World

ઇરાન યુદ્ધમાં અમેરિકા ઇઝરાયેલને પ્રચંડ પછડાટ મળી છે : રશિયા

By GS TEAM
8 Apr 20262 mins read
ઇરાન યુદ્ધમાં અમેરિકા ઇઝરાયેલને પ્રચંડ પછડાટ મળી છે : રશિયા

- ઇરાન રશિયાનું ઘનિષ્ઠ મિત્ર છે તેણે જ શસ્ત્રો પૂરા પાડયા છે

- અમેરિકા ઇઝરાયલે એક તરફી અને કશી પણ ઉશ્કેરણી વિના અકારણ હુમલા કર્યા પરંતુ તેમાં તે બંનેને પછડાટ મળી : મારિયા ઝાખારોવા

મોસ્કો : રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું હતું કે, 'અમેરિકા અને ઇઝરાયલને ઇરાન યુદ્ધમાં પ્રચંડ પછડાટ મળી છે.' તેઓએ વધુમાં કહ્યું હતું કે, અમેરિકા અને ઇઝરાયેલ એક તરફી અને કશી પણ ઉશ્કેરણી વિના અકારણ ઇરાન ઉપર હુમલો કર્યો પરંતુ તે બંનેને પછડાટ મળી છે.

રેડિયો સ્પુટનિક ઉપર બોલતા તેઓએ વધુમાં કહ્યું : 'આપણા દેશે તો પહેલા જ નિવેદનમાં કહ્યું હતું કે, આ આક્રમણ બંધ થવું જોઈએ. આ પરિસ્થિતનો કોઈ સેનાકીય ઉકેલ છે જ નહીં તેમજ સૈન્ય શક્તિથી પણ તે વિસ્તાર ઉપર કબ્જો જમાવી શકાય તેમ જ નથી. વાસ્તવમાં તે ખરા અર્થમાં રાજકીય તેમજ રાજદ્વારી ઉકેલ શોધવા પ્રયત્ન થવો જ જોઈએ જે વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ મંત્રણાઓ આધારિત (પ્રયત્ન) થવો અનિવાર્ય છે.

રશિયાના પ્રવક્તા મારિયા ઝાખારોવાના આ વિધાનો રશિયા સરકારના જ હોઈ શકે તેમ કહેતા નિરીક્ષકો કહે છે કે, 'વાસ્તવમાં ઇરાન રશિયાનું ઘનિષ્ઠ મિત્ર છે. તેને પરમાણુ સંશોધન સંયંત્રો (ન્યુક્લિયર્સ રીએક્ટર્સ) રશિયન વિજ્ઞાાનીઓ અને ટેક્નિશયનોએ બાંધી આપ્યા છે. રશિયન વિજ્ઞાાનીઓ ઇરાનના વિજ્ઞાાનીઓને પૂરો સાથ અને સહકાર આપે છે. રશિયા ઇરાનને શસ્ત્રો પૂરા પાડે છે તેના બદલમાં ઇરાન રશિયાને 'ડ્રોન' વિમાનો પૂરા પાડે છે. તેથી રશિયા સહજ રીતે ઇરાનની તરફદારી કરે તેમાં આશ્ચર્ય નથી.

બીજી તરફ પશ્ચિમની ચિંતા એ છે કે, ઇરાન દ્વારા રશિયા સીધું અરબી સમુદ્ર ઉપર જ આવી પહોંચી શકે. જે અત્યારે બની જ રહ્યું છે તેથી અરબી સમુદ્ર ઉપર રશિયાનો પ્રભાવ વધી રહે.

કહેવાની જરૂર જ નથી કે, આ ઇરાન યુદ્ધમાંથી ન ધાર્યા હોય તેવા ફણગા પણ ફૂટી શકે તેમ છે.