| (IMAGE - IANS) |
Trump Venezuela Oil Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક દાવાએ વૈશ્વિક બજારમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે વેનેઝુએલાની વચગાળાની સરકાર અમેરિકાને 50 મિલિયન બેરલ ઉચ્ચ ગુણવત્તાનું ઓઈલ આપવા સંમત થઈ છે. આ જાહેરાત વેનેઝુએલાના વચગાળાના પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝના શપથ ગ્રહણના બીજા જ દિવસે કરવામાં આવી છે, જે બંને દેશો વચ્ચેના બદલાતા રાજદ્વારી સંબંધોનો સંકેત આપે છે.
ઓઈલના વેચાણ અને કમાણી પર ટ્રમ્પનું નિયંત્રણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'આ ઓઈલ બજાર કિંમતે વેચવામાં આવશે અને તેમાંથી થતી આવક પર અમેરિકાના પ્રમુખ હોવાના કારણે મારું નિયંત્રણ રહેશે. આ રકમનો ઉપયોગ અમેરિકા અને વેનેઝુએલાના લોકોના કલ્યાણ માટે કરવામાં આવશે.' ટ્રમ્પે ઉર્જા સચિવ ક્રિસ રાઈટને આ યોજનાને તાત્કાલિક અમલમાં મૂકવા સૂચના આપી દીધી છે, જેથી સ્ટોરેજ જહાજો દ્વારા ઓઈલ સીધું અમેરિકાના ડોક સુધી પહોંચાડી શકાય.
ઓઈલ ક્યાં છે અને તેની પ્રક્રિયા કેવી હશે?
વ્હાઇટ હાઉસના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઓઈલનું ઉત્પાદન પહેલેથી જ થઈ ચૂક્યું છે અને તે બેરલમાં ભરી દેવામાં આવ્યું છે. હાલમાં આ જથ્થાનો મોટો ભાગ જહાજો પર છે, જેને રિફાઇન કરવા માટે મેક્સિકોના અખાતમાં આવેલી અમેરિકન ફેસિલિટીઝમાં મોકલવામાં આવશે. અમેરિકામાં ઓઈલની દૈનિક વપરાશ આશરે 20 મિલિયન બેરલ છે, તેથી આ જથ્થો પૂરવઠામાં મહત્ત્વનો ભાગ ભજવશે.
આ પણ વાંચો: હુમલામાં વેનેઝુએલાએ ગુમાવ્યા 24 સૈન્ય અધિકારી, અમેરિકા સામે યુદ્ધ અપરાધનો આરોપ મૂક્યો
અમેરિકામાં પેટ્રોલના ભાવ પર શું અસર થશે?
ટ્રમ્પની આ જાહેરાત થતાની સાથે જ અમેરિકન ઓઈલની કિંમતોમાં પ્રતિ બેરલ 1 ડોલર(આશરે 2%)નો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 56 ડોલર સુધી પહોંચી ગયા છે. જોકે, નિષ્ણાતો માને છે કે આનાથી પેટ્રોલના ભાવમાં બહુ મોટો ઘટાડો આવવાની શક્યતા ઓછી છે. અગાઉ 2022માં જો બાઈડને 180 મિલિયન બેરલ ઓઈલ રિલીઝ કર્યું હતું, તેમ છતાં પેટ્રોલના ભાવમાં પ્રતિ ગેલન માત્ર 13થી 31 સેન્ટનો જ ઘટાડો થયો હતો. આમ, આ પગલાથી ભાવમાં આંશિક રાહત મળી શકે છે.


