82% અમેરિકનના મતે ભારતીયો 'મતલબી', ફક્ત આર્થિક તકોનો લાભ લે છે, મેક્સિકન આપણાં કરતાં સારા!
Indian in USA : અમેરિકામાં તાજેતરમાં થયેલો સરવે ત્યાં કાયદેસર રહેતાં ભારતીયો માટે ઘણો ચોંકાવનારો છે. તેની સાથે આ સરવે અમેરિકામાં ભારતીયો માટેના ચિંતાજનક ભવિષ્યનો પણ સંકેત પાઠવે છે. તાજેતરના સરવેમાં સામેલ 82 ટકા અમેરિકનોએ જણાવ્યું છે કે તે કાયદેસર રીતે રહેતા ભારતીયો કરતાં ગેરકાયદેસર રીતે રહેતા મેક્સિકનોને વધારે પસંદ કરે છે. ભારતીયો તેમની હાઈ સ્કીલ્ડ જોબ્સ લઈ લે છે.
આ દર્શાવે છે કે અમેરિકનોમાં પ્રબળ માન્યતા છે કે કાયદેસર રીતે આવતા ભારતીયો તેમની હાઈસ્કીલ્ડ જોબ્સ લઈ લે છે. તેની સામે ગેરકાયદેસર રીતે રહેતા મેક્સિકનો ઉપરથી તેમની લો-સ્કીલ્ડ વર્કફોર્સની માંગ પૂરી કરે છે.
ઘણા લોકો આની પાછળ મેક્સિકો સાથેના સાંસ્કૃતિક જોડાણને પણ કારણભૂત ગણાવે છે. મેક્સિકો અને અમેરિકન સંસ્કૃતિમાં ખાસ તફાવત નથી. તેની સાથે મેક્સિકનો અમેરિકન સમાજમાં તરત જ ભળી જાય છે. તેનાથી વિપરીત ભારતીયો પોતાના જ ગુ્રપમાં રહે છે અને અમેરિકન સંસ્કૃતિને અપનાવતા નથી.
ભારતીયો પ્રત્યે અમેરિકનોનો આ ધિક્કાર દરેક સ્થળે ઉડીને આંખે વળગે છે. બીજું એક કારણ આર્થિક હોવાનું પણ મનાય છે. આજે અમેરિકામાં કાયદેસર રીતે વસતા ભારતીય માટે દસ લાખ ડોલરનું ઘર ખરીદવું સરળ છે. તેનાથી વિપરીત અમેરિકન માટે આ વાત સ્વપ્નવત્ છે. ભારતીયોના મોંઘા ઘરો અને ટેસ્લા જેવી મોંઘી કારોની માલિકીએ પણ ભારતીયો પ્રત્યેના ધિક્કારમાં વધારો કર્યો છે. આ લાગણીમાં વધારો કરવાનું એક કારણ ભારતીયો દ્વારા કરવામાં આવતું સંપત્તિનું વરવું પ્રદર્શન તથા દરેક પ્રસંગોએ લઈને કરવામાં આવતો ઘોંઘાટ છે. પછી તે હિન્દી ફિલ્મ હોય કે તહેવારોની ઉજવણી હોય. અમેરિકનોના મતે આ બધુ અમેરિકન સંસ્કૃતિમાં ફિટ બેસતું નથી. આના લીધે અમેરિકનોના ભારતીયો સામેના આક્રોશ અને ઇર્ષાનો અહીં સમન્વય થાય છે.
આ સરવે અમેરિકન સમાજની અંદર ભારતીયોને અલગ પાડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ટ્રમ્પ દ્વારા સૌથી વધારે પ્રમાણમાં હકાલપટ્ટી મેક્સિકનોની થનારી છે. અમેરિકામાં સૌથી વધારે પ્રમાણમાં ગેરકાયદેસર રીતે રહેતા હોય તો તે મેક્સિકનો રહેતા હોવાનું કહેવાય છે. બાઇડેને અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યું પછી લગભગ એક કરોડ જેટલા માઇગ્રન્ટ્સને રોકવામાં આવ્યા તેમાથી ૮૦ લાખ જેટલા તો મેક્સિકો સાથેની દક્ષિણપશ્ચિમ સરહદે રોકવામાં આવ્યા હતા. આમ છતાં ભારતીયોને અમેરિકનો પસંદ કરતાં નથી તે આજની વરવી હકીકત છે.
જો કે કેટલાય લોકોએ આ પ્રકારના સરવેને એક સમાજની સામે બીજા સમાજને મૂકીને ધિક્કાર ફેલાવતો ગણાવીને તેની ટીકા કરી હતી અને તેને વાહિયાત ગણાવ્યો હતો. તેની સાથે જણાવ્યું હતું કે ફક્ત ૪૮ હજાર અમેરિકનોનો મત આખા અમેરિકાનો અભિપ્રાય ન હોઈ શકે.