World

અમેરિકન ટેક કંપની બ્લોકમાં એઆઈના કારણે 4000 કર્મચારીઓની છટણી

By GS TEAM
1 Mar 20262 mins read
અમેરિકન ટેક કંપની બ્લોકમાં એઆઈના કારણે 4000 કર્મચારીઓની છટણી

- કંપનીએ 10 હજાર કર્મચારીઓમાંથી ઘટાડીને છ હજાર કર્યા

- અમે વિકસાવેલા એઆઈ ટૂલથી નાની ટીમ વધુ સારી રીતે કામ કરી હોવાથી કર્મચારીઓ ઘટાડયા : સીઈઓ જેક ડોર્સી

ન્યૂયોર્ક : દુનિયાની ટોચની ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતી થઈ હોવાથી કર્મચારીઓની છટણીનો સિલસિલો શરૂ થયો છે. એમેઝોન, મેટા, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ છેલ્લાં એક વર્ષમાં ઘણાં કર્મચારીઓને હાંકી કાઢ્યા છે. કર્મચારીઓની છટણી કરનારી કંપનીઓમાં વધુ એકનો ઉમેરો થયો છે.

ઓનલાઈન ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની બ્લોકમાં ૧૦ હજાર કર્મચારીઓ કામ કરતા હતા, પરંતુ કંપનીએ ખૂબ જ અસરકારક કામ કરતું એઆઈ ટૂલ વિકસાવી લીધું હોવાથી ૪૦૦૦ કર્મચારીઓની છટણીનો નિર્ણય કર્યો છે. કંપનીના સહસ્થાપક અને સીઈઓ જેક ડોર્સીએ જાહેરાત કરતા કહ્યું, અમે બનાવેલું ઈન્ટેલિજન્સ ટૂલ નાની ટીમથી પણ અસરકારક કામ કરે છે અને દર સપ્તાહે તેની કામની ઝડપ વધી રહી છે. તેના કારણે અમે સ્ટાફ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. અમે નાની પરંતુ ખૂબ જ પ્રતિભાશાળી ટીમથી વધારે ઝડપી કામ કરી રહ્યા છીએ અને વધારેમાં વધારે કામ ઓટો મોડ પર થઈ રહ્યું છે.

જેક ડોર્સીએ તો ત્યાં સુધી કહ્યું કે કંપની સામે કોઈ આર્થિક પડકાર સર્જાયો નથી. કંપની નફો કરી રહી છે. બિઝનેસ મજબૂત થયો છે. બિઝનેસ વધી પણ રહ્યો છે. પરંતુ અમે માળખાગત ફેરફાર કરવા માંગીએ છીએ એટલે આ નિર્ણય લીધો છે.  ડોર્સીએ ઉમેર્યું, મને લાગે કે ઘણી કંપની આ બાબતે ખૂબ મોડી પડી છે. હું માનું છું કે એક વર્ષની અંદર મોટાભાગની કંપની અમે જે તારણ પર પહોંચીને નિર્ણય લીધો છે એવો જ નિર્ણય લેશે. અમે એઆઈ ટૂલ્સ બેઝ્ડ નાની ટીમનું જે માળખું બનાવ્યું તેમાં અમે આગળ છીએ. ઘણી કંપનીઓ આવું સ્ટ્રક્ચર બનાવશે. સીઈઓની આ જાહેરાતની પોઝિટિવ અસર થઈ હતી અને કંપનીના શેરમાં ૨૪ ટકાનો વધારો નોંધાયો હતો.

- ઓક્ટોબર-૨૦૨૫માં બ્લોક કંપનીની સ્થાપનાને ૧૬ વર્ષ થયાં ત્યારે ઓકલેન્ડમાં ત્રણ દિવસીય એક્સપિરિમેન્ટલ  કોન્ફરન્સનું આયોજન થયું હતું. એ એક જ ઈવેન્ટ પાછળ કંપનીએ ૬.૮ કરોડ ડોલરનો માતબર ખર્ચ કરી નાખ્યો હતો.

- ૨૦૨૪માં ૨૪.૧૨ અબજ ડોલર રેવન્યૂ ધરાવતી બ્લોક કંપનીની વાર્ષિક આવક ૨ અબજ ડોલર છે. કંપની ૩૬ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે.