Get The App

અમેરિકાનો ઇરાનના અણુમથકો પર બંકર બ્લસ્ટર બોમ્બથી પ્રચંડ હુમલો

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાનો ઇરાનના અણુમથકો પર બંકર બ્લસ્ટર બોમ્બથી પ્રચંડ હુમલો 1 - image


- ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી હવે પરમાણુ યુદ્ધનો ભય

- ઈરાને વળતા જવાબમાં ઈઝરાયેલના ૧૦થી વધુ શહેરો, એરપોર્ટ, સૈન્ય સ્થળોનો લાંબી રેન્જની બેલિસ્ટિક મિસાઈલોથી કચ્ચરઘાણ કાઢ્યો

- પરમાણુ મથકો પર અમેરિકાનો હુમલો નિષ્ફળ ગયાનો ઈરાનનો દાવો, અણુ મથકો નજીક રેડિયેશનનું જોખમ નહીં ઃ આઈએઈએ

- ટ્રમ્પનું ઓપરેશન મિડનાઈટ હેમર ઃ બે સપ્તાહના બદલે બે જ દિવસમાં ઈરાનના ત્રણ પરમાણુ મથકોને ટાર્ગેટ કર્યા

- ઈઝરાયેલના હુમલામાં ઈરાનમાં વધુ ૩૦૦ સાથે કુલ ૯૦૦નાં મોત, ૩,૪૦૦ ઘાયલ ઃ માનવાધિકાર જૂથોનો દાવો

વોશિંગ્ટન/તહેરાન: મધ્ય-પૂર્વમાં દોઢ વર્ષથી યુદ્ધે ચઢેલા ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધે એક પખવાડિયા કરતાં ઓછા સમયમાં ગંભીર સ્વરૂપ લઈ લીધું છે. રશિયા અને ચીનની ચેતવણીઓની અવગણના કરીને અમેરિકાએ આખરે ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધમાં ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઓપરેશન મીડનાઈટ હેમર હેઠળ ઈરાનના ત્રણ પરમાણુ મથકો ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન પર બી-૨ બોમ્બર મારફત બંકર બ્લસ્ટર બોમ્બથી હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડયું હતું. બીજીબાજુ અમેરિકાના હુમલાથી ધુંધવાયેલા ઈરાને અત્યાધુનિક બેલિસ્ટિક મિસાઈલોથી ઈઝરાયેલના ૧૦ શહેરો, એરપોર્ટ અને સૈન્ય સ્થળોનો કચ્ચરઘાણ કાઢ્યો હતો. આ યુદ્ધમાં અમેરિકાના પ્રવેશથી હવે દુનિયામાં પરમાણુ યુદ્ધનો ભય તોળાઈ રહ્યો છે.

ઈરાનને પરમાણુ હથિયારો બનાવતું રોકવા માટે ઈઝરાયેલે ઓપરેશન રાઈઝિંગ લાયન હેઠળ ૧૩ જૂનથી તહેરાનના પરમાણુ મથકો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. જોકે, ઈઝરાયેલ ઈરાનના પરમાણુ એકમોને મોટું નુકસાન પહોંચાડી શક્યું નહોતું. આવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ વાટાઘાટો કરવા બે સપ્તાહનો સમય આપ્યો અને કહ્યું કે તેઓ બે સપ્તાહ પછી ઈરાન પર હુમલો કરવા અંગે નિર્ણય કરશે. જોકે, ટ્રમ્પે રાબેતા મુજબ જાહેરાત કર્યાના માત્ર બે જ દિવસમાં તેમનો નિર્ણય ફેરવી તોળ્યો હતો.

અમેરિકાએ ઓપરેશન મિડનાઈટ હેમર હેઠળ ભારતીય સમય મુજબ રવિવારે વહેલી સવારે ઈરાનના ત્રણ સૌથી મહત્વના પરમાણુ એકમો ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન પર છ બી-૨ બોમ્બર વિમાનોથી ફૂલ પે લોડ સાથે હુમલો કર્યો હતો અને માત્ર ૨૫ મિનિટમાં ૩૦૦૦૦ પાઉન્ડના ૧૨ બન્કર બસ્ટર બોમ્બ ઝિંક્યા હતા. આ સાથે અમેરિકાએ ઈસ્ફહાન પરમાણુ મથક પર ટોમહોક ક્રૂઝ મિસાઈલોથી પણ હુમલો કર્યો હતો. 

જનરલ ડેન કેને કહ્યું કે, સાત બી-૨ બોમ્બર્સ ૨-૨ની જોડીમાં મિસૌરી એરબેઝથી રવાના થયા હતા. અમેરિકન હુમલાની શરૂઆત ઇરાનના સમય મુજબ રવિવારે મોડી રાતે ૨.૧૦ કલાકે થઈ અને બધા જ અમેરિકન વિમાનો ૪.૩૫ કલાકે ઈરાની હવાઈ સરહદમાંથી બહાર નીકળી ગયા હતા. બી-૨ બોમ્બર્સે સૌથી પહેલાં ફોર્ડો પરમાણુ મથક પર હુમલો કર્યો હતો, જ્યાં ઈરાને પરમાણુ હથિયારો બનાવવા માટેના સેન્ટ્રિફ્યુઝ છુપાવી રાખ્યા હોવાનું મનાય છે. ફોર્ડો પછી બી-૨ બોમ્બરોએ નતાંઝ અને ઈસ્ફહાન પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો. 

ઈરાનના પરમાણુ મથકો પર હુમલા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાનના મહત્વના પરમાણુ મથકોનો સંપૂર્ણ નાશ કરાયો છે અને તેને નિષ્ક્રી કરી દેવાયા છે. જોકે, ઈરાને કહ્યું કે, તેના પરમાણુ મથકોને કોઈ નુકસાન થયું નથી અને તે સંપૂર્ણપણે સલામત છે. સાથે જ રેડિયેશન લીકનું જોખમ હોવાનો પણ ઈરાને ઈનકાર કરી દીધો છે. સાથે જ ઈરાનની પરમાણુ ઊર્જા સંસ્થા એઈઓઆઈએ રવિવારે કહ્યું કે, તેનો પરમાણુ કાર્યક્રમ રોકાશે નહીં. દેશનો પરમાણુ કાર્યક્રમ નેશનલ ઈન્ડસ્ટ્રી જાહેર કરાયો છે અને ઈઝરાયેલ-અમેરિકાના હુમલા છતાં તે રોકાશે નહીં. દુનિયામાં પરમાણુ એકમો પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (આઈએઈએ)એ પણ ઈરાનના પરમાણુ મથકો નજીક રેડિયેશન લીકેજ નહીં થયું હોવાનું કબૂલ્યું છે.

અમેરિકાના હુમલાથી ગુસ્સે ભરાયેલા ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ-૩ હેઠળ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ અને હાઈફા સહિત ૧૦ શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું હતું. આ સાથે ઈરાને ૨૦મા મિસાઈલ હુમલામાં પહેલી વખત ઈઝરાયેલ પર તેની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ખૈબર શેકન બેલિસ્ટિક મિસાઈલથી હુમલા કર્યા હતા. આ હુમલા બેન ગુરિયન એરપોર્ટ અને સૈન્ય સ્થળોને નિશાન બનાવીને કરાયા હતા. ઈરાનના હુમલાના પગલે ઈઝરાયેલે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી અને તેલ અવિવ પાસે આવેલું સૌથી મોટું એરપોર્ટ બંધ કરી દીધું હતું. ઈરાનના હુમલાઓના કારણે ઉત્તરીય ઈઝરાયેલમાં નાગરિકોએ બન્કરોમાં આશરો લેવો પડયો હતો. દરમિયાન અમેરિકાની સાથે ઈઝરાયેલે પણ ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા હતા. ઈઝરાયેલના હુમલામાં વધુ ૩૦૦ લોકોનાં મોત થયા હતા, જેને પગલે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૯૦૦એ પહોંચ્યો હતો. આ સિવાય ૩,૪૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

- બી-2 બોમ્બર્સે 37 કલાકનું અવિરત ઉડ્ડયન કરી હુમલો કર્યો

ઈરાનના સૌથી ઘાતક પરમાણુ મથક ફોર્ડોનો નાશ કરવામાં ઈઝરાયેલ નિષ્ફળ જતાં આખરે અમેરિકા આ યુદ્ધમાં ઉતર્યું હતું. અમેરિકાના ૬ બી-૨ બોમ્બર્સે સતત ૩૭ કલાકનું અવિરત ઉડ્ડયન કરી ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો. અમેરિકાના છ બોમ્બર્સ મિસૌરી રાજ્યથી રવાના થયા હતા. તહેરાન સુધી પહોંચવા માટે તેમણે હવામાં જ ઈંધણ ભરાવ્યું હતું. ત્યાર પછી ઈરાનમાં ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ફોર્ડો પરમાણુ મથક ખતમ થઈ ગયું છે. ફોર્ડોને ઈરાનનું સૌથી સુરક્ષિત પરમાણુ મથક માનવામાં આવે છે. આ મથક જમીનથી ૨૫૦ ફૂટ નીચે હોવાનું મનાય છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ફોર્ડો પર ૬ બંકર બોમ્બથી હુમલો કરાયો હતો. સાથે ઈરાનના અન્ય પરમાણુ સ્થળોમાં ૩૦ ટોમહોક મિસાઈલે વિનાશ વેર્યો હતો.


Tags :