અમેરિકાએ નાગરિકો માટે વૈશ્વિક સ્તરે 'હાઈ એલર્ટ' જાહેર કર્યો
- અમેરિકાના મહત્વના શહેરોમાં હાઈ એલર્ટ
- ટ્રાવેલ એડવાઈઝરીમાં તેમ પણ કહેવાયું કે, મધ્ય પૂર્વમાં વિમાન સેવા વારંવાર ખોરવાઈ જાય તેમ છે : નાગરિકો પર હુમલા થવા સંભવ છે
વોશિંગ્ટન, (ડીસી) : અમેરિકાએ તેના નાગરિકો માટે વૈશ્વિક સ્તરે હાઈ એલર્ટ જાહેર કર્યો છે. અમેરિકાના તમામ મહત્વના શહેરોને પણ અત્યંત સાવચેત રહેવા કહ્યું છે. સલામતી દળોને તૈનાત રખાયા છે. વિદેશ મંત્રાલયે તેના નાગિરકો અને વિદેશોમાં રહેલા વ્યાપારી સંસ્થાનો માટે જાહેર કરેલી ટ્રાવેલ-એડવાઈઝરીમાં તેમ પણ કહેવાયું છે કે મધ્ય પૂર્વ પરથી પસાર થતી વિમાન સેવાઓ વારંવાર ખોરવાઈ જવાની ભીતિ રહેલી છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે આપેલ આ ટ્રાવેલ એડવાઈઝરી વિદેશોમાં રહેલા અમેરિકી દૂતાવાસો અને ઉપદૂતાવાસોએ પણ જાહેર કરી છે. તેમજ મધ્ય-પૂર્વમાં રહેલા અમેરિકી નાગરિકોને તે વિસ્તાર છોડી દેવા, અન્ય દેશોમાં જવા અને બની શકે તો યુએસ આવવા પણ જણાવી દીધું છે.
આ પ્રવાસ-સૂચનામાં તેવી પણ ચેતવણી અપાઈ છે કે, કેટલાયે દેશોમાં અમેરિકી નાગરિકો ઉપર હુમલા થવાની શક્યતા છે. તેથી અજાણ્યા સ્થળે જવું નહીં. તેમજ જે-તે દેશના પોલીસોનો સંપર્ક સાધવો તેમજ અમેરિકાનાં દૂતાવાસો તથા ઉપ-દૂતાવાસોના સતત સંપર્કમાં રહેવું.
આ સાથે નાગરિકોને તેવી પણ સૂચના અપાઈ છે કે, તેઓ વિદેશ મુસાફરી કરવાની યોજના ઘડે તે પૂર્વે તેઓએ સરકારનો, http://travel.state.gov./destination. ઉપર સંપર્ક સાધવો.
ટૂંકમાં અમેરિકા તે સમજી ગયું છે કે, હવે કદાચ પ્રચંડ વળતા પ્રહારો ઇરાન તરફથી થવા સંભવ છે અને ઇરાનનાં પરમાણુ મથકો ઉપર કરાયેલા હુમલાથી અનેક દેશોના લોકો પણ અમેરિકા અને અમેરિકન્સ વિરૂધ્ધ થઈ ગયા છે. તેથી હાઈ એલર્ટ જાહેર કરવો પડયો છે.