- 2025માં એઆઈની તેજી મસ્ક, બેઝોસને ફળી
- મસ્કની નેટવર્થ 50 ટકા વધી 645 અબજ ડોલર થઈ, ગૂગલના લેરી પેજ 270 અબજ ડોલર સાથે નં-2 પર પહોંચ્યા
કેલિફોર્નિયા : વર્ષ ૨૦૨૫માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અનેક નવી શોધ જોવા મળી હતી. જેનો સીધો ફાયદો અમેરિકાના ટેક અબજોપતિઓને થયો હતો. શેરબજારમાં ટેક શેરોમાં તેજીના કારણે તેમની સંપત્તિમાં અડધા ટ્રિલિયન ડોલરથી વધુનો ઉમેરો થયો છે. એજન્સીના આંકડા મુજબ, વિશ્વની મોટી ટેકનોલોજી કંપનીઓના ટોચના ૧૦ યુએસ ફાઉન્ડર્સની નેટવર્થ ૨૪ ડિસેમ્બરે ૨.૫ ટ્રિલિયન ડોલર પહોંચી હતી. જે એક વર્ષ અગાઉ ૧.૯ ટ્રિલિયન ડોલર હતી.
એઆઈની રેસમાં સૌથી વધુ ફાયદો ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્કને મળ્યો છે. તેમની નેટવર્થ વાર્ષિક ધોરણે લગભગ ૫૦ ટકા વધીને ૬૪૫ અબજ ડોલર થઈ ગઈ છે. આ વર્ષે તેઓ ૫૦૦ અબજ ડોલરથી વધુની નેટવર્થ ધરાવનાર પહેલા વ્યક્તિ બન્યા હતા. જાણકારોના મતે, ટેસ્લાની સેલ્સમાં સુધારો થતાની સાથે જ તેઓ વિશ્વના પહેલા ટ્રિલ્યોનેર બની શકે છે. ગૂગલના લેરી પેજ ૨૭૦ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા નંબર પર રહ્યાં હતાં. તેમની સંપત્તિમાં લગભગ ૧૦૨ અબજ ડોલરનો વધારો થયો હતો.
ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનની સંપત્તિમાં ૯૨ અબજ ડોલરનો વધારો થયો હતો. ઈન-હાઉસ ચિપ બનાવવાના પ્રયાસો સાથે શરૂ કરવામાં આવેલી ટેન્સર પ્રોસેસિંગ યુનિટ ગૂગલ માટે ફાયદાકારક રહી હતી. એમેઝોનના જેફ બેઝોસ ૨૫૫ અબજ ડોલર સાથે ત્રીજા નંબર પર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, એમેઝોનનું એડબ્લ્યુએસ વિશ્વનું સૌથી મોટું એઆઈ હોસ્ટિંગ પ્લેટફોર્મ છે. ચિપમેકર એનવીડિયાના ચીફ એક્ઝિક્યુટિવ જેન્સન હુઆંગને પણ એઆઈ તેજીનો ફાયદો મળ્યો હતો.તેમના રોકાણો, ઈક્વિટી અને અન્ય સંપત્તિનું મૂલ્ય ૪૧.૮ અબજ ડોલર વધ્યું હતું. તેમની સંપત્તિ ૧૫૯ અબજ ડોલર થઈ હતી.
હુઆંગ યુએસ ટેક અબજોપતિની લિસ્ટમાં આઠમાં સ્થાને પહોંચ્યા હતા. તેમણે આ વર્ષે ૧ અબજ ડોલરના શેર્સ વેચ્યા હતા. માર્ક ઝકરબર્ગને એમેટાવર્સ એઆઈનો ફાયદો મળ્યો હતો. તેમની કંપની મેટા એઆઈ રિસર્ચ પર ભાર મૂકી રહી છે. આ ઉપરાંત ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયા સાઈટ્સ પર એઆઈ પાવર્ડ અલ્ગોરિધમ એડ સેલ્સમાં વધારો કરી રહ્યાં છે. ૨૦૨૫માં એઆઈ રોકાણોમાં એટલો ફાયદો થયો હતો કે, બેંક ઓફ ઈંગ્લેન્ડે કરેક્શનની ચેતવણી આપી હતી.
સિલિકોન વેલીના બિલ્યેનેર્સ
|
ઈલોન મસ્ક |
૬૪૫ અબજ ડોલર |
|
લેરી પેજ |
૨૭૦ અબજ ડોલર |
|
જેફ બેઝોસ |
૨૫૫ અબજ ડોલર |
|
સર્ગેઈ બ્રિન |
૨૫૧ અબજ ડોલર |
|
લેરી એલિસન |
૨૫૧ અબજ ડોલર |
|
માર્ક ઝકરબર્ગ |
૨૩૬ અબજ ડોલર |
|
સ્ટીવ બાલ્મર |
૧૭૦ અબજ ડોલર |
|
જેન્સન હુઆંગ |
૧૫૬ અબજ ડોલર |
|
માઈકલ ડેલ |
૧૪૧ અબજ ડોલર |
|
બિલ ગેટ્સ |
૧૧૮ અબજ ડોલર |


