90 ફાઈટર જેટ, 3000 સૈનિકો સાથે અમેરિકન યુદ્ધ જહાજ આંદામાન પહોંચ્યું
- દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધાભ્યાસ પછી યુએસએસ નિમિત્ઝ હિન્દ મહાસાગરમાં
- ચીનનો ખાડી દેશો - આફ્રિકા સાથે વેપાર હિન્દ મહાસાગર મારફત હોવાથી ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાએ ઘેરાબંધી કરી
વોશિંગ્ટન, તા. 19 જુલાઇ, 2020, રવિવાર
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે ચાલતા સંઘર્ષ વચ્ચે ભારતના મિત્ર રાષ્ટ્ર અમેરિકાએ ચીનને ચોમેરથી ઘેરવાનું શરૂ કર્યું છે. અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રથી લઈને હિન્દ મહાસાગર સુધી તેના યુદ્ધ જહાજની ગતિવિધીઓ વધારી દીધી છે.
દક્ષિણ ચીન સમુદ્રમાં તાઈવાન અને જાપાન જેવા મિત્ર રાષ્ટ્રો સાથે યુદ્ધાભ્યાસ પૂરો કર્યા પછી અમેરિકન નૌકાદળના સાતમા બેડામાં સામેલ એરક્રાફ્ટ કેરીયર યુએસએસ નિમિત્ઝ હવે 90 ફાઈટર જેટ અને 3,000થી વધુ સૈનિકો સાથે આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક પહોંચી ગયું છે. આ ક્ષેત્રમાં ભારતીય નૌકાદળ અગાઉથી જ યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે.
દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો એકાિધકાર હોવાનો દાવો કરનારા ચીને તાજેતરના સમયમાં હિન્દ મહાસાગરમાં પણ તેની ગતિવિધીઓ વધારી હતી. જોકે, હવે હિન્દ મહાસાગરમાં તેની ગતિવીધીઓ પર અંકુશ મુકવા માટે અમેરિકાએ તેના ત્રણ એરક્રાફ્ટ કેરિયર્સને આ વિસ્તારમાં ગોઠવ્યા છે.
હાલમાં તેમાંથી એક યુએસએસ રોનાલ્ડ રીગન દક્ષિણ ચીન સમુદ્રમાં છે જ્યારે યુએએસએસ િથયોડર રૂઝવેલ્ટ ફિલિપીન સાગરની આજુબાજુ ગોઠવાયેલું છે. અમેરિકાની આ પ્રકારની આક્રમક ગતિવિધીઓથી રઘવાયું બનેલું ચીન વારંવાર યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે.
અમેરિકાના સુપર કેરિયર્સમાં યુએસએસ નિમિત્ઝને ખૂબ જ શક્તિશાળી મનાય છે. પરમાણુ શક્તિથી ચાલતા આ એરક્રાફ્ટ કેરિયરને અમેરિકન નૌકાદળમાં 3જી મે 1975ના રોજ સામેલ કરવામાં આવ્યું હતું. આ કેરિયર સ્ટ્રાઈક ગૂ્રપ 11નું અંગ છે, જે આપબળે અનેક દેશોને બરબાદ કરવાની શક્તિ ધરાવે છે.
332 મીટર લાંબા આ એરક્રાફ્ટ કેરિયર પર 90 ફાઈટર વિમાન અને હેલિકોપ્ટર્સ ઉપરાંત નૌકાદળના 3,000 જેટલા સૈનિકો નિયુક્ત હોય છે. ભારત સાથે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા હિન્દ મહાસાગરમાં ચીનને ઘેરવા માટે તૈયાર બેઠા છે. હવે જો ચીન કોઈ પણ દુસાહસ કરશે તો તેણે માઠા પરિણામ ભોગવવા પડશે.
ચીન મોટાભાગે હિન્દ મહાસાગર મારફત ખાડી અને આફ્રિકન દેશો સાથે વેપાર કરી રહ્યુ છે. ચીનની મોટાભાગની ઊર્જા આયાતો આ જ માર્ગેથી આવે છે. ભારતીય નૌકાદળ આ રૂટ બ્લોક કરી દે તો ચીને ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અછતનો સામનો કરવો પડી શકે છે. એવામાં ચીન આ રસ્તે કોઈ આયાત-નિકાસ કરી શકશે નહીં.
ચીન સાથે ચાલતા તણાવ વચ્ચે ભારત પણ અંદામાન નિકોબાર ટાપુઓ પાસે યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. તેમાં વિધ્વંસક યુદ્ધપોત, પેટ્રોલ એરક્રાફ્ટ અને સબમરીનનો સમાવેશ થાય છે. આ સિવાય સબમરીન શોધતા અને વિનાશક હારપૂન બ્લોક મિસાઈલથી સજ્જ એરક્રાફ્ટ પોસેઈડન-8આઈ, એમકે-54 લાઈટવેઈટ ટોરપીડોઝ વગેરે પણ આ ડ્રિલનો એક ભાગ છે.