અમેરિકાએ 7 મહિનામાં 1700થી વધુ ભારતીયોને તગેડી મૂક્યા, તેમાં આ બે રાજ્યના સૌથી વધુ
America deported 1700 Indians: ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ બન્યા પછી અમેરિકાથી ભારતીય નાગરિકોના ડિપોર્ટેશન(દેશનિકાલ)માં વધારો થયો છે. આથી ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાને વિનંતી કરી છે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા માનવીય હોવી જોઈએ. મંત્રાલયે મહિલાઓ અને બાળકોને બેડી પહેરાવવા અને ધાર્મિક-સાંસ્કૃતિક સંવેદનશીલતાના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાએ 2025ના વર્ષમાં એટલે કે છેલ્લા 7 મહિનામાં અત્યાર સુધી કુલ 1703 ભારતીય નાગરિકોને દેશમાંથી ડિપોર્ટ કર્યા છે, જેમાં 141 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં આ માહિતી આપી.
ટ્રમ્પ ફરીથી અમેરિકન પ્રમુખ બનતાં ભારતીયોના ડિપોર્ટેશનમાં વધારો
વિદેશ મંત્રાલય(MEA)ના આંકડાઓ મુજબ, વર્ષ 2025ના પહેલા સાત મહિનામાં જ 1703 ભારતીયોને અમેરિકાથી બળજબરીપૂર્વક પાછા ભારત મોકલવામાં આવ્યા છે, એટલે કે સરેરાશ દરરોજ આઠ ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. આ આંકડો બાઇડન સરકાર અને ટ્રમ્પના પહેલા કાર્યકાળના છેલ્લા વર્ષ કરતાં ત્રણ ગણો વધારે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી
ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે 2025ની શરુઆતથી જ ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી છે. તેમણે ગેરકાયદેસર પ્રવાસીઓ અને વિઝાના નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી તેજ કરી છે. 26 જૂને અમેરિકી વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, વિઝા મળ્યા પછી પણ દેખરેખ ચાલુ રહેશે. જો નિયમોનો ભંગ થશે તો વિઝા રદ કરી દેશનિકાલ (deport) કરવામાં આવશે. આ સાથે જ, અમેરિકી સરકારે ચેતવણી આપી છે કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારાઓની ધરપકડ, દેશનિકાલ અને ભવિષ્યમાં વિઝા પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે.
2020થી 2024 વચ્ચે 5541ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા
શુક્રવારે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં માહિતી આપી હતી કે, વર્ષ 2020થી લઈને 2024 વચ્ચે 5541ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. 22 જુલાઈ, 2025 સુધીમાં અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની સંખ્યા 1703 છે. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં (2020-2024) બ્રિટનથી 311 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા, જ્યારે 2025માં અત્યાર સુધી આ સંખ્યા 131 છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે બ્રિટનથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યામાં થોડો ફરક હોઈ શકે છે. કારણ કે કેટલાક કિસ્સાઓમાં જેમની પાસે માન્ય દસ્તાવેજો હોય તેમને સીધા જ ડિપોર્ટ કરી દેવામાં આવે છે અને જેમને ઈમરજન્સી ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ (ETD) આપવામાં આવ્યા હોય, તે બધાનો ઉપયોગ થતો નથી કારણ કે ઘણી વાર વ્યક્તિ અપીલ દાખલ કરે છે.
અમેરિકાએ કરેલા ડિપોર્ટેશનમાં પંજાબ અને હરિયાણાના લોકો સૌથી વધુ
સરકારી આંકડા મુજબ, કુલ 1703 લોકોમાંથી સૌથી વધુ 620 લોકો પંજાબના છે. ત્યાર બાદ 604 લોકો હરિયાણાના, 245 ગુજરાતના અને 10 લોકો જમ્મુ-કાશ્મીરના છે. આ બધાને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે. જ્યારે, 6 લોકો કયા રાજ્યના છે તે ઓળખી શકાયું નથી.
આ રીતે થઈ હતી ડિપોર્ટેશન પ્રક્રિયા
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 2025માં અત્યાર સુધીમાં જુદા જુદા માધ્યમોથી 1703 ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. તેમાંથી, 864 લોકોને ચાર્ટર્ડ અને સૈન્ય વિમાનો દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં 333 ભારતીયોને ત્રણ અલગ-અલગ તારીખે અમેરિકન બોર્ડર સિક્યુરિટી ફોર્સે મોકલ્યા હતા.
અમેરિકન ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે માર્ચ અને જૂનમાં 231 નાગરિકોને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા મોકલ્યા. આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટીએ જુલાઈમાં 300 લોકોને બે ફ્લાઇટ્સ દ્વારા ભારત મોકલ્યા. 747 ભારતીયો વ્યક્તિગત રીતે અથવા નાના જૂથોમાં કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પાછા ફર્યા. આ સમયગાળા દરમિયાન પનામાથી પણ 72 લોકો પાછા ફર્યા હતા. આ બધા લોકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતાં પકડવામાં આવ્યા હતા.