકારો વચ્ચે કાર ઘૂસાડી

- અમે મત આપી ટ્રમ્પને પ્રમુખ બનાવ્યા પણ હવે પસ્તાવો થાય છે : ટ્રમ્પના સમર્થકોનો બળાપો

- ટ્રમ્પની તાનાશાહીને હાલ નહીં રોકાય તો સ્થિતિ વધુ ખરાબ થશે ઃ દેખાવકારો

- ટ્રમ્પ હાલ લેટિન અમેરિકનો સામે કાર્યવાહી કરે છે, કાલે ગે, અશ્વેતોની પણ હકાલપટ્ટી કરી શકે ઃ ટ્રમ્પ સમર્થક

ફિલાડેલ્ફિયા: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજો કાર્યકાળ સંભાળ્યો ત્યારથી ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ આકરાં પગલાં ભર્યા છે. ટ્રમ્પે 'અમેરિકા ફર્સ્ટ' હેઠળ અનેક નીતિઓનો અમલ શરૂ કરાવ્યો છે. જોકે, ટ્રમ્પની નીતિઓને તાનાશાહી પ્રવૃત્તીઓ ગણાવી સમગ્ર દેશમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. દેખાવકારોએ ટ્રમ્પની નીતિઓને લોકતંત્ર વિરુદ્ધ મોટા જોખમરૂપ ગણાવી છે અને પ્રમુખની શક્તિના કેન્દ્રિકરણને નકારી કાઢતા ઉગ્ર વિરોધ કર્યો છે. ટ્રમ્પના વિરોધમાં શનિવારે અમેરિકાના બધા જ ૫૦ રાજ્યોમાં ૨,૦૦૦થી વધુ સ્થળો પર દેખાવો થયા હતા અને ગામડાથી લઈને શહેરોમાં લાખો લોકો રસ્તા, પાર્ક, પ્લાઝામાં ઉમટી પડયા હતા.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન સેનાના ૨૫૦મા સ્થાપના દિવસ અને તેમના ૭૯મા જન્મદિનના પ્રસંગે ભવ્ય સેના પરેડની ઊજવણી કરી રહ્યા હતા. તેવા સમયે અમેરિકામાં ઠેરઠેર પ્રમુખ ટ્રમ્પ વિરુદ્ધ 'નો કિંગ્સ' અભિયાન હેઠળ દેખાવો થઈ રહ્યા હતા. લાખો અમેરિકનો ટ્રમ્પ સરકારની તાનાશાહી પ્રવૃત્તિઓ અને વિશેષરૂપે ગેરકાયદે વસાહતીઓ તથા ઘરેલુ નીતિઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. દેખાવકારો લોકતંત્ર અને ઈમિગ્રન્ટ્સના અધિકારોના રક્ષણના સમર્થનમાં આગળ આવ્યા હતા.

'નો કિંગ્સ' દેખાવોના આયોજકોએ જણાવ્યું હતું કે, દેશભરમાં ૨,૦૦૦થી વધુ સ્થળો પર લાખો લોકો ટ્રમ્પ વિરોધી અભિયાનમાં જોડાયા હતા. બીજીબાજુ વિવિધ રાજ્યોના ગવર્નરોએ દેખાવકારોને શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવા હાકલ કરી રહ્યા હતા. જોકે, કેટલીક જગ્યાએ નેશનલ ગાર્ડ્સના સૈનિકો એકત્રીત થયા હતા અને તેમને દેખાવકારો સાથે ઘર્ષણ થયું હતું. જોકે, આવી ઘટનાઓ બહુ ઓછી બની હતી.

ન્યૂયોર્ક, ડેનવેર, શિકાગો, ઓસ્ટીન અને લોસ એન્જેલસમાં 'નો કિંગ્સ'ના બેનર હેઠળ દેખાવકારોએ માર્ચ કરી, ડાન્સ કર્યો અને ટ્રમ્પ વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. એટલાન્ટામાં દેખાવોના સ્થળે ૫,૦૦૦થી વધુ લોકો એકત્ર થઈ ગયા હતા જ્યારે સીએટલમાં ૭૦,૦૦૦થી વધુ લોકો શહેરની સૌથી મોટી રેલીમાં જોડાયા હતા. ગયા વર્ષના અંતમાં પ્રમુખ ટ્રમ્પનું સમર્થન કરનારા લોકો પણ મોટાપાયે દેખાવોમાં જોડાયા હતા. એરિઝોનમાં એક વ્યક્તિએ દેખાવકારોની ભીડમાં પીસ્તોલ લહેરાવતા અફરાતફરી મચી ગયી હતી. જોકે, પોલીસે તુરંત તેને કાબુમાં કરી લીધો હતો. વર્જિનિયામાં એક ડ્રાઈવરે દેખાવકારો વચ્ચે કાર ઘૂસાડી દીધી હતી, જોકે, કોઈ ઘાયલ થયું નહોતું. પોલીસે તેની ધરપકડ કરી હતી. 

લોસ એન્જેલસમાં ૫૪ વર્ષના પીટર વરાડીએ જણાવ્યું હતું કે તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં આર્થિક કારણોસર ટ્રમ્પને મત આપ્યો હતો. પરંતુ જીવનમાં પહેલી વખત તે વિરોધ માટે આગળ આવ્યો છે. પીટર મેક્સિકન અને અમેરિકન ઝંડો ફરકાવતા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે કહ્યું, મેં ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો હતો, પરંતુ હવે તેમને ખેદ થાય છે. કારણ કે ટ્રમ્પનો ફાસીવાદ નવા સ્તરે પહોંચ્યો છે. ટ્રમ્પ અત્યારે લેટિન અમેરિકનો સામે કાર્યવાહી કરી રહ્યા છે. કોને ખબર કાલે કોના વિરુદ્ધ કરે? ભવિષ્યમાં તેના નિશાન પર ગે, અશ્વેતો પણ આવી શકે છે.

મિનેસોટ્ટામાં ડેમોક્રેટ સાંસદોની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના કારણે વિરોધ પ્રદર્શનના અનેક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક શહેરોમાં હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં એકત્ર થયા હતા. રોસેસ્ટરમાં ૨૯ વર્ષીય સેડા હેન્ગે જણાવ્યું કે, ગોળીબારની ઘટનાથી તેનું હૃદય ભાંગી પડયું હતું. પરંતુ તે રેલીમાં જોડાવા માગતી હતી. દેખાવકારો દેશ અને લોકતંત્રના રક્ષણ માટે આગળ આવ્યા છે. ટ્રમ્પને આજે રોકવામાં નહીં આવે તો આવતીકાલે સ્થિતિ વધુ ખરાબ હશે.

ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિના વિરોધમાં ગયા સપ્તાહે લોસ એન્જેલસ ભડકે બળતું હતું ત્યાં ટ્રમ્પ વિરોધી દેખાવોનો મુખ્ય કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી દેખાવકારોને વિખેરવા માટે પોલીસે ટીયગરેસ અને ક્રાઉડ કંટ્રોલ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

 પોર્ટલેન્ડમાં પણ અધિકારીઓએ ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ અને પ્રોજેક્ટાઈલ્સનો ઉપયોગ કર્યો હતો. ઉટાના સોલ્ટ લેક સિટીમાં પોલીસ દેખાવો સમયે થયેલા ગોળીબારની ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટનામાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હતી, જેમાં એક વ્યક્તિ શૂટર હોવાનું મનાય છે.

ટ્રમ્પ તાનાશાહી તરફ વધતા હોવાનો અમેરિકી પ્રજાનો દાવો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે સત્તા પર આવવાની સાથે ટ્રમ્પની કામગીરીથી અમેરિકનો નારાજ થઈ ગયા છે. તેમનું માનવું છે કે ટ્રમ્પ ધીમે ધીમે તાનાશાહી તરફ આગળ વધી રહ્યા છે. ટ્રમ્પ બંધારણની અવગણના કરે છે, કોર્ટોના આદેશોનું પાલન નથી કરી રહ્યા. ગેરકાયદે વસાહતીઓ સાથે અમાનવીય વર્તન કરી રહ્યા છે. આ કારણે નો કિંગ્સ નામથી આંદોલન મારફત ટ્રમ્પને બતાવવામાં આવશે કે અમેરિકા લોકતાંત્રિક દેશ છે. અહીં રાજા અથવા સરમુખત્યાર માટે કોી જગ્યા નથી. ટ્રમ્પ પોતાને રાજા અથવા તાનાશાહની જેમ રજૂ કરી રહ્યા છે. 


Tags :