World

અમેરિકાએ ચીનને વધુ એક ટેન્શન આપ્યું, સમુદ્રમાં ચીનને ઘેરવાની યોજના ઘડી કાઢી

By GS TEAM
3 Jul 20252 mins read
અમેરિકાએ ચીનને વધુ એક ટેન્શન આપ્યું, સમુદ્રમાં ચીનને ઘેરવાની યોજના ઘડી કાઢી

- ટ્રમ્પે ચીનના 4 પાડોશી દેશોને 'હેમિલ્ટન' સીરીઝનાં ઉચ્ચ ક્ષમતાવાળાં 10 કોસ્ટ ગાર્ડ શિપ મોકલ્યાં : એ 4 પૈકી 2 સાથે ચીને ક્ષેત્રીય વિવાદ છે

વૉશિંગ્ટન : લાંબા સમયથી ચાલી રહેલી ટેરિફ અને ટ્રેડ વૉર વચ્ચે અમેરિકાએ ચીનને એક વધુ ટેન્શન આપ્યું છે. તેણે તાજેતરમાં ૪ એશિયાઈ દેશોને ૧૦ તટરક્ષક જહાજો મોકલી આપ્યાં છે. તે ૪ પૈકી બે સાથે ચીનને ક્ષેત્રીય વિવાદ ચાલે છે. આથી દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન તણાવમાં આવી ગયું છે.

ન્યૂઝ વીકના એક રીપોર્ટમાં જણાવાયું છે કે ગયા મહિને જૂનમાં પૂર્વ એરિકી તટરક્ષક જહાજ યુ.એસ.સી.જી.સી. મેલન વિયેતનામ પહોંચી ગયું છે. વિયેતનામને અપાયેલું આ ત્રીજું યુદ્ધ જહાજ છે.

આ સાથે હેમિલ્ટન સીરીઝનાં અન્ય ત્રણ જહાજો પહેલેથી જ ફિલિપિનો નેવીમાં કાર્યરત છે. વિયેતનામ તથા ફિલિપાઇન્સને પહેલેથી જ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે.

આ વિવાદને લીધે જ ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં દુનિયાનો સૌથી મોટો તટરક્ષક બેડો તૈયાર રાખ્યો છે. ચીને હિન્દ મહાસાગરમાં પણ નૌકાદળનો વિસ્તાર કર્યો છે. આથી અમેરિકાએ બાંગ્લાદેશ તથા શ્રીલંકાને હેમિલ્ટન જહાજોની એક એક જોડી આપી છે. અમેરિકાએ જે શિપ આપ્યાં છે તે અમેરિકાની નૌ સેનામાં હતાં. તે યુદ્ધ જહાજો અન્ય દેશોને આપી અમેરિકા પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યું છે, તથા મિત્ર દેશો સાથેની સંરક્ષણ ભાગીદારી પણ મજબૂત બનાવી રહ્યું છે.

૧૯૬૦થી ૧૯૭૦ વચ્ચે કમીશન કરેલાં ૨,૭૦૦ ટનનાં આ જહાજો લીજેન્ડ શ્રેણીમાં આવે છે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે અમેરિકાની નૌ સેનામાં રાખવામાં આવ્યાં હતાં. તે કટર પ્રકારનાં જહાજો છે.

સિંગાપુર સ્થિત ઇન્સ્ટીટયુટ ઓફ ડીફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના વરિષ્ટ ફેલો અને નૌ-સેના વિશ્લેષક કોલિન કોટે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોને અમેરિકાએ આપેલાં હેમિલ્ટન શ્રેણીનાં કટર જહાજોને અમેરિકાનું અત્યંત મહત્ત્વનું પગલું કહ્યું છે.

બીજી તરફ ક્વાડના ચારે દેશોએ અમેરિકાનાં તે જહાજો ઉપર એક મહિલા અધિકારીને પણ અમેરિકાનાં ઉક્ત યુદ્ધ જહાજ ઉપર મોકલ્યા છે. આ રીતે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા વધારવા ક્વૉડ દેશોએ મહત્ત્વનું પગલું ભર્યું છે. આ ક્વોડ દેશોમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત સભ્ય પદે છે. આ નૌ સેના અધિકારીઓ પહેલાં પ્રશાંત મહાસાગરમાં આવેલા અમેરિકી સેના મથક ગ્વામ ટાપુ ઉપર પહોંચશે. અહીં અમેરિકાની ભૂમિદળની ટુકડી અને વાયુદળની સ્કવોડન્સ પણ છે. સહજ રીતે નૌ સેના બેડો પણ છે. ટૂંકમાં હવે ચીનને ઘેરવાની ચાલ ચાલી રહી છે.