બેજિંગ, તા.8 જુલાઈ 2020, બુધવાર
ચીન ભારતની સાથે સાથે અમેરિકા સાથે પણ શાબ્દિક યુધ્ધમાં ઉતરી ચુક્યુ છે.
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર ગ્લોબલ ટાઈમ્સે ફરી એક વખત અમેરિકા પર નિશાન સાધીને કહ્યુ છે કે, અમેરિકા દુનિયાના મોટા દેશોના સબંધોને ખતમ કરી રહ્યુ છે.અમેરિકા આ દેશો વચ્ચે વિરોધ ઉભો થાય તેવી સ્થિતિ સર્જી રહ્યુ છે.તેનાથી આંતરરાષ્ટ્રિય સબંધો પર પ્રભાવ પડશે અને ગ્લોબલાઈઝેશન પર પણ તેની ખરાબ અસર પડશે.અમેરિકાની હરકતોના કારણે દુનિયાને અણધાર્યા પરિણામો જોવા પડી શકે છે.
અખબારે વધુમાં કહ્યુ છે કે, અમેરિકા પોતાના ફાયદા માટે જીયોપોલિટિકલ ટૂલનો ઉપયોગ કરી રહ્યુ છે.ચીન સાથેના વૈચારિક મતભેદોને અમેરિકા બહુ ખતરનાક સ્તરે લઈ જઈ રહ્યુ છે.અમેરિકા આવુ કરીને પોતાના સાથી દેશોને ચીન સામે ઉભા કરવા માંગે છે.ચીન સાથે જેમને પણ સરહદનો વિવાદ છે તે તમામ દેશોને અમેરિકા સમર્થન આપી રહ્યુ છે.આ દેશોને ઉશ્કેરી રહ્યુ છે અને બીજા દેશોને પણ ચીન સાથે સહયોગ નહી કરવા માટે તૈયાર કરી રહ્યુ છે.
ગ્લોબલ ટાઈમ્સના મતે અમેરિકા પોતાનો પ્રભાવ મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યુ છે પણ તેની કિંમત દુનિયાને ચુકવવી પડશે.ચીનના 100 દેશો સાથે વ્યવસાયિક સબંધો છે.દુનિયાને તેનાથી નુકસાન થશે .અમેરિકા કોરોનાની મહામારીને પોતાના દેશમાં થનારી ચૂંટણીના સંદર્ભમાં જ જુએ છે.
ગ્લોબર ટાઈમ્સે આરોપ લગાવ્યો છે કે, કોરોનાને લઈને અમેરિકામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અભાવ છે.જેનાથી આ બીમારી સામે લડવામાં આંતરરાષ્ટ્રિય સ્તરે જોઈએ તેવો સહયોગ સાધી શકાયો નથી.જો અમેરિકા અને ચીન સાથે મળીને કામ કરત તો કોરોના આટલુ ગંભીર સ્વરુપ ધારણ ના કરત.અમેરિકાના કારણે ભવિષ્યમાં વિદેશ યાત્રાઓ અને વિદ્યાર્થીઓના વિદેશ અભ્યાસ કરવા જવાની સ્થિતિ બદલાઈ જશે.દુનિયામાં નફરત વધશે અને યુધ્ધનુ સંકટ સર્જાશે.


