VIDEO: ટ્રમ્પ અને પત્ની મેલેનિયા વચ્ચે ઝઘડો? હેલિકોપ્ટરમાં આંગળી બતાવતો વીડિયો વાઈરલ, લિપ રીડર્સે કરી સ્પષ્ટતા
Trump Melania Fight: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પનો અમેરિકન પ્રમુખના હેલિકોપ્ટર (મરીન વન)માં થયેલો એક તણાવપૂર્ણ સંવાદ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વાઈરલ વીડિયોમાં ટ્રમ્પ મેલેનિયા તરફ આંગળી ચીંધીને કંઈક કહી રહ્યા હતા, જેના કારણે તેમના સંબંધો વિશે અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી.
UNમાં એસ્કેલેટર ખરાબ થવાની ઘટના
મંગળવારે UN ભવનમાં પ્રવેશ કરતી વખતે ટ્રમ્પ દંપતી એસ્કેલેટર દ્વારા ઉપર જઈ રહ્યું હતું. અચાનક એસ્કેલેટર વચ્ચે જ અટકી ગયું, જેના કારણે મેલેનિયાને આંચકો લાગ્યો અને તે થોડી અસંતુલિત થઈ ગયા. ટ્રમ્પે પાછળથી પોતાના UN ભાષણમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, 'જો મેલેનિયાની તબિયત સારી ન હોત તો તે પડી ગયા હોત.'
વ્હાઇટ હાઉસે તરત જ આ મામલે તપાસની માંગ કરી અને આરોપ લગાવ્યો કે એસ્કેલેટર ઇરાદાપૂર્વક રોકવામાં આવ્યું હોઈ શકે છે. પ્રેસ સચિવ કેરોલિન લિવિટે કહ્યું હતું કે જો આવું ઇરાદાપૂર્વક થયું હોય તો જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. જોકે, સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે વીડિયોગ્રાફરે અજાણતામાં સુરક્ષા સેન્સરને ટ્રિપ એક્ટીવ કરી દીધું હોવાથી આ ઘટના બની હતી.
મરીન વનમાંથી ઊતરતી વખતે
વીડિયોમાં તણાવપૂર્ણ ક્ષણ હોવા છતાં, હેલિકોપ્ટરમાંથી ઊતર્યા પછી આ દંપતી સાઉથ લૉન પર એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા. જોકે, નિષ્ણાતોએ તેમની બોડી લેંગ્વેજને ઔપચારિક અને કડક ગણાવી છે.
આ પણ વાંચો: ચીનમાં 5.6ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, માત્ર 10 કિલોમીટર ઊંડે નોંધાયું કેન્દ્રબિંદુ
જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર લિપ રીડર્સે આ અટકળો પર ઘણે અંશે વિરામ મૂકી દીધો છે. તેમનું કહેવું છે કે આ ઝઘડો મેલેનિયાને લઈને નહીં, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલયમાં થયેલી એસ્કેલેટરની ખરાબી અંગે હતો અને આ અંગે જ બંને ચર્ચા કરી રહ્યા હતા.
આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પ દંપતીનું વર્તન ચર્ચામાં આવ્યું હોય. 2025ના શપથ ગ્રહણ સમારોહમાં મેલેનિયાએ ટ્રમ્પનો હાથ ઝટકી દીધો હતો.