આતંક સામે લડવા અમેરિકા પાક.ની મદદ કરશે પણ તોયબાને યાદીમાંથી હટાવ્યું
- આતંકવાદને બક્ષવામાં નહીં આવે એવું કહેનારા અમેરિકાનું વિચિત્ર બિલ
- કાર્યવાહી માટેના બિલમાં માત્ર હક્કાની નેટવર્કને જ સામેલ કરાયું હોવાનો પાકિસ્તાનના અખબાર ડોનનો દાવો
મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ લશ્કરે તોયબાનો વડો
વોશિંગ્ટન, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર
અમેરિકાની બેવડી નીતી સામે આવી છે. એક તરફ અમેરિકાના સંરક્ષણ પ્રધાન કહે છે કે પાકિસ્તાનમાં આતંકવાદ મુદ્દે કાર્યવાહી નહીં થાય તો ભારતની સાથે મળીને અમે સૈન્ય ઓપરેશન કરીશુ. જોકે હવે અમેરિકન કોંગ્રેસમાં એક એવું બિલ રજુ કરવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાનને આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં છુટછાટ અપાઇ રહી છે.
પાકિસ્તાનના મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકાએ એક એવુ બિલ રજુ કર્યું છે કે જેમાં પાકિસ્તાનના આતંકી સંગઠનોમાંથી એક ખુંખાર સંગઠન લશ્કર-એ-તોયબાને કાર્યવાહીમાંથી બાકાત કરી નાખ્યું છે. પાકિસ્તાનના અખબાર ડોન દ્વારા જારી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના જેટલા પણ આતંકી સંગઠનો છે તેમાં કેટલાક વિરૃદ્ધ કાર્યવાહીની પાકિસ્તાનને છુટછાટ આપવામાં આવી છે. ખાસ કરીને આ સંગઠનોમાંથી લશ્કરે તોયબાને બાકાત કર્યું છે.
ડોન ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર અમેરિકા પાકિસ્તાનને પહેલા નાણાકીય સહાય કરવાની ના પાડી રહ્યું હતું, પણ હવે કેટલીક શરતો સાથે હવે તૈયાર થઇ ગયું છે. આ શરતમાં તેણે પોતે પીછેહઠ કરવી પડી છે. બિલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન જ્યાં સુધી હક્કાની નેટવર્ક વિરૃદ્ધ કોઇ કાર્યવાહી ન કરે ત્યાં સુધી તેને સહાય પેટે મોટી રકમ આપવામાં નહીં આવે. જોકે આતંકી સંગઠનોમાં લશ્કરે તોયબાને બાકાત રાખવામાં આવ્યું છે.
એટલે કે માત્ર હક્કાની નેટવર્કનું જ નામ આ યાદીમાં છે. જ્યારે ખરેખર સમગ્ર વિશ્વમાં લશ્કરે તોયબા નામના આતંકી સંગઠને હહાકાર મચાવ્યો છે. આ સંગઠનની રચના હાફીઝ સઇદ દ્વારા કરવામાં આવી હતી, જે મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. થોડા દિવસ પહેલા જ હાફીઝ સઇદ વિરૃદ્ધના આરોપો પાકિસ્તાને હટાવી લીધા હતા. અને તેને છોડી મુકવાની તૈયારી કરી લીધી છે.