Get The App

ટ્રમ્પના હઠાગ્રહને કારણે અમેરિકામાં સૌથી લાંબુ શટડાઉન, મહત્ત્વપૂર્ણ સેવાઓ ખોરવાઈ ગઇ

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના હઠાગ્રહને કારણે અમેરિકામાં સૌથી લાંબુ શટડાઉન, મહત્ત્વપૂર્ણ સેવાઓ ખોરવાઈ ગઇ 1 - image


Donald Trump and USA Shutdown : અમેરિકન પ્રશાસનનું શટડાઉન 37માં દિવસમાં પ્રવેશીને દેશના ઈતિહાસની સૌથી લાંબુ શટડાઉન બની ગયું છે. આ શટડાઉનના પગલે મહત્વપૂર્ણ સેવાઓ લકવાગસ્ત થઈ ગઈ છે, લાખો ફેડરલ કર્મચારીઓનો પગાર બંધ થઈ ગયો છે અને વ્યાપક વિક્ષેપ સર્જાયો છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આરોગ્ય વીમા સબ્સિડી રિન્યુ કરવા માટે ડેમોક્રેટ્સ સાથે સરકાર ફરી શરૂ કરવા સહમત થાય ત્યાં સુધી વાટાઘાટ કરવાની ઈન્કાર કરવાથી આ મડાગાંઠ સર્જાઈ છે. ડેમોક્રેટ્સને ટ્રમ્પના આશ્વાસનો પર વિશ્વાસ નથી, ખાસ કરીને તેમના પ્રશાસને નબળા વર્ગના નાગરિકોની સુરક્ષા માટે કોર્ટના નિર્દેશો છતાં એસએનએપી ખાદ્ય સહાયમાં ઘટાડો કર્યો તેનાથી તેઓ નારાજ છે.

આ ગતિરોધ વચ્ચે ટ્રમ્પ અલિપ્ત રહ્યા છે અને તેમણે રિપબ્લિકન સેનેટરો સુધી વાતચીત સીમિત રાખી છે જ્યારે ડેમોક્રેટ્સ સાથે સીધી વાત કરવાનું ટાળ્યું છે. એમી ક્લોબુચર સહિતના હતાશ સેનેટરોએ પ્રશાસનને આ અરાજકતા બંધ કરવા અને વાટાઘાટ શરૂ કરવાની વિનંતી કરી છે. મધ્યવાદી સેનેટરોનું દ્વિપક્ષીય જૂથ આ ગતિરોધ ઉકેલવા માટે પડદા પાછળ કામ કરી રહ્યું છે. પરંતુ ડમોક્રેટ્સે વર્જિનિયા, ન્યુ જર્સી અને ન્યુ યોર્કમાં મંગળવારની ઓફ-યર ચૂંટણીઓમાં મોટી જીત મેળવીને રિપબ્લિકન પર રાજકીય દબાણ વધાર્યું છે જે વાટાઘાટોને નવો આકાર આપી શકે છે.

આ ગતિરોધ દિવાલ ભંડોળ પર ટ્રમ્પના 2019ના શટડાઉનની યાદ અપાવે છે. જો કે આ વખતે બંને કોંગ્રેસી ચેમ્બરો ઊંડી રીતે વિભાજીત છે. ગૃહના સ્પીકર માઈક જોન્સને વધુ વાતચીતનો ઈન્કાર કરીને એકપક્ષીય ભંડોળ બિલ પસાર કરીને સેનેટરોની અવગણના કરી છે. દરમ્યાન ખાદ્ય સહાય, બાળ સંભાળ અને હવાઈ ટ્રાફિક સેવાઓ જેવા જરૂરી કાર્યક્રમો વિક્ષેપિત થયા છે, કેટલાક ફેડરલ કર્મચારીઓને રજા આપવામાં આવી છે તો કેટલાકને ચૂકવણી કરવામાં નથી આવી. પરિવહન સચિવ સીન ડફીએ ચેતવણી આપી છે કે પગારમાં સતત વિલંબ વ્યાપક અરાજકતા સર્જી શકે છે, જ્યારે યુનિયનો સરકારી કાર્યોને પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલા લેવાની માગણી કરી રહ્યા છે.

સેનેટના બહુમતી નેતા જોન થુને આ શટડાઉનને સૌથી ગંભીર તેમજ રાજકીય રીતે અર્થહીન ગણાવ્યો છે. સેનેટર સુસાન કોલિન્સ, જીએન શાહીન અને અન્યોના નેતૃત્વમાં થઈ રહેલા પ્રયાસોનો હેતુ નાના દ્વિપક્ષીય ફંડિંગ બિલ દ્વારા સામાન્ય ફાળવણી શરૂ કરવાનો છે પણ એફોર્ડેબલ કેર એક્ટ સબ્સિડીનો મૂળ મુદ્દો હજી વણઉકેલાયેલો રહ્યો છે. લાખો લોકો વધતા વીમા પ્રીમિયમનો સામનો કરી રહ્યા છે. બંને પક્ષો સ્વીકારે છે કે સરકારને ફરીથી ખોલવી  નાજુક સમાધાન પર આધારીત છે જે હજી સુધી શોધી શકાયું નથી.

Tags :