ન્યૂયોર્ક,૧૮ સપ્ટેમ્બર,૨૦૨૫,ગુરુવાર
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ દિન પ્રતિદિન વધુને વધુ વકરતું જાય છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને દેશો વચ્ચે યુધ્ધવિરામ કરાવી શકયા નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની યુધ્ધ લડવાની તૈયારીઓ જોતા અમેરિકાએ યુક્રનને મદદ કરવાનું ચાલું કર્યુ છે. યુક્રેન સરકારની માહિતી અનુસાર અમેરિકાએ શસ્ત્ર સહાય પહોંચાડવાની વ્યવસ્થા શરુ કરી દીધી છે.
અમેરિકા યુરોપમાં નાટો દેશના માધ્યમથી યુક્રેનને અમેરિકી સૈન્ય સહાયતા આપી રહયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત જુલાઇમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને પેટ્રિયેટ વાયુ રક્ષા પ્રણાલી સહિત શસ્ત્રો મોકલાવીની યોજનાનો ખુલાસો કર્યો હતો જેમાં નાટો દેશોને સામેલ કરવામાં આવ્યા હતા. આમ આ યોજનાનો અમલ થઇ રહયો છે જેમાં નાટો દેશો મહત્વની ભૂમિકામાં આવી ગયા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હ્વયોરહી તીહીએ બુધવારે પુષ્ટિ કરી હતી કે અમેરિકાએ નવી વ્યવસ્થા હેઠળ યુક્રેનને પ્રથમ સૈન્ય સહાયતા પેકેજ મળી રહયું છે.
નાટો સભ્ય દેશો તરફથી સતત સહયોગ મળશે એવી પણ આશા વ્યકત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે નાટો દ્વારા જે આર્થિક અને શસ્ત્ર પેકેજની મદદ મળી રહી છે જેમાં પેટ્રીયેટ મિસાઇલ પણ હશે. ઝેલેન્સ્કીના નિવેદનના આધારે નિષ્ણાતોનું માનવું છેજે અમેરિકા પેકેજમાં પેટ્રિયેટ મિસાઇલોનો જથ્થો આપશે તો યુધ્ધ વધુ ખુંખાર બનશે.


