Get The App

અમેરિકનો હવે બાથરૂમના ફૂવારામાં શાંતિથી સ્નાન કરી શકશે : ટ્રમ્પનું નવું ફરમાન

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકનો હવે બાથરૂમના ફૂવારામાં શાંતિથી સ્નાન કરી શકશે : ટ્રમ્પનું નવું ફરમાન 1 - image


- શાવરહેડમાં પ્રતિ મિનિટ 2.5 ગેલન પાણીનો નિયમ હતો

- પાણી પ્રેશરથી આપવાના બાઇડેન-ઓબામા કાળના નિયમોને ટ્રમ્પે હટાવતા કરોડો લોકોને રાહત થશે

Donald trump News : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાવરહેડ અને અન્ય હોમ એપ્લાયન્સીસ પર પાણીના પ્રેશર પર લાગેલી લિમિટ ખતમ કરવાના એકિઝ્ક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે. ટ્રમ્પે  વ્હાઇટ હાઉસમાં તેના અંગેના દસ્તાવેજ પર સહી કરતાં જણાવ્યું હતું કે હું મારા સુંદર વાળનું ધ્યાન રાખવા માટે સારામાં સારો શાવર લેવા ઇચ્છીશ. મારી સંપૂર્ણપણે પલળવા માટે શાવર નીચે ૧૫ મિનિટ સુધી ઊભા રહેવું પડતું હતું. 

તેનું કારણ એ હતું કે પાણીના પ્રેશરના નિયમોના લીધે શાવરમાં પાણી ધીમુ આવતું હતું. આ ઘણા બેહૂદા નિયમ હતા.

આ અંગે જારી કરવામાં આવેલી ફેક્ટશીટમાં જણાવાયું હતું કે આ આદેશ અમેરિકનોને વધુ પડતા નિયંત્રણોથી મુક્ત કરશે. આ નિયમોના લીધે લોકો માટે હોમ એપ્લાયન્સીસનો ઉપયોગ દુસ્વપ્ન સમાન બની ગયો હતો. 

ટ્રમ્પે વોટર-પ્રેશર પર ઓબામા-બાઇડેન વોરને ખતમ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેની સાથે અમેરિકન શાવરને ફરીથી મહાન કરવાની વાત કહી હતી. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે આપણને હવે આ પ્રતિબંધોથી છૂટકારો મળવા જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે એવી ઘણી જગ્યા છે જ્યાં બહુ પાણી છે. લોકો તે જોઈ ઘર ખરીદે છે, પણ સિન્ક ખોલે છે ત્યાં માંડ-માંડ પાણી આવે છે. નહાવા જાય તો માંડ-માંડ પાણી આવે છે. આ બિનજરૂરી પ્રતિબંધો છે.

આ આખો કિસ્સો એવો છે કે અમેરિકામાં 1992માં ઉર્જા નીતિ અધિનિયમ (એનર્જી પોલિસી એક્ટ)ને પસાર કરવામાં આવ્યો હતો. તેના હેઠળ શાવરહેડમાં પાણીનો પ્રવાહ પ્રતિ મિનિટ ૨.૫ ગેલન સુધી સીમિત કરી દેવાયો હતો. તેનો હેતુ પાણી અને ઉર્જાની બચત કરવાનો હતો. 

ટ્રમ્પ પ્રારંભથી જ તેના ટીકાકાર હતા. તેમણે જણાવ્યું હતું કે ઓછા પ્રેશરથી આવતા પાણીના લીધે લોકો નાહી શકતા નથી. મને પણ વાળ ધોવામાં તકલીફ પડતી હતી. તેમણે ૨૦૧૯ અને ૨૦૨૦માં ઘણી રેલીઓમાં તેનેા અંગે મજાકભર્યા અંદાજમાં જણાવ્યું હતું કે અમેરિકનોએ દસ વખત શાવર લેવું પડે છે, કેમકે પાણીની ધાર ઘણી ધીમી છે. ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં પણ આ નિયમોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમા તેમને સફળતા મળી ન હતી. આ વખતે પણ તેમણે મેક અમેરિકા શાવર ગ્રેટ અગેઇનનો નારો આપ્યો હતો. 

Tags :