પાકિસ્તાનમાં પૂરના પ્રકોપ વચ્ચે ભારતે આગામી ચોવીસ કલાકમાં ફરી પ્રચંડ પૂર માટે ચેતવણી આપી
- પાકિસ્તાનમાં હજી સુધીમાં 13 લાખથી વધુ વિસ્થાપિત
- ખૈબર પખ્તુનવા પછી, પંજાબમાં પૂરની પરિસ્થિતિ ભયાવહ બની, ચીનાબ, રાવી અને સતલજ ખતરા આંકથી ઉપર ધસમસી રહી છે
નવી દિલ્હી : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પૂરની પરિસ્થિતિ સતત વણસી રહી છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા ૪૮ કલાકમાં જ ૩ લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડયા છે. આ સાથે ગત મહિનાની શરૂ કરી અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.
પંજાબ પ્રાંતનાં પ્રોવિન્શ્યલ ડીઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ અર્ફાન અલિએ જણાવ્યું હતું કે ભારતે બુધવારે જ રાજ્યાવિક ચેનલો દ્વારા પાકિસ્તાનમાં નવા પૂર આવવાની શક્યતા વિષે 'એલર્ટ' જારી કર્યો છે. ભારતમાં પણ થઇ રહેલી ભારે વર્ષાને પરિણામે ભારતના બંધોમાંથી પાણી છોડાતાં, ચીનાબ, રાવી અને સતલજમાં જળ ખતરાની નિશાનીથી ઉપર વહી રહ્યાં છે.
મલિક રમજાન, અને નૂર મોહમ્મદ જેવા સ્થાનિક ગ્રામીણો કહે છે કે રાહત શિબિરોમાં સુવિધાઓની કમી છે તેથી ઘણા જળબંબાકાર થઇ ગયેલાં તેમાં પોતાનાં ઘરોમાં જ રહેવાનું પસંદ કરે છે. મુઝફરગઢ જિલ્લામાં તો ડઝનબંધ ગામો જળમગ્ન છે. આ પૂર્વે નરીયાલ અને સિયાલકોટમાં પણ પૂરે તબાહી મચાવી હતી.
અત્યારે પ્રશાસન નદીઓના પ્રવાહને ખેતરો તરફ વાળી રહ્યું છે જેથી શહેરોને બચાવી શકાય.
પંજાબ સરકાર વધુમાં કહે છે કે આ પ્રાંતના ઇતિહાસના સૌથી મોટા રાહત કાર્ય પૈકીનું એક છે.
કથિયાએ કહ્યું હતું કે હજ્જારો રાહત કર્મચારીઓ બની શકે તેટલા લોકોને અને બની શકે તેટલાં પશુઓને બચાવવા સેનાએ હોડીઓ દ્વારાં પ્રયત્નો શરૂ કરી દીધા છે. અગાશીઓ અને છાપરાંઓ ઉપર ફસાયેલા લોકોને શોધવા ડ્રોનનો સહારો લેવો પડયો છે. હજી સુધીમાં ૩૩ હજાર ગામનાં ૩૩ લાખથી વધુ લોકોને અસર થઇ છે. ફસલ તદ્દન નષ્ટ થઇ ગઇ છે. તે માટે વળતર આપવાની સરકારે જાહેરાત કરી છે. આ પૂરમાં કેટલા ડૂબી મર્યા હશે તેનો સાચો અંદાજ મેળવવો મુશ્કેલ છે.