UNની બેઠકમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક હુમલો, આતંકવાદને પ્રોત્સાહન આપવા મુદ્દે ઠપકો
ઈમરાન ખાને 9/11ના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો તેનાથી સાબિત થાય છે કે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓને સંરક્ષણ મળે છે
નવી દિલ્હી, તા. 8 જુલાઈ 2020, બુધવાર
કોરોનાના સંકટ વચ્ચે આતંકવાદને પ્રોત્સાહન આપવાને લઈ ભારતે પાકિસ્તાનને ખૂબ સંભળાવી દીધું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની વર્ચ્યુઅલ બેઠકમાં ભારતે પોતાના પાડોશી દેશ પાકિસ્તાનનો સાચો ચહેરો ખુલ્લો કરતા જણાવ્યું કે, 'પાકિસ્તાને આત્મવિશ્લેષણ કરવું જોઈએ કે તેને આતંકવાદનું આંતરરાષ્ટ્રીય ઉપકેન્દ્ર અને આતંકવાદીઓ માટેનું સૌથી સુરક્ષિત આશ્રયદાતા કેમ કહેવામાં આવે છે.'
વર્ચ્યુઅલ કાઉન્ટર ટેરરિઝમ વીક દરમિયાન ભારતીય પ્રતિનિધિ મંડળના પ્રમુખ મહાવીર સિંધવીએ જણાવ્યું કે, 'હાલ મહામારીનો સામનો કરવા માટે આખી દુનિયા એકસાથે આવી રહી છે ત્યારે પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પ્રાયોજિત કરી રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.
આતંકવાદી ગતિવિધિઓને અંતિમ સ્વરૂપ આપવા પાકિસ્તાન દરેક અવસરનો લાભ ઉઠાવવા માંગે છે. પાકિસ્તાન ભારત વિરૂદ્ધ ખૂબ જ પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ આરોપો લગાવે છે અને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરે છે.'
આતંકવાદીને શહીદ શા માટે કહ્યો?
'વૈશ્વિક આતંકવાદનો પડકાર: કોરોના કાળમાં હિંસાત્મક અતિવાદ, હેટ સ્પીચના વધતા જોખમની આકરણી' વિષય મુદ્દે ભારતે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. આ સાથે જ ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયો સમક્ષ તેઓ પાકિસ્તાનને પોતાના ત્યાં સંચાલિત આતંકવાદી ગતિવિધિઓ પર લગામ કસવા કહે તેવી રજૂઆત કરી હતી.
ભારતે કાબુલમાં ભારતીય મિશન પર થયેલો આતંકવાદી હુમલો, 2008નો મુંબઈ આતંકવાદી હુમલો, 2016નો પઠાણકોટ હુમલો, ઉરી અને પુલવામામાં પાકિસ્તાનની ભૂમિકાને રેખાંકિત કરી હતી. સાથે જ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને 9/11ના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો હતો તે મુદ્દે પણ સવાલ કર્યો હતો.
સિંધવીએ જણાવ્યું કે, પાકિસ્તાની વડાપ્રધાનનું આ નિવેદન પાકિસ્તાનમાં આતંકવાદીઓને કઈ નજરે જોવામાં આવે છે તે સાબિત કરે છે અને તેનાથી સાબિત થાય છે કે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓને સંરક્ષણ મળે છે.
પાકિસ્તાનના વડાપ્રધાને જાહેરમાં જ પોતાના દેશમાં 40,000 જેટલા આતંકવાદીઓ ઉપસ્થિત હોવાનું સ્વીકારેલું છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એનેલિટિકલ સપોર્ટ એન્ડ સેન્કશન્સ મોનિટરિંગ ટીમના વર્તમાન રિપોર્ટ પ્રમાણે લશ્કર અને જૈશ સાથે સંકળાયેલા આશરે 6,500 પાકિસ્તાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં સક્રિય છે.
કાશ્મીર મુદ્દે લતાડ
વર્ચ્યુઅલ બેઠકમાં ભારતે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે પણ ઘેર્યું હતું. સિંધવીએ જણાવ્યું કે, પાકિસ્તાન જમ્મુ કાશ્મીરને લઈ ખોટા અને મનઘડંત નિવેદનો આપી રહ્યું છે. સરહાદ પાર ભારત વિરૂદ્ધ આતંકવાદીઓને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાન આર્થિક સહિતની તમામ મદદો પૂરી પાડે છે. તે આતંકવાદીઓને સ્વાતંત્ર્ય સેનાની માને છે અને ભારતના ઘરેલુ કાયદા, નીતિઓ અંગે ખોટી જાણકારી આપે છે.
માનવાધિકારના ઉલ્લંઘન મુદ્દે ઘેર્યું
તે સિવાય ભારતે બલુચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા અને પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન અને ધાર્મિક, સાંસ્કૃતિક અલ્પસંખ્યકો સાથે ભેદભાવને પણ રેખાંકિત કર્યો હતો. ભારતીય અધિકારીએ જણાવ્યું કે, 'ભારતમાં અલ્પસંખ્યક સમુદાયના લોકો ઉચ્ચ પદે બિરાજેલા છે અને તેમને સંપૂર્ણ સન્માન મળે છે. તેનાથી તદ્દન વિરૂદ્ધ પાકિસ્તાનમાં તેમના સાથે અત્યાચાર થાય છે. એક ધર્મશાસિત દેશ હોવાના નાતે પાકિસ્તાન માટે ભારતની ધર્મનિરપેક્ષતાને સમજવી મુશ્કેલ છે.'
સિંધવી જણાવ્યું કે, પાકિસ્તાને બીજાના સામે આંગળી ઉઠાવતા પહેલા પોતાના ભીતર જોવું જોઈએ અને પોતાની ખામીઓ સુધારવા ધ્યાન આપવું જોઈએ. લોકતાંત્રિક રીતે પસંદ કરવામાં આવેલી ભારત સરકાર અને તેના નેતાઓ વિરૂદ્ધ ઝેર ઓકે રાખવાથી કશું જ નહીં મળે.