ભારતે એવું તો શું કર્યું કે અમેરિકાના પૂર્વ રાજદૂતે કહ્યું- થેન્ક્યુ ઇન્ડિયા, ન્યાય મળ્યો
India-Pakistan Tension: પાકિસ્તાનમાં બેઠેલો આતંકી અબ્દુલ રઉફ અઝહર ભારતીય હુમલામાં માર્યો ગયો છે. આ આતંકી મસૂદ અઝહરનો ભાઈ હતો, જે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડા છે. અબ્દુલ અઝહર જૈશને કમાન્ડ કરતો હતો. ત્યારે અમેરિકનોએ આ આતંકીને ઠાર મારવા બદલ ભારતનો આભાર પણ માન્યો છે.
અહેવાલો અનુસાર, આતંકી અબ્દુલ રઉફ અઝહરે વર્ષ 2002માં યહૂદી પત્રકાર ડેનિયલ પર્લનું માથું કાપી નાખ્યું હતું. ડેનિયલ પર્લ વોલ સ્ટ્રીટ જર્નલના વરિષ્ઠ પત્રકાર હતા અને તેમનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. અફઘાનિસ્તાન અને ઇરાકમાં અમેરિકાના પૂર્વ રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ ઝાલમે ખલીલઝાદે આંતકી અબ્દુલ રઉફ અઝહરની હત્યા બદલ ભારતનો આભાર માન્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'પાકિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી દરમિયાન, ભારતે ક્રૂર આતંકી અબ્દુલ રઉફ અઝહરને ઠાર કર્યો છે. તેણે 2002માં પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરી હતી, જેને આજે પણ બધા યાદ કરે છે. ન્યાય થયો છે. ભારતનો આભાર.'
ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યું ઘર્ષણ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઇલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.