Image: IANS |
US Action Against ICC Judges: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ગુનાઈત અદાલત (ICC)ના ન્યાયાધીશો પર પ્રતિબંધો લાદ્યા છે. આ ન્યાયાધીશોએ ઈઝરાયલ પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકન અધિકારીઓ સામે કાર્યવાહીને મંજૂરી આપી અને ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ઈઝરાયલ પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયો દ્વારા જાહેર કરાયેલા આ પગલાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, જેરુસલેમને ખોટી રીતે બદનામ કરવાના ICCના અભિયાન પર અમેરિકન સરકારનું આ દંડાત્મક પગલું પ્રશંસનીય છે. નેતન્યાહૂએ આ પગલાને ઈઝરાયલના બચાવમાં નિર્ણાયક પગલું ગણાવ્યું.
નેતન્યાહૂના કાર્યાલયમાંથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે, 'હું અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબુયોને હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશો પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને વધાવું છું. આ ઈઝરાયલ અને ઈઝરાયલ ડેમોક્રેટિક ફ્રન્ટને નિશાનો બનાવવા માટે કરવામાં આવતા ખોટા પ્રચાર અભિયાન સામે અને સત્ય તેમજ ન્યાયના પક્ષમાં એક મજબૂત પગલું છે.'
આ પણ વાંચોઃ યુદ્ધવિરામની આશા વચ્ચે રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો, 570થી વધુ ડ્રોન, 40 મિસાઈલો ઝિંકી
કોના-કોના પર લાગ્યા પ્રતિબંધ?
ટ્રમ્પ વહીવટીતંત્રે જે ન્યાયાધીશો પર આ પ્રતિબંધો લાદ્યા છે, તેમાં ફ્રેન્ચ ન્યાયાધીશ નિકોલસ યાન ગુઇલૌ, ફિજીના ડેપ્યુટી પ્રોસિક્યુટર નઝહત શમીમ ખાન અને સેનેગલના ડેપ્યુટી પ્રોસિક્યુટર મામે મંડિયે નિયાંગનો સમાવેશ થાય છે. આ લોકોએ ગત વર્ષે ઈઝરાય પ્રમુખ નેતન્યાહૂ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટ વિરુદ્ધ ગાઝામાં કથિત યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત, કેનેડિયન ન્યાયાધીશ કિમ્બર્લી પ્રોસ્ટ પર પણ ICCને અફઘાનિસ્તાનમાં અમેરિકન કર્મચારીઓની તપાસની મંજૂરી આપનારા નિર્ણય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નવેમ્બર 2024માં જાહેર કરાયું વોરંટ
નોંધનીય છે કે, ICCના ન્યાયાધીશોની એક પેનલે નવેમ્બર 2024માં નેતન્યાહૂ અને યોઆવ ગૈલેન્ટ માટે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ન્યાયાધીશોનું માનવું હતું કે, આ બંનએ ગાઝામાં હમાસ સામે ઈઝરાયલના અભિયાન દરમિયાન માનવીય સહાય રોકી અને જાણીજોઈને નાગરિકોને નિશાનો બનાવી યુદ્ધ અપરાધ કર્યો છે. જોકે, ઈઝરાયલના અધિકારી આ પ્રકારના આરોપને નકારી રહ્યા છે.
આ પણ વાંચોઃ આધારકાર્ડ હશે તો જ સ્ટારલિંક ઈન્ટરનેટ કનેક્શન મળશે, ઈલોન મસ્કની કંપનીનો UIDAI સાથે કરાર
ICCએ પ્રતિબંધોની કરી ટીકા
અમેરિકાની આ કાર્યવાહીના જવાબમાં, ICCએ બુધવારે આ પ્રતિબંધોની સખત નિંદા કરી અને તેને તમામ 125 સભ્ય દેશોના આદેશ હેઠળ કાર્યરત નિષ્પક્ષ ન્યાયિક સંસ્થાની સ્વતંત્રતા પર એક સ્પષ્ટ હુમલો ગણાવ્યો. એક નિવેદનમાં, ICC એ કહ્યું કે, 'આ પ્રતિબંધો અદાલતના સભ્ય દેશો, નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સૌથી ઉપર, વિશ્વભરના લાખો નિર્દોષ પીડિતોનું અપમાન છે. ICC કોઈપણ દબાણ અથવા ધમકીઓને ધ્યાનમાં લીધા વિના, તેના કાનૂની માળખા અનુસાર તેના આદેશોનું કડક પાલન કરવાનું ચાલુ રાખશે.'
ફેબ્રુઆરી અને જૂનમાં પણ લગાવ્યા પ્રતિબંધ
આ પહેલા જૂનમાં પણ ટ્રમ્પ વહીવટીતંત્રએ બે અન્ય ICC જજ પર પ્રતિબંધ લગાવ્યા હતા. તે પહેલાં, ફેબ્રુઆરીમાં ICCના મુખ્ય ફરિયાદી કરીમ ખાન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધો બાદ, ICC કર્મચારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિબંધોને કારણે, તેમના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેઓ અમેરિકન મિલકતોનો ઉપયોગ કરી નહીં શકે તેમજ બેન્કો સાથેના વ્યવહાર પણ બંધ થઈ જશે.


