અમેરિકાએ પરમાણુ મિસાઇલ મિનટમેનનું સફળ પરીક્ષણ કરતાં વિશ્વભરમાં સોપો

પરમાણુ મિસાઇલની સ્પીડ પ્રતિ કલાક ૧૩,૦૦૦ કિ.મી.
ટ્રમ્પ તંત્ર ૨૦૩૦ સુધીમાં જૂની મિસાઇલ કાઢીને નવી મિસાઇલોને સમાવવાની પણ યોજના બનાવી રહ્યું છે
આ મિસાઇલ માર્શલ દ્વીપ સમૂહ પાસે સફળતાપૂર્વક રોનાલ્ડ રીગન બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ ટેસ્ટ સાઇટ પર ઉતરી. મિનટમેન-૩ અમેરિકાની સૌથી જૂની આઇસીબીએમ છે. તેનો ઉપયોગ ૧૯૭૦ના દાયકાથી થઈ રહ્યો છે. તે જમીનથી લોન્ચ થાય છે અને ૧૩ હજાર કિ.મી. દૂર સુધી માર કરી શકે છે.તેમા પરમાણુ શસ્ત્ર લગાવી શકાય છે, પરંતુ પરીક્ષણ વખતે તેમા કોઈ શસ્ત્ર ન હતું.
અમેરિકાની પાસે આવી લગભગ ૪૦૦ મિસાઇલ છે અને તે રશિયા અને ચીન જેવા દેશો સામે તેના સંરક્ષણનો હિસ્સો છે. આ મિસાઇલ મિનટમેન તરીકે એટલા માટે ઓળખાય છે કેમકે તે એક મિનિટમાં તૈયાર થાય છે. અમેરિકા ૨૦૩૦ સુધીમાં તેને નવી મિસાઇલ વડે બદલવાનું આયોજન ધરાવે છે, પરંતુ ત્યાં સુધી આ પરીક્ષણ ચાલુ રહેશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા,ચીન અને પાકિસ્તાન જેવા દેશ પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે. તેથી અમેરિકા પણ પાછળ રહેવા માંગતુ નથી.
તેમણે પેન્ટાગોનને તાત્કાલિક પરીક્ષણ શરૂ કરવા જણાવ્યું હતું. આમ છતાં ઉર્જાવિભાગે જણાવ્યું હતુ કે હાલમાં વિસ્ફોટવાળા પરીક્ષણ નહીં થાય. અમેરિકાએ જણાવ્યું હતું કે અમે દર ત્રણ મહિને આ પરીક્ષણ કરીએ છીએ. મે ૨૦૨૫ પહેલા પણ આવું પરીક્ષણ થયું હતું.
અમેરિકાના ૭૦ ટકાથી વધારે પરમાણુ શસ્ત્રો સબમરીનોમાં છે. તેઓ ત્યાંથી બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી શકે છે, કેમકે ત્યાં ગોપનીયતા વધુ રહે છે. અમેરિકાના આ પરમાણુ મિસાઇલના પરીક્ષણના કારણે આખા વિશ્વમાં સોંપો પડી ગયો છે. તેને તાજેતરમાં રશિયાએ કરેલા પરીક્ષણના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.

