- અમેરિકાનાં પાટનગરનાં આકાશમાં
- પેસેન્જર જેટ, મિલિટરી ચોપર બન્ને વોશિંગ્ટન પાસે વહેતી પોટોમેક રિવરમાં એરપોર્ટ પાસે તૂટી પડયાં
વોશિંગ્ટન, (ડીસી) : કન્સાસ રાજ્યનાં વિચિટા શહેરના એરપોર્ટ પરથી ઉપડેલુ ૬૦ પેસેન્જર્સ સાથેનું પીએસએ એરલાઇન્સનું બોમ્બાર્ડાયર, સીઆરજે ૭૦૦ જેટ વિમાન, રીગન નેશનલ એરપોર્ટ ઉપર ઉતરવા જતું હતું ત્યારે યુએસ આર્મીનાં સિકોરસ્કી એચ-૬૦, બ્લેક હૉક ઓવર સાથે અથડાતાં બંને વિમાનો તૂટી પડયાં હતાં અને પાટનગર પાસેની પોટોમેક રિવરમાં તૂટી પડયા હતાં.
આ અંગે કન્સાસના સેનેટર રોજર માર્શલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે રાત્રે અમોને એક વિનાશક સમાચાર મળ્યા છે. જે એક ભયંકર દુ:સ્વપ્નથી જરા પણ કમ નથી. વિચિટાથી ઉપડેલું ૬૦ પેસેન્જર્સ સાથેનું વિમાન, મિલિટરીનાં હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. આ સાથે અમારી ઈશ્વરને પ્રાર્થના છે કે, તમામ સદ્ગતોને તેઓ તેમના બાહુપાશમાં લઈ લે. અમારી પ્રાર્થનાઓ અને અમારી ભાવનાઓ સદ્ગતો માટે છે. તેઓનાં કુટુંબીજનોના આશ્વાસન માટે છે.
સહજ રીતે જ અમેરિકાનાં નેશનલ ડિઝાસ્ટર ફોર્સ વગેરે બચાવ કાર્યમાં વ્યસ્ત બની ગયા છે. જ્યારે ફેડરલ એવીએશન એડમિનિસ્ટ્રેશન (એફ.એ.એ.) દ્વારા આ દુર્ઘટનાનાં કારણો શોધવા તપાસ શરૂ કરી દીધી છે. છેલ્લે મળેલી માહિતી પ્રમાણે ૧૮ શબ મેળવી શકાયા છે. પોટોમેક રિવરમાં મૃતદેહોની શોધ ચાલે છે.


