For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકા 100 દિવસમાં એક લાખ વેન્ટિલેટર તૈયાર કરશે, ભારત જેવા દેશોને પણ આપશે

- ડિફેન્સ પ્રોડક્શન એક્ટ લાગુ કરી જથ્થાબંધ ઉત્પાદન શરૂ કરાવ્યું

- અમેરિકામાં કોરોના મોટે પાયે ફેલાયા પછી હવે ટ્રમ્પને ડહાપણ સુઝ્યું : ભારતમાં પણ વેન્ટિલેટરનું ઉત્પાદન પુરજોશમાં

Updated: Mar 28th, 2020

અમેરિકા 100 દિવસમાં એક લાખ વેન્ટિલેટર તૈયાર કરશે, ભારત જેવા દેશોને પણ આપશે

વૉશિંગ્ટન, તા. 28 માર્ચ 2020, શનિવાર

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હવે કોરોના વિશે ઝડપથી નિર્ણયો લેવાની શરૂઆત કરી છે. આજે તેમણે જણાવ્યું હતુ કે અમેરિકા ૧૦૦ દિવસમાં ૧ લાખ વેન્ટિલેટર તૈયાર કરશે. એટલું જ નહીં જરૂરિયાતમંદ દેશોને પણ આ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સામગ્રી પૂરી પાડવામાં આવશે. કોરોના સામેની લડતમાં સારવાર માટે વેન્ટિલેટર બહુ મહત્ત્વના છે, પરંતુ તેનો જથ્થો પૂરતો નથી. ભારતમાં મારુતિ સુઝૂકી, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ વગેરે કંપનીઓે પોતાના મૂળ ઉત્પાદનો બાજુ પર રાખી વેન્ટિલેટર પ્રોડક્શનની શરૂઆત કરી દીધી છે.

અન્ય પ્રકારના ઉત્પાદનો કરતી કંપનીઓ પણ વેન્ટિલેટર ઉત્પાદન કરતી થાય એટલા માટે અમેરિકામાં ડિફેન્સ પ્રોડક્શન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. એ પછી ફોર્ડ અને જનરલ મોટર્સ જેવી કંપનીઓ પણ આવી મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરતી થઈ ગઈ છે. આ કાનૂન હેઠળ સરકાર અમુક કંપનીઓને જરૂરિયાતની ચીજો ઉત્પાદિત કરવાનો હુકમ આપી શકે છે. 

 ટ્રમ્પે કહ્યું હતુ કે મેં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે વાત કરી ત્યારે તેમણે પણ વેન્ટિલેટરની અછત હોવાનું જણાવ્યું હતું. એ રીતે અન્ય દેશો પણ વેન્ટિલેટરની અછતથી પીડાઈ રહ્યા છે.

અમેરિકામાં લગભગ દસેક કંપનીઓને વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ચીજોના ઉત્પાદન માટે કામે લગાડી દેવાઈ છે. સ્થિતિની ગંભીરતા જોતા વર્ષો પછી અમેરિકામાં ડિફેન્સ પ્રોડક્શન એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. અલબત્ત, અમેરિકી પ્રમુખે નિર્ણયો લેવામાં ઘણુ મોડુ કર્યું હોવાની ફરિયાદો અમેરિકાના જ નિષ્ણાતો કરી રહ્યા છે. કોરોના અંગે જ્યારે પગલા ભરવાની જરૂર હતી ત્યારે ટ્રમ્પે નિર્ણયો લીધા નહીં, માટે દેશમાં રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

Gujarat