અમેરિકા મિસાઈલ હુમલાથી બચવા માટે ગોલ્ડન ડોમ બનાવશે
- અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માટે 175 અબજ ડોલર ખર્ચાશે
- ઇઝરાયેલના આયર્ન ડોમ પરથી પ્રેરણા લીધી : ટ્રમ્પ તેમના કાર્યકાળ પહેલા યોજના પૂરી કરવા આતુર
વોશિંગ્ટન : ઇઝરાયેલની આયર્ન ડોમની સફળતાથી પ્રેરાઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે ગોલ્ડન ડોમ બનાવવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ચનો ખર્ચ ૧૭૫ અબજ ડોલર અંદાજે ૧૪.૫૨ લાખ કરોડ રુપિયા આવે તેમ માનવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ચીન અને રશિયા જેવા દેશો સામેના સંભવિત ભયથી દેશનું રક્ષણ કરવાનો છે. ગોલ્ડ ડોમ આયર્ન ડોમથી અનેક ગણું વધુ મજબૂત હશે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જાહેરાત કરી હતી કે તેમણે પ્રોજેક્ટ માટે અંતિમ ડિઝાઇનની પસંદગી થઈ ગઈ છે અને અમેરિકન સ્પેસ ફોર્સના જનરલ માઇકલ ગ્યૂટલિનને આ પહેલના પ્રમુખ નીમવામાં આવ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગન આ પ્રકારની સિસ્ટમ તે સમયે બનાવવા માંગતા હતા, પરંતુ તે સમયે આવી ટેકનોલોજી ન હતી.
તેમણે જણાવ્યું હતું કે કેનેડાએ પણ અમારા કાર્યક્રમમાં ભાગ લેવાનો રસ દાખવ્યો છે. ગોલ્ડન ડોમ અમેરિકા બાજુ આવતી મિસાઇલોને શોધશે, તેનો ટ્રેક રાખશે અને તેને હવામાં જ ખતમ કરી દેશે. આ માટે તે અવકાશમાં રહેલા અનેક ઉપગ્રહો પર આધારિત હશે. તેમા લોન્ચ થયેલા મિસાઇલોન નિશાન બનાવવા માટે સેટેલાઇટ અને ઇન્ટરસેપ્ટર સેટેલાઇટ બંનેનો ઉપયોગ કરવામાં આવશે.આ એન્ટિ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ રશિયા અને ચીનના હાઇપરસોનિક મિસાઇલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકા પાસે હાલમાં તેનો કોઈ ઇલાજ નથી.
ટ્રમ્પની મહત્વાકાંક્ષી યોજનાને પૂરી કરવામાં અનેક વર્ષો લાગી શકે છે, પરંતુ ટ્રમ્પ તેને તેમના ૨૦૨૯માં પૂરા થનારા કાર્યકાળના અંત પહેલા અમલી બનાવવા માંગે છે. જૂની એર ડિફેન્સ સિસ્ટમ મુખ્યત્વે બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પર કેન્દ્રિત હતી, જ્યારે ગોલ્ડન ડોમ હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ્સ, ક્રુઝ મિસાઇલ અને એઆઈ-ડ્રોનના મોટા ઝુંડનો સામનો કરવા સક્ષમ હશે. આમ તે મલ્ટિપલ હુમલા એકસાથે ખાળી શકશે.
પેન્ટાગોન આમ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે રશિયા અને ચીન એવા હાઇપરસોનિક મિસાઇલો વિકસાવી રહ્યા છે જેને રોકવા અમેરિકાની પહોંચની બહાર છે. તેથી અમેરિકા પાસે ઇઝરાયેલના આયર્ન ડોમથી પણ વધારે અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ હોવી જરુરી છે. ગોલ્ડન ડોમ તેનો જવાબ છે.