તણાવના માહોલ વચ્ચે અમેરિકી સુરક્ષાકર્મીઓએ હ્યુસ્ટન ખાતેનું ચીની દૂતાવાસ કબજામાં લીધું
હ્યુસ્ટન પોલીસે બેરિકેડ્સ લગાવી ચાર દશકાથી ચીન સરકારના કબજામાં રહેલી ઈમારત પાસેના રસ્તાઓ બંધ કરી દીધા
વોશિંગ્ટન, તા. 25 જુલાઈ 2020, શનિવાર
અમેરિકાના હ્યુસ્ટન શહેર ખાતે આવેલા ચીની વાણિજ્ય દૂતાવાસને શનિવારે સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. ચાર દશકા પહેલા ખુલેલા આ દૂતાવાસને પહેલી વખત આ રીતે બંધ કરાવવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ હ્યુસ્ટન ખાતેના ચીની દૂતાવાસને બંધ કરવા આદેશ આપ્યો હતો અને અમેરિકી એજન્ટ્સે દૂતાવાસની અંદર ઘૂસીને તેને બંધ કરાવી દીધું હતું. ત્યાર બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે પહેલેથી જ કોરોના વાયરસના નિયંત્રણને લઈ વાકયુદ્ધ ચાલી રહ્યું છે.
એક અહેવાલ પ્રમાણે અમેરિકાએ ચીનને 72 કલાકની અંદર હ્યુસ્ટન ખાતેનું પોતાનું વાણિજ્ય દૂતાવાસ બંધ કરવા જણાવ્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ લગાવેલા આરોપ પ્રમાણે તે જાસૂસી અને બૌદ્ધિક સંપત્તિની ચોરી માટેનું એક કેન્દ્ર છે. અમેરિકાના ટોચના અધિકારીઓએ વાણિજ્ય દૂતાવાસ પર અમેરિકામાં બેઈજિંગના જાસૂસી અભિયાનોમાં સામેલ થવાનો આરોપ પણ લગાવ્યો હતો.
હ્યુસ્ટનમાં વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાના અમેરિકાના નિર્ણય પર પલટવાર કરતા ચીને શુક્રવારે ચેંગદૂ ખાતેનું અમેરિકી મહાવાણિજ્ય દૂતાવાસ બંધ કરવા આદેશ આપ્યો હતો. દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપતી વખતે ચીને અમેરિકા પર પોતાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
ટ્રમ્પ પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદા સમાપ્ત થાય તેના એક કલાક પહેલા જ વાણિજ્ય દૂતાવાસ પર લાગેલા ચીની ઝંડા અને સીલ હટાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમેરિકી અધિકારીઓએ ઈમારતને કબજામાં લઈ લીધી હતી. વહેલી સવારે વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓ ઈમારતમાંથી પોતાનો સામાન દૂર કરતા જોવા મળ્યા હતા.
આ તરફ આશરે 30 જેટલા પ્રદર્શનકારીઓ બેનર સાથે વાણિજ્ય દૂતાવાસની બહાર ઉજવણી કરતા જોવા મળ્યા હતા. દૂતાવાસને બંધ કરવા માટે આપવામાં આવેલી સમય મર્યાદા સમાપ્ત થાય તેના પહેલા હ્યુસ્ટન પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા હતા અને ચાર દશકાથી ચીન સરકારના કબજામાં રહેલી ઈમારત પાસેના રસ્તાઓ બંધ કરી દીધા હતા. પોલીસે વાણિજ્ય દૂતાવાસની ઈમારતની ચારે બાજુ સુરક્ષા વધુ સઘન બનાવી દીધી છે.
અમેરિકાએ બુધવારે હ્યુસ્ટન ખાતે આવેલા ચીનના વાણિજ્ય દૂતાવાસને બંધ કરવા આદેશ આપ્યો હતો તથા અમેરિકન્સની બૌદ્ધિક સંપત્તિ અને ખાનગી માહિતીની રક્ષા કરવાના ઉદ્દેશ્ય્થી આ પગલું ભરવામાં આવ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી. અમેરિકાના આ પગલા અંગે પ્રતિક્રિયા આપતી વખતે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વિનબેને તેને તણાવમાં અનઅપેક્ષિત વધારો કરનારૂં ઠેરવીને જવાબી ઉપાય અજમાવવાની ચેતવણી આપી હતી.