ટ્રમ્પ ગજબના વેપારી નિકળ્યા ! રૂ.13 લાખ કરોડનો માલ વેચી યુક્રેનને આપી સુરક્ષાની ખાતરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Ukraine Arms Deal : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિનો ગજબનો ખેલ સામે આવ્યો છે. જો ટ્રમ્પ કોઈ દેશ સાથે સોદો કરે તો તેની પાછળ કોઈને કોઈ વેપારી ફાયદો હોય જ છે. તેઓ વેપાર સોદા વગર કોઈપણ મામલામાં હાથ નાખતા નથી. ટ્રમ્પ ખાડી દેશોથી લઈને યુદ્ધગ્રસ્ત યુક્રેન સુધી પોતાનો ફાયદો શોધી જ લે છે. રિપોર્ટ મુજબ, યુક્રેનની સરકાર પણ ટ્રમ્પની વેપાર નીતિને સમજી ગઈ છે, તેથી જ ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સાથેની બેઠક પહેલા મોટી ડીલની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી દીધી હતી. આ સોદો અમેરિકાને રૂ.13 લાખ કરોડ (અંદાજે 150 અબજ ડૉલર) ના હથિયારો અને ડ્રોન વેચવાનો છે, જેના બદલામાં યુક્રેન અમેરિકા પાસેથી સુરક્ષાની ગેરંટીની માંગ કરી રહ્યું છે.
યુક્રેનનો પ્રસ્તાવ : અમેરિકાને આકર્ષવા માટે મોટી ડીલ
મીડિયા રિપોર્ટ મુજબ, યુક્રેને એક મોટી બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, જે અમેરિકી સંરક્ષણ ઉદ્યોગને મોટો લાભ પહોંચાડી શકે છે. આ પ્રસ્તાવમાં બે મુખ્ય મુદ્દાઓ સામેલ છે. યુક્રેને અમેરિકા પાસેથી 100 અબજ ડૉલર (લગભગ રૂ.8.7 લાખ કરોડ)ના શસ્ત્રો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ખરીદીનો નાણાકીય બોજ યુક્રેન નહીં, પરંતુ તેના યુરોપિયન સહયોગી દેશો ઉઠાવશે. આ ખરીદીના બદલામાં યુક્રેન કોઈપણ શાંતિ સમજૂતી પછી અમેરિકા પાસેથી સુરક્ષાની ગેરેન્ટી માંગ કરી રહ્યું છે. આ ઉપરાંત પ્રસ્તાવમાં 50 અબજ ડૉલર (લગભગ રૂ.4.35 લાખ કરોડ)ના સંયુક્ત ડ્રોન ઉત્પાદન પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ અમેરિકા-યુક્રેન સાથે મળીને ડ્રોનનું ઉત્પાદન કરશે, જે યુદ્ધ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જોકે, આ યોજનામાં એ સ્પષ્ટ નથી કે, આ રકમ ખરીદી માટે છે કે રોકાણ માટે.
ડીલ પાછળનો હેતુ : અમેરિકાને વ્યૂહાત્મક ભાગીદાર બનાવવું
ટ્રમ્પ તંત્ર યુક્રેનનો પ્રસ્તાવ સ્વિકારે તે માટે ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)ની ટીમ પ્રસ્તાવને અત્યંત આકર્ષક બનાવવા માગે છે. આ ડીલ અમેરિકન ઉદ્યોગને ફાયદો કરાવવાની સાથે સાથે પશ્ચિમી દેશોના સંરક્ષણ ગઠબંધનમાં અમેરિકાની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે. જોકે આમાં કયા હથિયારો સામેલ છે, તે વિગતો સામે આવી નથી, પરંતુ ઝેલેન્સ્કીએ અગાઉ કહ્યું છે કે, તેમને ઓછામાં ઓછી 10 અમેરિકન બનાવટની 'પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ' અને અન્ય મિસાઈલ તેમજ સંરક્ષણ ઉપકરણોની જરૂર છે.
‘અમે યુક્રેનને કશું મફતમાં આપવાના નથી’
ટ્રમ્પ (US President Donald Trump) અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેઓ યુક્રેનને મફતમાં કશું આપવાના નથી, તેઓ માત્ર હથિયારો વેચી રહ્યા છે. આથી, યુક્રેનનો આ પ્રસ્તાવ વ્યૂહાત્મક ભાગીદારી જાળવી રાખવા માટેનો એક પ્રયાસ છે. બીજીતરફ ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ કોઈપણ પ્રદેશ ગુમાવવા માટે સહમત નથી અને સુરક્ષાની ગેરંટી માટે કોઈપણ પ્રકારના સમાધાનને આધાર બનાવી રહ્યા નથી. રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચેની ત્રિપક્ષીય વાતચીત પછી જ સ્પષ્ટ થશે કે, આ ડીલના બદલામાં યુક્રેનને શું ગુમાવવું પડશે અને અમેરિકા સિવાય અન્ય કોને શું ફાયદો થશે.








