વ્હાઈટ હાઉસ નજીક હુમલાને આતંકી ઘટના ગણાવતા ટ્રમ્પે અફઘાની નાગરિકોની 'એન્ટ્રી' બૅન કરી

Donald trump White House shooting: અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની બહાર બુધવારે થયેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર અમેરિકામાં સનસનાટી ફેલાવી દીધી છે. એક શૂટરે ત્યાં તૈનાત બે નેશનલ ગાર્ડના સભ્યોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. વળતા જવાબમાં સુરક્ષા દળોએ હુમલાખોરને પણ ઘાયલ કરીને કસ્ટડીમાં લઈ લીધો છે. આ ઘટના બાદ ટ્રમ્પે ગુસ્સો વ્યક્ત કરતા આરોપીને 'જાનવર' કહ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આ આતંકી હુમલો જ હતો.

શૂટરની ઓળખ અને આતંકી હુમલાની આશંકા
અહેવાલ મુજબ, શૂટરની ઓળખ 29 વર્ષીય રહેમાનુલ્લાહ લખનવાલ તરીકે થઈ છે, જે અફઘાન મૂળનો છે અને 2021માં અમેરિકા આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં, એફબીઆઈ (FBI) આ મામલાની તપાસ આતંકવાદી હુમલાના એંગલથી કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જે કથિત રીતે વ્હાઇટ હાઉસ ગોળીબારના આરોપીની હોવાનું કહેવાય છે.
હુમલો કેવી રીતે થયો?
ડીસીના મેયર મ્યુરિલ બાઉઝરે જણાવ્યું કે આરોપીએ આ હુમલો નિશાન બનાવીને (ટાર્ગેટેડ એટેક) કર્યો હતો. ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી વ્હાઇટ હાઉસની સામે ટહેલી રહ્યો હતો અને અચાનક એક વળાંક પર ઉભો રહીને તેણે હેન્ડગન કાઢીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ગોળીબારનો ભોગ બનેલા બંને નેશનલ ગાર્ડના સભ્યોને માથામાં ગોળી વાગી છે, જેના કારણે તેમની હાલત અત્યંત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
FBI ચીફે ઘટનાસ્થળની મુલાકાત લીધી
આ ઘટના બાદ એફબીઆઈના વડા કાશ પટેલે ઘટનાસ્થળ પર પહોંચીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને મામલાની તપાસ ચાલી રહી છે. હુમલા પાછળનો તેનો હેતુ શું હતો તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાએ અમેરિકાની રાજધાનીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વ્હાઇટ હાઉસની બહાર થયેલા ગોળીબાર બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રોશ વ્યક્ત કરતા હુમલાખોરને 'જાનવર' ગણાવ્યો છે અને આ હુમલા માટે પૂર્વવર્તી જો બાઈડન સરકારને જવાબદાર ઠેરવી છે. આ ઘટનાના ગંભીર પડઘા પડ્યા છે અને અમેરિકન સરકારે તાત્કાલિક અસરથી અફઘાન નાગરિકોની તમામ ઇમિગ્રેશન અરજીઓ સ્થગિત કરી દીધી છે.
'અફઘાનિસ્તાન ધરતી પર બનેલું એક નર્ક'
મોડી રાત્રે પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો કે, "આ શંકાસ્પદ હુમલાખોરને સપ્ટેમ્બર 2021માં બાઈડન સરકાર 'નર્ક જેવા અફઘાનિસ્તાન'માંથી અમેરિકા લાવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીને પૂરો ભરોસો છે કે કસ્ટડીમાં લેવાયેલો શંકાસ્પદ એક વિદેશી નાગરિક છે. અફઘાનિસ્તાન ધરતી પર બનેલું એક નર્ક છે."
આ પહેલા, ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પોસ્ટમાં હુમલાખોરને 'જાનવર' ગણાવતા કહ્યું હતું કે તેને "ખૂબ ભારે કિંમત ચૂકવવી પડશે". તેમણે હુમલાવરને કાબૂમાં લેનાર નેશનલ ગાર્ડના જવાનોની પ્રશંસા પણ કરી હતી. ટ્રમ્પે માંગ કરી હતી કે બાઈડન સરકારના કાર્યકાળમાં અમેરિકા આવેલા તમામ અફઘાન નાગરિકોની ફરીથી તપાસ થવી જોઈએ અને તેમણે શરણાર્થીઓને "આપણા અસ્તિત્વ માટે જોખમ" ગણાવ્યા હતા.
'એકલો અને અચાનક કરેલો હુમલો'
મેટ્રોપોલિટન પોલીસ વિભાગના કાર્યકારી સહાયક પ્રમુખ જેફરી કેરોલે જણાવ્યું કે આ હુમલો 'અચાનક અને સંપૂર્ણપણે ઇરાદાપૂર્વક' કરવામાં આવ્યો હોવાનું જણાય છે. તેમણે કહ્યું, "એવું લાગે છે કે આ એકલો હુમલાખોર હતો, જેણે અચાનક હથિયાર ઉઠાવીને નેશનલ ગાર્ડના જવાનો પર ઘાત લગાવીને હુમલો કર્યો." કેરોલે જણાવ્યું કે હુમલાખોરે પહેલા ગોળી ચલાવી હતી, જેના જવાબમાં પોલીસ અને ગાર્ડના જવાનોએ કાર્યવાહી કરી.
અફઘાન નાગરિકોની ઇમિગ્રેશન અરજીઓ સ્થગિત
આ હુમલા બાદ અમેરિકાના નાગરિકતા અને ઇમિગ્રેશન સેવા વિભાગ (USCIS) એ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે વોશિંગ્ટન ડીસીમાં થયેલા આ હુમલાને પગલે, અફઘાન નાગરિકો સંબંધિત તમામ ઇમિગ્રેશન અરજીઓને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી રહી છે.

