ન્યૂયોર્ક,5 ફેબ્રુઆરી,2025,બુધવાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ગાજાને લઇને એક પ્રસ્તાવ મુકયો છે તેનાથી સમગ્ર દુનિયામાં ચકચાર મચી ગઇ છે. કેનેડા લઇ લેશું, ગ્રીનલેન્ડ લઇ લેશું, પનામા નહેર અમારી છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલામાં હવે ગાજાનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો એક સ્વાયત વિસ્તાર છે જે પેલેસ્ટાઇનનો જ એક ભાગ ગણાય છે. ઇઝરાયેલ અને અરબ દેશો વચ્ચે દાયકાઓથી જમીનનો ઝગડો ચાલે છે. કટ્ટર વૈચારિક ઇસ્લામિક અને આંતકી સંગઠન હમાસનો વર્ષોથી કબ્જો રહયો છે. છેલ્લા દોઢ વર્ષમાં ઇઝરાયેલે તાબડતોબ કાર્યવાહી કરીને ગાજાને ખંડર બનાવી દીધું છે.
સંયુકત રાષ્ટ્રના ચાર્ટર મુજબ લોકોને બળજબરીથી હટાવી શકાય નહી

નવાઇની વાત તો એ છે કે આ ગાજામાં તમામ પેલેસ્ટાઇનીઓને જળજબરીથી બહાર કાઢીને સમગ્ર વિસ્તાર પોતાના નિયંત્રણમાં લેવાની અમેરિકાએ વાત કરી છે. જો કે ટ્રમ્પના વધુ એક વિવાદાસ્પદ નિવેદનને આંતરરાષ્ટ્રીય કાનુનનો ભંગ ગણવામાં આવે છે. કેટલાક તો આ પગલાને જીનોસાઇડ પ્રકારનું પણ ગણાવી રહયા છે. ટ્રમ્પે આને માનવીય સમાધાન ગણાવ્યું છે પરંતુ જે લોકો વર્ષોથી રહેતા હોય તેમને ઘર છોડાવવામાં માનવતા નથી.
નિષ્ણાતોનું માનવું છે કે જો આનો અમલ થાય તો પશ્ચિમ એશિયામાં પ્રત્યક્ષ રીતે ચાલતો અરબ -ઇઝરાયેલ વિવાદ ખૂબજ પેચિંદો બનશે. આંતરરાષ્ટ્રીય કાનુન હેઠળ કોઇ પણ માનવ વસાહતને પોતાના બળજબરીથી હટાવવી યુધ્ધ અપરાધ ગણાય છે. જિનેવા કન્વેંશન હેઠળ આના પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયેલો છે. સંયુકત રાષ્ટ્રના ચાર્ટર મુજબ કોઇ પણ દેશને સૈન્યબળના આધારે કોઇ પણ વિસ્તાર પર કબ્જો કરવાની પરવાનગી મળતી નથી.
એક એવી આંતરરાષ્ટ્રીય જગ્યા હશે જયાં પેલેસ્ટાઇનીઓ પણ રહેતા હશે- ટ્રમ્પ

ટ્રમ્પ માને છે કે ગાજાને વિનાશનું બીજુ નામ છે હવે અહીંયા રહેવાલાયક કશું જ રહયું નથી. આવા સંજોગોમાં પેલેસ્ટાઇનીઓએ સ્થાયી રીતે જ કોઇ અલગ સ્થળે પુનર્વાસ કરવો જોઇએ. સમગ્ર ગાજા વિસ્તાર સાફ કરવામાં જ ખૂબ સમય લાગશે આવા સંજોગોમાં રહેઠાણ ધરાવનારાને બીજે વસાવવા સિવાય કોઇ વિકલ્પ જ રહેતો નથી. અમેરિકા આ ક્ષેત્રને પોતના કબ્જામાં લઇને વિસ્તારને એક નવું જ સ્વરુપ આપી શકે છે. ટ્રમ્પને એવું પુછવામાં આવ્યું હતું કે ગાજાને નવું સ્વરુપ આપ્યા પછી પેલેસ્ટાઇનીઓને પાછા રહેવા આવવા દેવામાં આવશે ? ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે આ એક એવી આંતરરાષ્ટ્રીય જગ્યા હશે જેમાં પેલેસ્ટાઇનીઓ પણ રહેતા હશે.
અરબ દેશોએ સમગ્ર ક્ષેત્ર માટે ખતરનાક પ્લાન ગણાવ્યો

ટ્રમ્પની યોજના અંગે અરબ દેશોમાં ખૂબજ નારાજગી જોવા મળે છે. ઇજિપ્ત, સઉદી અરબ, યુએઇ,કતાર, પેલેસ્ટાઇન ઓથોરિટી અને અરબ લીગે એક સંયુકત નિવેદન બહાર પાડીને સમગ્ર ક્ષેત્ર માટે ખતરનાક પ્લાન ગણાવ્યો છે. આવું પગલું ક્ષેત્રની સ્થિરતાને ગંભીર નુકસાન કરશે અને શાંતિ તથા સહ અસ્તિત્વની શકયતાઓ સમાપ્ત કરી દેશે.
સઉદી અરબે તો પહેલાથી સ્પષ્ટતા કરી દીધી છે કે પેલેસ્ટાઇનીઓ માટે એક સ્વતંત્ર સ્ટેટ (દેશ)નું નિર્માણ નહી થાય ત્યાં સુધી ઇઝરાયેલ સાથે કોઇ પણ પ્રકારના સંબંધો રાખશે નહી. સઉદી અરબ કોઇ પણ પરિસ્થિતિમાં પેલેસ્ટાઇનીઓને પોતાની જમીનથી વિસ્થાપિત કરવાના પ્રયાસને સ્વિકારશે નહી. પેલેસ્ટાઇની નેતાઓએ ટ્રમ્પની યોજનાને બળજબરીથી થનારું વિસ્થાપન ગણાવી છે. હમાસના પ્રવકતા સામી અબૂ જુહરીએ ટ્રમ્પના બયાનને હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય ગણાવ્યું છે.
ઇઝરાયેલે અમેરિકી પ્રસ્તાવનું સ્વાગત કરી રહયું છે
એમેનેસ્ટી ઇન્ટરનેશનલે અમેરિકાની ટીકા કરી છે કે આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ) દ્વારા યુદ્ધ અપરાધના આરોપમાં એરેસ્ટ વોરન્ટ છતાં ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ અમેરિકી પ્રસ્તાવનું સ્વાગત કરી રહયા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા આંતરરાષ્ટ્રીય ન્યાયાલયની અવગણના કરી રહયું છે. ગાજાનું નિયંત્રણ લેવાનો કોઇ પણ વિચાર સમગ્ર વિસ્તારમાં આગ ભડકાવી શકે છે.
ચીને પણ ગાજાના લોકોના બળજબરીથી થનારા વિસ્થાપન પ્રયાસને વિરોધ કરતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લિન જિયાને જણાવ્યું હતું કે ચીન હંમેશા માને છે કે ગાજામાં યુધ્ધ પછીની શાસન વ્યવસ્થાના મૂળ સિધ્ધાંત પેલેસ્ટાઇની પ્રશાસન હોવું જોઇએ. ઇઝરાયેલે -પેલેસ્ટાઇન સંઘર્ષના સમાધાન માટે બે રાજય થિએરીને ચીન લાંબા ગાળાથી સમર્થન કરતું આવ્યું છે.
ઘણા ટ્રમ્પના પ્રસ્તાવને રિયલ એસ્ટેટ ડીલ તરીકે જોઇ રહયા છે
ઇઝરાયેલના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન ગાવિરે ટ્રમ્પના પ્રસ્તાવનું સમર્થન કરતા જણાવ્યું છે કે ગાજાને લઇને અત્યાર સુધીનો આ સૌથી સારો વિચાર છે. આ ટ્રમ્પ સાથેની દોસ્તીની અમારી શરુઆત છે માટે આ નવીન વિચાર પર જલદીથી કામ થવું જોઇએ. કેટલાક કટ્ટર દક્ષિણપંથી ઇઝરાયેલી નેતાઓ લાંબા સમયથી ગાજામાં પેલેસ્ટાઇનીઓને હટાવવાની માંગણી કરતા રહયા છે.
નેતન્યાહુ સરકારના કેટલાક સદસ્યો માને છે કે ગાજાને ફરી ઇઝરાયેલી વસાહતોમાં તબ્દીલ કરી શકાય છે. ટ્રમ્પની યોજનાને લઇને વિવાદ છેડાયો છે,ખાસ કરીને મધ્ય પૂર્વ બાબતોના દુત સ્ટીવ વિટકોફનું માનવું છે કે ટ્રમ્પ એક રિયલ એસ્ટેટ ડીલર છે. જમીનનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો એ બરાબર જાણે છે. ગાજામાં એક સરસ મોકો છે જેને મિડલ ઇસ્ટમાં રિવિએરા બનાવી શકાય છે. ઘણા ટ્રમ્પના પ્રસ્તાવને રિયલ એસ્ટેટ ડીલ તરીકે જોઇ રહયા છે. ટ્રમ્પના જમાઇ અને પૂર્વ સલાહકાર જેરેડ કુશનરે પણ કહયું હતું કે ગાજાનો સમુદ્રી કિનારો ખૂબ કિંમતી છે. આને વિકસિત કરવામાં આવે તો મોનાકો કરતા પણ બહેતર બનાવી શકાય છે.
40 કિમી લાંબી ગાજા સ્ટ્રીપ સુરક્ષાની દ્રષ્ટીએ ખૂબજ મહત્વની

૧૪ મે ૧૯૪૮ના રોજ ઇઝરાયેલ સ્વતંત્ર જાહેર થયા પછી તરત જ સીરિયા,જોર્ડન અને ઇજિપ્તે નવા પ્રદેશ ઇઝરાયેલ પર આક્રમણ કર્યુ હતું. પ્રથમ આરબ ઇઝરાયલ યુધ્ધ (૧૫ મે ૧૯૪૮ થી ૧૦ માર્ચ ૧૯૪૯) પછી નવા ઇઝરાયેલમાંથી હજારો પેલેસ્ટાઇનીઓ વેસ્ટબેંક અને ગાજામાંથી વિસ્થાપિત થયા હતા. ત્યાર બાદ ઇઝરાયેલ અને પાડોશીઓ વચ્ચે ગ્રીનલાઇન (શસ્ત્ર વિરામ લાઇન) દોરવામાં આવી જે ઇઝરાયેલ અને પશ્ચિમ કાંઠા તેમજ ગાઝા વચ્ચેની લગભગ વર્તમાન સરહદ છે.ગાજા 40 કિમી લાંબી દરિયાઇ પટ્ટી ધરાવતો વિસ્તાર છે જે સુરક્ષાની દ્રષ્ટીએ ખૂબજ મહત્વનો છે.
૧૯૬૭માં ૬ દિવસના આરબ ઇઝરાયેલ યુધ્ધ પછી ઇઝરાયેલે પૂર્વ જેરુસલેમ અને ગોલાન હાઇટ્સ, સાથે પશ્ચિમ કાંઠા (વેસ્ટ બેંક) અને ગાજા પર કબ્જો કર્યો હતો. બે રાજય રચીને ઉકેલની વર્તમાન ચર્ચામાં હવે ૧૯૬૭ પહેલાની સરહદો સાથે બે રાજયો બનાવવાનો સંદર્ભ છે. આનો અર્થ કે નવા પેલેસ્ટાઇન રાજયમાં ઇઝરાયેલી વસાહત પહેલાના પશ્ચિમ કાંઠા અને ગાઝાનો સમાવેશ થશે. જો કે જેરુસલેમને કેવી રીતે વિભાજીત કરવામાં આવશે જે આ યોજનામાં વિવાદનો સૌથી મહત્વપૂર્ણ મુદ્વો રહયો છે. ઇઝરાયેલ પોતાની સુરક્ષા માટે મેળવેલા એક પણ પ્રદેશો છોડવા તૈયાર નહી. ઇઝરાયલે પહેલાથી વસાહતો દૂર કરીને પોતાનું નિયંત્રણ વધુ મજબૂત બનાવતું રહયું છે.


