World

જો ટ્રમ્પ-પુતિનની વાતચીત નિષ્ફળ રહી તો ભારત પર લગાવીશું વધારે ટેરિફ...', અમેરિકાની નવી ધમકી

By GS TEAM
14 Aug 20253 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવારે અલાસ્કામાં થનારી મહત્ત્વપૂર્ણ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. પરંતુ હવે અમેરિકાએ આ મુલાકાતને પણ ભારત અને ટેરિફ વોર સાથે જોડી દીધી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે નવી ધમકી આપી છે કે, 'જો રશિયન પ્રમુખ પુતિન સાથે ટ્રમ્પની વાતચીત નિષ્ફળ રહી તો અમેરિકા ભારત પર વધુ ટેરિફ લગાવશે.'

Summarized by AI; it may make mistakes. Check important info

જો ટ્રમ્પ-પુતિનની વાતચીત નિષ્ફળ રહી તો ભારત પર લગાવીશું વધારે ટેરિફ...', અમેરિકાની નવી ધમકી

Image Source: Twitter

America's New Threat: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવારે અલાસ્કામાં થનારી મહત્ત્વપૂર્ણ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. પરંતુ હવે અમેરિકાએ આ મુલાકાતને પણ ભારત અને ટેરિફ વોર સાથે જોડી દીધી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે નવી ધમકી આપી છે કે, 'જો રશિયન પ્રમુખ પુતિન સાથે ટ્રમ્પની વાતચીત નિષ્ફળ રહી તો અમેરિકા ભારત પર વધુ ટેરિફ લગાવશે.'

બેઠકનું પરિણામ નક્કી કરશે ટેરિફ

અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે કહ્યું કે, અલાસ્કામાં રશિયન પ્રમુખ ટ્રમ્પની રશિયન પ્રમુખ પુતિન સાથેની બેઠકના પરિણામોના આધાર પર વોશિંગ્ટન ભારત પર સેકન્ડરી ટેરિફ વધુ વધારી શકે છે. એક ઇન્ટરવ્યુમાં બેસન્ટે કહ્યું કે, 'અમે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર પહેલાથી જ સેકન્ડરી ટેરિફ લગાવી દીધો છે. જો સ્થિતિમાં સુધારો ન થયો તો પ્રતિબંધો અથવા સેકન્ડરી ટેરિફમાં વધારો થઈ શકે છે.'

આ મહિનાની શરુઆતમાં ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને હથિયાર ખરીદવા બદલ ભારત પર હાલના 25% ટેરિફ ઉપરાંત 25% દંડ પણ ફટકાર્યો હતો, જે 27 ઑગસ્ટથી લાગુ થઈ શકે છે. આમ અમેરિકા દ્વારા સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોની યાદીમાં હવે ભારત પણ સામેલ થઈ ગયું છે. 

ટ્રમ્પના ભારત પર આરોપ

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ આરોપ લગાવી ચૂક્યા છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને તેને ગ્લોબલ માર્કેટમાં ઊંચા ભાવે વેચે છે અને મોટો નફો કમાય છે. આ સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં ફન્ડિંગ કરી રહ્યું છે. જોકે, ભારતે આનો જડબાતોડ જવાબ આપ્યો છે. 

તાજેતરમાં જ વિદેશ મંત્રાલયે અમેરિકન પ્રમુખના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે મજબૂર થવું પડ્યું, કારણ કે, યુક્રેન સંઘર્ષ શરુ થયા બાદ પરંપરાગત સપ્લાયર્સે પોતાની સપ્લાય યુરોપને આપવાનું શરુ કરી દીધું. તે સમયે અમેરિકાએ પોતે આ પગલું ભરવા માટે ભારતને પ્રોત્સાહિત કર્યું હતું, જેથી ગ્લોબલ એનર્જી માર્કેટ સ્થિર રહી શકે. 

ભારતે ટ્રમ્પને અરીસો દેખાડ્યો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારતની આ આયાત ભારતીય ગ્રાહકોને સસ્તી અને સ્થિર ઊર્જા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. આ કોઈ વિકલ્પ નથી, પરંતુ ગ્લોબલ માર્કેટની મજબૂરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'ચોંકાવનારી બાબત એ છે કે, જે દેશો ભારતની ટીકા કરી રહ્યા છે તેઓ પોતે જ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે.'

આ પણ વાંચો: 'યુદ્ધ ન અટક્યું તો ખૂબ ગંભીર પરિણામ ભોગવવા પડશે', પુતિન સાથે બેઠક પહેલા ટ્રમ્પની ખુલ્લી ધમકી

રશિયા-યુક્રેન સંઘર્ષને ખતમ કરવાના ઉદ્દેશ્યથી પ્રમુખ ટ્રમ્પ રશિયન પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરશે. ટ્રમ્પે કહ્યું છે કે, જો પુતિન સાથેની મારી વાતચીત સારી રહેશે, તો હું બીજા રાઉન્ડની બેઠક પણ કરીશ. પુતિન સાથેની પહેલી મુલાકાત બાદ તરત જ આ બીજી બેઠક થશે. પરંતુ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી પણ આ બીજી બેઠકનો ભાગ બનશે. જોકે, પુતિન પોતાની શરતો પર અડગ છે અને તેમણે ઝેલેન્સકી સાથે કોઈપણ પ્રકારની વાતચીતનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં અલાસ્કામાં યોજાનારી બંને નેતાઓની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.